Wed Jun 17 2026

Logo

પશ્ચિમ એશિયામાં શાંતિના સંકેત! યુદ્ધ રોકવા યુએસએ મૂકી 15 શરતો, સામે ઈરાને પણ કરી આ માંગ

Wasington Dc   2026-03-25 14:30:27
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ ઓછો થવાના સંકેતો મળી રહ્યા છે, યુએસ અને ઈરાન વાટાઘાટો ફરી શરુ કરવા માટે તૈયાર થયા છે. અહેવાલ મુજબ યુએસએ સંઘર્ષનો અંત લાવવા માટે ઈરાન સમક્ષ 15-મુદ્દાનો પ્રસ્તાવ મુક્યો છે, બીજી તરફ ઈરાને પણ યુએસ સમક્ષ કેટલીક શરતો મૂકી છે.

યુએસ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રસ્તાવમાં ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર કડક નિયંત્રણો મુકવા, પ્રોક્સી ઓર્ગેનાઈઝેશનને સર્મથન ન આપવા અને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા જેવી મુખ્ય શરતો મુકવામાં આવી છે. 

બીજી તરફ ઈરાને યુએસ સમક્ષ માંગ કરી છે કે ગલ્ફ વિસ્તારમાં યુએસ લશ્કરી મથકો બંધ કરવામાં આવે અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના નિયંત્રણ જેવી શરતો મૂકી છે.

યુએસએ ઈરાન સમક્ષ મુકેલી અન્ય શરતો:

યુએસએ ઈરાનને તેની મિસાઈલ ક્ષમતામાં ઘટાડો કરવા અને મિસાઈલ પ્રોગ્રામ સાથે જોડાયેલા લશ્કરી માળખાને તોડી પાડવાની માંગ કરી છે. જો ઈરાન આ શરતો માનશે તો બદલામાં, યુએસ ઈરાન પર પ્રતિબંધો હળવા કરશે. 

યુએસએ ઈરાનની બહાર સ્થિત યુએનના નિરીક્ષણ હેઠળ નાગરિક પરમાણુ કાર્યક્રમને મંજૂરી આપવાની પણ રજૂઆત કરી, આ ઉપરાંત ઈરાનના અર્થતંત્રને સુધારવા માટે મદદ કરવા માટેની પણ ઓફર મૂકી છે. 

અહેવાલ મુજબ યુએસએ વાટાઘાટોને એક મહિનાના યુદ્ધવિરામ માટેની માંગ કરી છે. અહેવાલ મુજબ યુએસએ ઈરાન સાથે યુદ્ધવિરામની યોજના શેર કરી છે, પરંતુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

ઈરાને યુએસ સમક્ષ મુકેલી અન્ય શરતો:

ઈરાને યુએસ સમક્ષ માંગ કરી કે હુમલાને કારણે થયેલા નુકસાનનું નાણાકીય વળતર ચુકવવામાં આવે. આ ઉપરાંત લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલ દ્વારા ચલવવા આવી રહેલુ ઓપરેશન બંધ કરવા દબાણ કરવામાં આવે. ઈરાને યુએસ પાસે એવી ખાતરી પણ માંગી કે હુમલા ફરી શરુ કરવામાં નહીં આવે. 

ઈરાને એવી પણ માંગ કરી કે તેમને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવાની મંજૂરી આપવામાં આવે, જેના માટે એક માળખું  તૈયાર કરવામાં આવે.

બંને પક્ષો શરતો સ્વિકારશે?

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બંને પક્ષો એક બીજાએ મુકેલી શરતો એ જ સ્વરૂપમાં સ્વીકારે એવી કોઈ શક્યતા નથી, પણ સંભવિત વાટાઘાટો દરમિયાન બંને પક્ષો થોડી બાંધછોડ કરી શકે છે. 

બંને પક્ષો વચ્ચે વાટાઘાટો ક્યારે અને ક્યાં થશે એ હજુ નક્કી નથી, પરંતુ બંને પક્ષોએ વાટાઘાટો માટે તૈયારી બતાવતા શાંતિની આશા દેખાઈ રહી છે.