Tue Oct 06 2026

Logo

આમિર ખાનને ધમકી મુદ્દે સાયબર પોલીસનો ખુલાસો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધો સંબંધ નથી

2026-07-30 17:50:29
Author: Mumbai Samachar Team
આમિર ખાનને ધમકી મુદ્દે સાયબર પોલીસનો ખુલાસો: લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સીધો સંબંધ નથી

મુંબઈ: બોલીવુડના સુપરસ્ટાર આમિર ખાનને કથિતપણે લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામે મળેલી ધમકીના મામલામાં મુંબઈ સાઇબર પોલીસની તપાસમાં કેટલીક મહત્વની જાણકારી આપવામાં આવી છે. પ્રાથમિક તપાસ અનુસાર વાયરલ ઓડિયો ક્લિપ અને સોશિયલ મીડિયા પોસ્ટ સીધી રીતે લોરેન્સ બિશ્નોઇ ગેંગથી જોડાયેલા હોવાના સંકેત મળ્યા નથી. તપાસમાં જાણવા મળ્યું હતું કે ધમકી મોકલવા માટે સ્વીડન સ્થિત વીપીએન (વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક) અને ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી આરોપીએ પોતાની સાચી ઓળખ અને લોકેશન છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. 

લોરેન્સ ગેંગના નામનો ઉપયોગ કરી ડરાવવાનો પ્રયાસ 

પોલીસને શંકા છે કે કોઈ અજાણ્યા આરોપીએ લોરેન્સ બિશ્નોઇ ગેંગના નામનો ઉપયોગ કરીને ડર પેદા કરવાના પ્રયત્નો કર્યા છે. સંદિગ્ધ આરોપી પોતાનું આઈપી એડ્રેસ અને પોતાનું યુઝરનેમ વારંવાર બદલાવી રહ્યો છે. આ જ કારણ છે કે પોલીસને આ કોઈ સંગઠિત ગેંગની જગ્યાએ કોઈ હિંસક કે સ્વતંત્ર અપરાધીનું કૃત્ય લાગ્યું હતું. 

મળતી માહિતી અનુસાર આમિર ખાનને એ ધમકી સોશિયલ મીડિયા પર 'ટાઈસન બિશ્નોઇ' અને 'આરઝૂ બિશ્નોઇ' નામના યુઝર અકાઉન્ટથી પ્રાપ્ત થઇ હતી. વાયરલ ઓડિયોમાં આમિર ખાન પર 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપવા અને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ કાર્ય કરવા જેવા આરોપ લગાવતા પાઠ ભણાવવાની ધમકી આપવામાં આવી હતી. 

સાચી ઓળખ ધરાવનારા આરોપી સુધી પહોંચવાની કવાયત

પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે અત્યાર સુધીમાં આ મામલે સત્તાવાર રીતે કોઈ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો નથી. મુંબઈ સાઇબર પોલીસ દરેક પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે, જેમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગની સંડોવણી છે કે પછી કોઈએ ગેંગના નામનો દુરુપયોગ કરીને બનાવટી ધમકી આપી છે, તેની પણ તપાસ ચાલી રહી છે. 

દરેક વખતના લગ્ન સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ થયા

ઉલ્લેખનીય છે કે તાજેતરના આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ અમુક સંગઠનો અને નેતાઓએ તેના પર 'લવ જેહાદ'ને પ્રોત્સાહન આપવાના આરોપ લગાવ્યા હતા. આમિર ખાને અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે તેમના દરેક લગ્ન સ્પેશ્યલ મેરેજ એક્ટ હેઠળ થયા છે અને તેમની કોઈ પણ પત્નીએ ધર્મ પરિવર્તન કર્યું નથી. હાલમાં સાઇબર પોલીસ ધમકી આપનારાની સાચી ઓળખ સુધી પહોંચવા માટે ડિજિટલ પુરાવાઓની ઊંડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.