નવી દિલ્હીઃ લોકસભામાં મહિલા અનામત સુધારા સહિત ત્રણ બિલ રજૂ થયા હતા. સરકારે કહ્યું કે, આ બિલનો હેતુ લોકસભા અને રાજ્યસભામાં મહિલાઓને 33 ટકા અનામતને લાગુ કરવાનો છે. આ બિલ પર હાલ ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ સરકારને આડે હાથ લેતા કહ્યું કે જો તમે 2023માં અમારી વાત માની હોત તો 2024માં મહિલા અનામત લાગુ થઈ ગયું હોત.
શું બોલ્યા ગૌરવ ગોગોઈ
કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું હતું કે તમે વારંવાર મહિલા અનામતમાં અડચણો ઉભી કરી રહ્યા છો. જો તેમે 2023માં અમારી વાત માની હોત તો 2024માં જ લાગુ થઈ ગયું હોત. આ બિલ મહિલા અનામત માટે નહીં પરંતુ પાછલા દરવાજાથી ચોર પરમિશન માટે છે. તેને સીમાંકન સાથે ન જોડવું જોઈએ. જો તમે આમ કરશો તો અમે નિશ્ચિત રીતે તેનું સમર્થન કરીશું. વિપક્ષે કહ્યું હતું કે મહિલા અનામત બિલના વિરોધમાં નથી, પરંતુ એના સંબંધિત સીમાંકનને લઈને સખત વિરોધ કરીએ છીએ.
મહિલા અનામત બિલ મુદ્દે લોકસભામાં કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું છે કે કોંગ્રેસ પણ મહિલા અનામત બિલના પક્ષમાં છે. હાલની 543 સીટમાં જ અનામત મળવી જોઈએ. આજે લોકસભામાં સીમાંકન અને મહિલા અનામત બિલ મુદ્દે ગૌરવ ગોગોઈ, પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલ, મનીષ તિવારી, પ્રણિતી શિંદે, કે. સુરેશ અને મોહમ્મદ જાવેદનો સમાવેશ થાય છે, જ્યારે આવતીકાલે રાહુલ ગાંધી બોલશે.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સીમાંકન બિલ પર ભાજપ અને સરકારની દાનત સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, સપા મહિલા અનામતના પક્ષમાં છે. ડૉ. લોહિયા હંમેશા જેન્ડર જસ્ટિસ અને સોશિયલ જસ્ટિસના પક્ષધર રહ્યા હતા અને અમે પણ તે જ માર્ગ પર છીએ. આ અનામત અમારા આહવાનને વધુ મજબૂત બનાવી રહ્યું છે.
વધુમાં તેમણે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, હવે ભારતીય જનતા પાર્ટી નારીને માત્ર એક 'નારો' બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જેમણે પોતાના સંગઠનમાં મહિલાઓને સ્થાન નથી આપ્યું, તેઓ તેમનું માન-સન્માન કેવી રીતે જાળવશે? છેલ્લા ઘણા વર્ષોથી આ લોકો સરકારમાં છે, પરંતુ જો આપણે દુનિયાના આંકડા જોઈએ તો જેન્ડર ઇક્વાલિટીમાં આપણે ક્યાં ઊભા છીએ? તેમની પોતાની સરકારની વાત કરીએ તો, 21 જગ્યાએ તેમની સરકાર છે, પરંતુ કેટલી મહિલા મુખ્યમંત્રીઓ છે?
આ ઉપરાંત તેમણે કહ્યું ઉત્તર પ્રદેશમાં પંચાયતોમાં મહિલાઓ માટે સૌથી વધુ અનામત લાગુ કરવાનું કામ સપા (સમાજવાદી પાર્ટી)એ કર્યું છે. અખિલેશ યાદવે આક્ષેપ કર્યો કે, અમારો સવાલ એ છે કે ભાજપને આટલી ઉતાવળ કેમ છે? સત્ય તો એ છે કે તેઓ વસ્તી ગણતરીને ટાળવા માંગે છે. તેઓ જાતિ આધારિત વસ્તી ગણતરીના ડરથી આ પ્રક્રિયા પાછી ઠેલી રહ્યા છે, તેઓ ખરેખર અનામત આપવા માંગતા નથી.
મહિલા અનામત બિલ વિશે બોલતા, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ મહિલાઓ માટે એક ઐતિહાસિક બિલ છે. મારું માનવું છે કે આ દેશના ઇતિહાસમાં એક ક્રાંતિકારી બિલ છે. લોકશાહીમાં મહિલાઓને સમાન તકો મળશે.