Wed Jun 10 2026

Logo

પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી મુદ્દે ટીએમસી અને ભાજપ કાર્યકરો વચ્ચે અથડામણ

2026-03-31 21:56:57
Author: Chandrakant Kanoja
Article Image

ANI


કોલકાતા : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા મંગળવારે કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયની બહાર તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં મતદાર યાદીમાં કથિત છેડછાડને લઈને ટીએમસી સમર્થિત બૂથ-લેવલ અધિકારીઓ અને ભાજપના કાર્યકરો વચ્ચે  અથડામણ થઈ હતી.

મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયની બહાર અથડામણ 

આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કોલકાતામાં મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયની બહાર મતદાર યાદીમાં કથિત છેડછાડને લઈને ટીએમસી અને ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા. તેની બાદ કાર્યકરો આમને સામને આવતા અથડામણ થઇ હતી. ટીએમસીએ આરોપ લગાવ્યો હતો કે ફોર્મ 6 નો ઉપયોગ અન્ય રાજ્યોના મતદારોને બંગાળની મતદાર યાદીમાં ઉમેરવા માટે કરવામાં આવી રહ્યો છે.

મમતા બેનર્જી સામે ફરિયાદ નોંધાવી

આ અથડામણ બાદ પરિસ્થિતિને કાબુમાં લાવવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જ્યારે વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયની મુલાકાત લીધી. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ફરિયાદ નોંધાવી  તેમના પર અશાંતિ ભડકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના ગયા બાદ જ ફોર્મ 6 ના કથિત દુરુપયોગ અંગે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. 

પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે દરમિયાનગીરી કરી હતી

જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, કથિત રીતે ફોર્મ 6 નો ઉપયોગ એનડીએ શાસિત રાજ્યો  જેમ કે બિહાર અને ઉત્તરપ્રદે ના મતદારોને પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં ઉમેરવા માટે કરવામાં આવી રહ્યો હતો. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે દરમિયાનગીરી કરી હતી. જેના કારણે પોલીસ અને વિરોધીઓ વચ્ચે અથડામણ થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે, ટીએમસી  સુપ્રીમો મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનને પત્ર લખ્યો  હતો. પત્રમાં  તેમણે ભાજપ પર ફોર્મ 6 ના ઉપયોગ દ્વારા મોટા પાયે પશ્ચિમ બંગાળની મતદાર યાદીમાં અન્ય રાજ્યોના મતદારોને સામેલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.