નવી દિલ્હીઃ મેટાની માલિકીના મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપએ ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતા નિયંત્રિત એકાઉન્ટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે અંતર્ગત નાના બાળકો માતાપિતાની કડક દેખરેખ હેઠળ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે.
આ પગલાંને મેસેજિંગ પ્લેટફોર્મની નીતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર માનવામાં આવી રહ્યો છે. કારણ કે અત્યાર સુધી આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટેની લઘુત્તમ વય મર્યાદા ૧૩ વર્ષ(કેટલાક ક્ષેત્રોમાં આનાથી વધુ) હતી.
વોટ્સએપએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે પરિવારો અને નિષ્ણાંતો પાસેથી મળેલી માહિતીના આધારે માતાપિતા-નિયંત્રિત એકાઉન્ટ્સની એક નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત માતા-પિતા કે વાલીઓ નાના બાળકો માટે વ્હોટ્સએપ એકાઉન્ટ્સ બનાવી શકશે અને તેનો ઉપયોગ માત્ર મેસેજિંગ અને કોલિંગ સુધી મર્યાદિત રહેશે.
વોટ્સએપએ જણાવ્યું કે એક બાજુ માતા-પિતા બાળકોની સંપર્ક યાદીને નિયંત્રિત કરી શકશે, તો બીજી તરફ મેસેજનું કન્ટેન્ટ 'એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન' દ્વારા સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. નવી કંટ્રોલ સિસ્ટમ અને અન્ય સેટિંગ્સને પેરેન્ટ પિનના માધ્યમથી સુરક્ષિત રાખવામાં આવશે. માત્ર માતા-પિતા જ ગોપનીયતા સંબંધિત સેટિંગ્સ જોઇ અથવા બદલી શકશે. આ સુવિધા હાલમાં તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી હોવાનું કંપનીએ જણાવ્યું હતું.