અમદાવાદઃ ગુજરાતથી અમેરિકા સ્થાયી થયેલા લોકો પૈકી અમુક ગેરકાયદે કામ કરતાં ક્યારેક ઝડપાતા હોય છે. આવો જ એક કિસ્સોમો અમેરિકામાં સામે આવ્યો છે. જ્યાં સિનિયર સિટીઝનને નિશાન બનાવીને આચરવામાં આવેલા $6.6 મિલિયન (આશરે ₹55 કરોડથી વધુ)ના ગોલ્ડ બાર કૌભાંડમાં સંડોવાયેલા બે ગુજરાતીઓને ત્યાંની કોર્ટે ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી.
આરોપીઓની ઓળખ ચિંતન પારેખ (52 વર્ષ) અને મેહુલ દરજી (41 વર્ષ) તરીકે થઈ હતી. ચિંતન પારેખ વર્ક વિઝા પૂરા થયા હોવા છતાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતો હતો. જ્યારે મેહુલ દરજી વર્ષ 2014માં અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યો હોવા છતાં ગેરકાયદે રહેતો હતો.
આ બંને શખ્સો વિદેશથી ઓપરેટ થતાં એક મોટા નેટવર્કનો ભાગ હતા. તેઓ સિનિયર સિટીઝનને ફોન કે મેસેજ દ્વારા ડરાવતા હતા કે તેમના બેંક અથવા રિટાયરમેન્ટ એકાઉન્ટ જોખમમાં છે. બચત સુરક્ષિત કરવાના બહાને તેઓ પીડિતોને તેમની રોકડ રકમથી ગોલ્ડ બાર ખરીદવા મજબૂર કરતા હતા. જાળમાં ફસાયેલો વ્યક્તિ ગોલ્ડ બાદ ખરીદી લે પછી તે લેવા માટે કુરિયર મોકલવામાં આવતો હતો.
સેન્ટ લુઈસમાં એક 82 વર્ષીય વૃદ્ધાને સોફ્ટવેર સપોર્ટ પ્રતિનિધિ બનીને છેતરવામાં આવી હતી. તેમને $250,000 (આશરે ₹2 કરોડ) ના સોનાના બિસ્કિટ ખરીદવા જણાવાયું હતું. જોકે, કુરિયર સોનું લેવા પહોંચે તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ચિંતન પારેખ એરિઝોના, કેલિફોર્નિયા, ફ્લોરિડા અને પેન્સિલવેનિયામાં સોનું ઉઘરાવવાનું કામ સંભાળતો હતો, જ્યારે મેહુલ દરજી પણ વિવિધ રાજ્યોમાં કુરિયરનું સંકલન કરતો હતો.
Old Courthouse (St. Louis)
સેન્ટ લુઈસની કોર્ટે બંનેને જેલની સજાની સાથે દંડ પણ ફટકાર્યો છે. જેલવાસ પૂર્ણ થયા બાદ બંનેને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવશે.FBI ના સ્પેશિયલ એજન્ટ ક્રિસ ક્રોકરે જણાવ્યું કે, આ ગુનેગારોએ વૃદ્ધોની આજીવનની કમાણી લૂંટીને તેમનું જીવન બરબાદ કરી દીધું છે.