- રમેશ પુરોહિત
(ગતાંકથી ચાલુ)
સુરતની બાજુમાં બારડોલી નગર છે જે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રસ્થાને હતું અને સરદારને `સરદાર'નું બિરુદ બારડોલીએ આપ્યું છે. આ બારડોલીમાં કવયિત્રી સંધ્યા ભટ્ટ રહે છે. વ્યવસાયે કૉલેજમાં અંગ્રેજીનાં પ્રોફેસર છે, પણ માતૃભાષાને અનહદ પ્યાર કરે છે. `સ્પર્શ આકાશનો' કાવ્ય સંગ્રહ 2006માં આપ્યો છે. તેઓ નિયમિત લખે છે એટલે બીજા સંગ્રહો આવતા જ રહેશે. ગુજરાતના અનેક કવિતા સામયિકોમાં એમની રચનાઓ પ્રગટ થઈ છે. ગઝલની બાનીમાં ઈશ્કે-મિજાજીનો રંગ ઉઘડે છે અને ઈશ્કે-હકીકી સુધી વિસ્તરે છે. એમના થોડા શેર માણીએ:
દેખાય છે અનેકમાં ને તોય એક છે
એના જ નામનો બધે આહલેક છે.
દિલમાં મુશાયરા તો સતત ચાલતા રહે
આમીન સાથે અલવિદા તો બસ વિવેક છે
* *
આવી જવું અચાનક મોસમ સમું તમારું
ચાલી જવું અવાચક વાદળ સમું તમારું
મોજાની જેમ આવી વિખરાઈ જાઓ પળમાં
અસ્તિત્વ છે પરંતુ સાગર સમું તમારું
* *
એક નકશીકામ કરવું જોઈએ
અશ્રુમાં અક્ષરથી તરવું જોઈએ.
જાણવું છે આપને મૃત્યુ વિશે?
તો પછી જાતે જ મરવું જોઈએ.
* *
જીવનભર શબ્દ સાથે નાતો અને પનારો સફળતાથી પાર પાડી રહેલા સર્જક છે સોનલ પરીખ. જે સર્જકને શબ્દનાદની સમજણ હોય તો સમજવું કે સંગીતના નાદ્બહ્મ સાથે પાકી દોસ્તી છે. સોનલ આમ તો આજીવન પત્રકાર છે, અનુવાદક છે, અનુસર્જક છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે એમની પાસે કવિતાનો ઉજાસ છે.
લાગણી, અનુભૂતિ અને સ્પંદન ઝીલીને શબ્દો દ્વારા કાવ્યમાં મૂર્ત કરવાનો મીનાકારી કસબ એ સોનલની વિશેષતા છે. એમણે `નિશાન્ત' કાવ્યસંગ્રહ આપ્યો છે. એમને એટલે સાચા સર્જકને મુંબઈ જેવી મહાનગરીની દોડધામ માફક ન જ આવે એટલે કેટલાક સમયથી સૌરાષ્ટ્રના એક ખૂણે આવેલા શૈક્ષણિક અને સામાજિક સેવારત સંસ્થામાં કાર્યરત રહ્યાં છે. એમના થોડાક શેર જોઈએ:
હું તમને મળતી નથી મળવા છતાં
શક્યતા ફળતી નથી ફળવા છતાં
તું થઈ અજવાસ નસનસમાં વહે
સૂર્ય ઝળહળતો રહે ઢળવા છતાં
* *
તેં મને તોળી અને તોળાઈ છું
પ્રેમના નામે સતત રોળાઈ છું
તેં મને ચાખી નહીં, પીધી નહીં
વ્યર્થ તારા જામથી ઢોળાઈ છું
કદી ના પિછાણી, કદી ના પ્રમાણી
રહી હસ્તરેખા અજાણી અજાણી
હૃદય જાય ક્યાં ને ચરણની ગતિ ક્યાં?
રહી જિંદગીમાં સતત ખેંચતાણી!
* *
દેખાયે તે હોતું નથી, જે હોય દેખાતું નથી
આ વંચનાનું નગર, અહીં સત્ય સેવાતું નથી.
મારા તમારા સ્વપ્નમાં ક્યારે કશું નક્કર હતું?
શૂન્યતા છે, અંધાર છે ને દૃશ્ય દેખાતું નથી.
સુરતમાં કવિતાનું સ્મિત રેલાવતાં સ્મિતા પારેખ તાપી નદીનાં દર્શન કરીને કાવ્ય તત્ત્વની સાધના અને આરાધના કરે છે. સાયન્સમાં સ્નાતક સ્મિતા પારેખ શબ્દ સાથે નાતો રાખે છે. અર્થના પરિવેશમાં અટવાયા વગર સુરત શહેરની સરળતામાં ગઝલ લખે છે. વાર્તાસંગ્રહ વગેરે પ્રકાશનો આપતાં રહ્યાં છે.
સાહિત્યના વિવિધ પ્રકારોમાં ગતિ હોવા છતાં એમની થોડીક રચનાઓ જાણીએ તે પહેલાં મહત્ત્વની વાત કે સ્મિતાની વ્યથા સાચુકલી બને છે, કારણ કે વાણીમાં દંભ નથી. સંસ્કૃતમાં કહ્યું છે તે પ્રમાણે `તદ્દૂરેતદન્તિકે'નો પડઘેો લગભગ દરેક ગઝલમાં દેખાય છે. મને ગમી ગયેલી એક આખી ગઝલ:
કેટલો આ દૂર તારો વાસ છે
પણ વિચારોમાં તું મારી પાસ છે.
એમ કંઈ તારા વિના મહેફિલ સજે?
આ હૃદયમાં એક તું બસ ખાસ છે
મૌન બોલે ને નજર પણ બોલતી,
બંધ હોઠો પર અહીં નિશ્વાસ છે!
જેમ ના દીસે હવા પણ હોય છે
હોય ના તું, તોય તારો ભાસ છે
બે કદમ તું દૂર છે મારાથી પણ
પગમાં વાગી ફાંસ, કેવો ત્રાસ છે!
આંખની ધારે હવે ના આંસુ જો
જીવું પણ થંભી ગયા આ શ્વાસ છે
* *
સાવ કોરો પત્ર તું એકાદ જો
થઈ શકે તો મૌનનો અનુવાદ જો
દિલને એનાથી વધુ શું જોઈએ!
કે તું આવે, હું દઈ દઉં સાદ જો
* *
સુરત-રાંદેર ગઝલની જન્મભૂમિ-કર્મભૂમિ રહ્યાં છે. હવે સુરતના છેવાડાંનાં ગામો સુધી ગઝલ પ્રસરી ગઈ છે. નવસારી જિલ્લામાં ગણ દેવી તાલુકામાં આવેલા એક નાનકડા ગામમાં હર્ષવી પટેલ સાહિત્ય સર્જનમાં સતત પ્રયત્નશીલ છે. ગામનું નામ છે `કેસણી'. તેઓ શિક્ષણકાર્ય કરે છે.
ગીતો, લઘુ કથા, બાળગીતો અને ગઝલ લખે છે. કલા, સાહિત્ય, સંગીતમાં જેઓ પ્રવૃત્ત હોય તેઓને મન સર્જન એ કુદરતને ખોળે જવાની પ્રક્રિયા છે અને હર્ષવી આ સર્જન પ્રક્રિયામાંથી સારી પેઠે અને સહજ રીતે ગતિ કરી રહ્યાં છે. થોડીક રચનાઓ
જોઈએ:
હજી પણ આપણે પહોંચ્યા નથી કો' ઠોસ ઠેકાણે
તું શોધે છે વિસામો દોસ્ત! હું સરનામું શોધું છું.
* *
આંખ મીચી સતત દોડ્યા કરે છે આ સમય
એય નક્કી કોઈનાથી દોરવાયો છે ભલા!
આપણી મહેફિલ વધુ લાંબી નહીં ચાલી શકે
એટલે તેં ભેરવી સંબંધ ગાયો છે ભલા
* *
છે સ્મરણ એનું દુ:ખતી રગ ને
મેં સતત આંગળી અડાડી છે.
* *
તારા સવાલોના જવાબો ના મળે અહીં
આ `હર્ષવી'ની આંખ છે ઉત્તરવહી નથી
અમદાવાદનાં ભાર્ગવી પંડ્યા છેલ્લા દોઢ દાયકાથી સાહિત્ય સર્જન કરી રહ્યાં છે. એમના શ્વાસમાં અને વિશ્વાસમાં ગઝલનું રેશમ વણ્યા કરે છે. એમનો પ્રથમ ગઝલસંગ્રહ `હોવાપણાને છાંયડે' 2020માં અને બીજો સંગ્રહ `વાદળ બન્યું છે મન' 2025માં પ્રકાશિત થયા હતા. આમ ગઝલની સાધના સન્નિષ્ઠાપૂર્વક થઈ રહી હોવાનો અહેસાસ થાય છે.
`વાદળ બન્યું છે મન' ગઝલ સંગ્રહની પ્રસ્તાવનામાં અગ્રગણ્ય કવિ કિરણસિંહ ચૌહાણ કહે છે કે ` આ સંગ્રહની 77 ગઝલોમાંથી પસાર થતાં ઘણા સુંદર શેરોને મળવાનું થયું. ઘણી ગઝલોમાં નોખી અભિવ્યક્તિ જોવા મળી.' પોતાના કંડારેલા કાફિયા-રદીહમાં ક્યાંય કોઈનો પડધો નથી. છતાં વૈવિધ્ય સુપેરે સાચવ્યું છે અને લગભગ તમામ ગઝલોમાં સર્જનની પ્રક્રિયાને કવયિત્રીએ અદ્ભુત રીતે અભિવ્યક્ત કરી છે. શબ્દની સફરના બીજા પડાવમાં એમણે આપેલી અને કિરણભાઈએ વીણેલી ગઝલો માણીએ:
લીલાં વૃક્ષો, પીળાં ફૂલો, ભૂરું નભ છે
દોર્યો સૂરજ ઝળહળ, જો કાગળનો વૈભવ.
* *
ઘા ઉપર ઘા, તે છતાંયે વૃક્ષ તો મલકાય છે!
જાણ છે એને કે કૂંપળ ફૂટશે વિચ્છેદમાં
* *
આ મૌન ઓગળશે અગર, શબ્દો પ્રવેશે સાદમાં
ક્યારેક ભૂલીને બધું, આવી અહીં સંવાદમાં
જાઉં કદી ના મંદિરે, લગની છે દર્શનની સતત
હરપળ રટણ તારું કરું, તું ગણ મને અપવાદમાં
* *
ટોચ શ્રદ્ધાની છે, સત્ય આધાર છે
આ તરફ દત્ત છે ને ત્યાં દાતાર છે
* *
એમ શબ્દો ઊતરે કાગળ ઉપર,
આંગળીમાં વાગતી સિતાર છે.
પ્રભાતી મ્હોરમાં કરતાલ કર લઈ કોણ આ ચાલ્યું?
જતી આ રાતનું પગલું દબાવીને તળેટીમાં.