નવી દિલ્હી: દિલ્હી પોલીસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ આજે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્વાજ સહિત 500 થી વધુ નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. 'આપ' સહિતના વિવિધ વિપક્ષી દળો અને સંગઠનો વોટર લિસ્ટના વિશેષ સઘન સુધારણા (SIR) અંતર્ગત હજારો મતદારોના નામ કથિત રીતે કાઢી નાખવાના અને અન્ય ચૂંટણી સંબંધિત મુદ્દાઓને લઈને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ પ્રદર્શનમાં જોડાવા અને CEC ના રાજીનામાની માંગને બુલંદ કરવા સૌરભ ભારદ્વાજે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પહોંચવાની અપીલ કરી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાંધી જયંતીના દિવસે પ્રસ્તાવિત આ વિરોધ પ્રદર્શન માટે અગાઉથી કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી. આ આહ્વાનને પગલે જંતર-મંતર પર વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે પ્રદર્શન સ્થળની આસપાસ બેરિકેડ્સ લગાવીને જંતર-મંતર રોડને વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દીધો હતો.
વધુમાં, કાયદો અને વ્યવસ્થા જાળવવા જંતર-મંતર વિસ્તારમાં BNSS ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકોના એકઠા થવાની સંભાવનાને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) ના જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
શુક્રવારે જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન પોલીસે કડક કાર્યવાહી કરતા 'આપ' ના વરિષ્ઠ નેતાઓ જેવા કે સૌરભ ભારદ્વાજ, આતિશી, સંજય સિંહ, સંજીવ ઝા અને અનુરાગ ઢાંડા સહિત 500 થી વધુ દેખાવકારોની અટકાયત કરી હતી. આ ઉપરાંત, પ્રદર્શન સ્થળની નજીકથી AAP ના અન્ય નેતાઓ અને AISA (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન) ના કાર્યકરો સહિત વધુ 150 પ્રદર્શનકારીઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
બીજી તરફ, પરિસ્થિતિનો તાગ મેળવવા દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે જંતર-મંતર ખાતે સુરક્ષા વ્યવસ્થાની જાતે સમીક્ષા કરી હતી.
આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા પહોંચેલા RJD સાંસદ મનોજ ઝાએ પોલીસની કાર્યવાહીની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, "તેમને શરમ આવવી જોઈએ. શું વિરોધ પ્રદર્શન માટે પરવાનગીની જરૂર પડે છે? આખરે, આ ગાંધીનો દેશ છે અને આજે ગાંધી જયંતી છે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ પ્રદર્શનમાં જોડાશે, ત્યારે તેમણે સ્પષ્ટ જવાબ આપતા કહ્યું, "બિલકુલ! ભલે તેઓ પોલીસ સ્ટેટ બનાવી દે, પરંતુ જ્ઞાનેશ કુમાર, વડાપ્રધાન મોદી અને અમિત શાહ પોતાનો ગુનો છુપાવી શકશે નહીં."