Thu Apr 23 2026

Logo

પ્રથમ તબક્કાનું તણાવપૂર્ણ માહોલમાં મતદાન થયું, દસ જગ્યાઓ પર હિંસાથી શાંતિ ડહોળાઈ

2026-04-23 19:51:18
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન 23 એપ્રિલે પૂર્ણ થયું હતું. આ મતદાન દરમિયાન દસ જગ્યાઓ પર હિંસા થઈ હોવાના રિપોર્ટ મળ્યા છે. આસનસોલમાં ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલની કાર પર હુમલો થયો હતો, જ્યારે કેશુપરમાં મતદાન કર્યા બાદ એક મહિલાનું મૃત્યુ થયું હતું. મુર્શિદાબાદમાં TMC અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી થઈ હતી. પ્રથમ તબક્કામાં જે મતદાન થયું એમાં હિંસાએ માહોલ બગાડી નાંખ્યો. આ કારણે મુર્શિદાબાદથી કૂચબિહાર સુધી માહોલ તણાવગ્રસ્ત રહ્યો હતો. 

કાર પર હુમલો કરાયો

આસનસોલ, માલદા, કૂચબિહાર, સિલીગુડ્ડી, મુર્શિદાબાદ આ તમામ જગ્યાઓ પર ઝપાઝપી થઈ, હિંસા થઈ હતી. ઉમેદવારોને ઘેરીને, દોડાવીને માર મારવામાં આવ્યો હતો. ક્યાંક લાકડી-ધોકા પાઈપથી મારમારી તો ક્યાંક ઈંટ-પથ્થર જેવી વસ્તુઓ હથિયાર બની ગઈ. આસનસોલમાં ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલની કાર પર હુમલો થયો હતો. આ ઘટના બર્નપુરના રહમતનગર વિસ્તારમાં એ સમય બની જ્યારે મતદાન પ્રક્રિયાની જાણકારી લેવા માટે અનેક એવા નાના-મોટા મતદાન મથક પાસેથી એમની કાર પસાર થઈ રહી હતી. મતદાન મથકમાં મુલાકાત લીધા બાદ જ્યારે તે બાહર આવી રહ્યા હતા અને આગળ વધી રહ્યા હતા એ સમયે હુમલો થયો હતો. એમની કાર પર પથ્થરમારો થયો હતો. આ કારણે કારનો પાછળનો કાચ તૂટી ગયો

સુરક્ષા ટીમના જવાનને ઈજા

ભાજપના નેતાને આ ઘટનામાં કંઈ નુકસાન થયું નથી પણ પાછળ બેઠેલા સુરક્ષા ટીમના સભ્ય અને એમના કેટલાક માણસોને ઈજા પહોંચી છે. જ્યારે કેશપુરમાં મતદાન કર્યા બાદ બુથની સામે જ મહિલાનું મૃત્યુ થયું હતું. આ મહિલાનું નામ ઈશરતન બીબી હોવાનું જાણવા મળે છે, જે પશ્ચિમ મેદનીપુરના કેશપુર વિધાનસભા વિસ્તારમાં રહેતી હતી. એમના પતિ નવાબજાન અલીએ કહ્યું હતું કે, પરિવારના ચાર સભ્યોના નામ મતદાર યાદીમાં જ નથી. મારૂ નામ પણ નથી. હું એમની સાથે મતદાન મથક સુધી ગયો હતો. હું બુથની બહાર ઊભો હતો, જોકે કેશપુરમાં ક્યાંક હિંસા થઈ હોય એવી વિગત નથી. 

પોલીસ સાથે બોલાચાલી

પશ્ચિમ બંગાળના નૌદામાં એ સમયે માહોલ એ સમયે ગરમાયો જ્યારે AJUP પ્રમુખ અને રેજીનગરના ઉમેદવાર હુમાયું કબીર એક સ્થળની મુલાકાત લેવા માટે પહોંચ્યા. એ સમયે TMCના સમર્થકો અને એમની વચ્ચે ઝપાઝપી થઈ હતી. જે હિંસામાં પરિણમી હતી. ઘટના સ્થળે રહેલી પોલીસ અને હુમાયુ કબીર વચ્ચે થયેલી બોલાચાલીના વીડિયો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મુર્શિદાબાદમાં એક ટોળું આવ્યું અને અચાનક હુમાયુને ઘેરી વળ્યું. એ લોકો પાસે લાકડી, ધોકા, ઈંટ અને પથ્થર હતા. એવો પણ આરોપ છે કે, કાર્યકર્તાઓએ હુમાયુંની વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

કેમ્પમાં મોટી તોડફોડ થઈ

માલદા જિલ્લાના હરિશચંદ્રપુર વિધાનસભા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. તૃણમુલ કોંગ્રેસના બે જુથ વચ્ચે માથાકુટ થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે, પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારમાં મંત્રી પદે રહેલા તાજમુલ હુસૈનના પિતૃક ગામ બાંગારૂઆમાં TMCના એક કેમ્પમાં તોડફોડ થઈ ગઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના નેતા સ્વપન અલીએ આરોપ લગાવતા કહ્યું કે, મંત્રી તાજમુલ અને તેના સમર્થકો ખુલ્લેઆમ કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા હતા. મંત્રીના આદેશ પર એમના સમર્થકોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મળી કેમ્પ ઓફિસ પર હુમલો કર્યો અને તોડફોડ પણ કરી. 

બે જૂથ વચ્ચે મારામારી

સિલિગુડીના જગદીશ ચંદ્ર વિદ્યાપીઠ સ્થિત બૂથ નંબર 26/237 પર મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. આ સમય દરમિયાન, મતદાન મથકની બહાર તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરો વચ્ચે અચાનક ઝઘડો થયો. થોડી જ વારમાં, વિવાદ વધ્યો, જેના કારણે બંને જૂથો વચ્ચે ઝઘડો થયો. ઘટના બની ત્યારે આ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શંકર ઘોષ પણ ઘટનાસ્થળે હાજર હતા. મતદાન મથક પર તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) ના કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને ભીડને વિખેરી નાખી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી. 

ઈવીએમમાં ખામી સર્જાઈ

સુરક્ષા દળોની સતર્કતાને કારણે, એક મોટી અનિચ્છનીય ઘટના ટાળી શકાય છે, અને મતદાન પ્રક્રિયા વધુ વિક્ષેપ વિના સફળતાપૂર્વક ફરી શરૂ કરવામાં આવી છે. સિલિગુડીનો આ ચોક્કસ વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવે છે, અને ત્યારબાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. માલદાના મોથાબારી વિધાનસભા મતવિસ્તારમાં, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં ખામી સર્જાતા બાલુઆચરા હાઇસ્કૂલ સ્થિત મતદાન મથકની બહાર તણાવ ફાટી નીકળ્યો. સેક્ટર ઓફિસરના આગમનમાં નોંધપાત્ર વિલંબને કારણે મતદારો ઉશ્કેરાઈ ગયા અને ત્યારબાદ અધિકારીને ઘેરી લીધા. ઘણા મતદારો સેક્ટર ઓફિસરને હાથથી પકડીને, ખેંચીને અને તેમની સાથે ઝઘડો કરતા જોવા મળ્યા.

કૂચ બિહારમાં કેન્દ્રીય દળોએ કાર્યવાહી કરી

મતદાન પ્રક્રિયા દરમિયાન કૂચ બિહારના તુફાનગંજ વિસ્તારમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે પરિસ્થિતિ તંગ બની ગઈ. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી જોઈને, ત્યાં તૈનાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) ના જવાનોએ પરિસ્થિતિનો હવાલો સંભાળ્યો. સુરક્ષા દળોએ ભીડને વિખેરી નાખી અને લાઠીચાર્જ  કરીને વ્યવસ્થા કરી અને સ્થિતિને કાબુ કરી. એવો આરોપ છે કે કેટલાક અસામાજિક તત્વો મતદારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે સુરક્ષા કર્મચારીઓ દ્વારા બળનો ઉપયોગ કરવો પડ્યો.