Fri Apr 17 2026

Logo

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઈલ્સઃ રહસ્ય...

2026-03-14 08:20:31
Author: ટીના દોશી
Article Image

ટીના દોશી 

`બોલ રિયા, પછી તેં શું ફેંસલો કર્યો ?'
`રાજ, હું મારો ફેંસલો તને પહેલાં જ સંભળાવી ચૂકી છું.'
`તો શું આ તારો અંતિમ નિર્ણય  છે ?'
`હા, રાજ.'
`અને મારા વિશેનો તારો નિર્ણય પણ આખરી જ છે ને ?'
`અરે ગૌતમ, તું અત્યારે ક્યાંથી ?'
`રિયા, હું તો માત્ર પાકું કરવા આવેલો. તેં તારો નિર્ણય બદલ્યો તો નથી ને ?'

`હોતું હશે કાંઈ... મારો નિર્ણય અફર છે.'
`નિર્ણય તો મેં પણ કર્યો છે, રિયા..'
`અરે, ગુંજન... તું પણ અત્યારે જ અહીં?'

`હા, અત્યારે. તેં મારી કારકિર્દી ખતમ કરી નાખી એ તો મેં સહન કરી લીધું. પણ હવે તેં મારો પ્રેમ છીનવી લીધો છે. એ હું કોઈ પણ ભોગે સહન નહીં કં.'

અવાજના આરોહ અવરોહ સાથે સંવાદ થોડો લંબાયો. રિયા, રાજ, ગૌતમ અને ગુંજન વચ્ચેની ચર્ચાએ ઉગ્ર બોલાચાલીનું સ્વરૂપ ધારણ કર્યું.  થોડી વાર પછી...

એક ધડાકો અને એક ચીસ...
એ સાથે રંગમંચ પર પરદો પડ્યો. રહસ્ય અને રોમાંચથી ભરપૂર ત્રિઅંકી નાટક `કાતિલ કોણ'નો ત્રીજો અંક પૂરો થયો. નાટકના પ્રથમ બે અંકે દર્શકોને મંત્રમુગ્ધ બનાવી દીધેલાં. `રહસ્ય' નાટકની ગૂંથણીએ જમાવટ કરેલી. મજબૂત કથા ને મજબૂત પટકથા. એમાં ચોટદાર સંવાદની સુગંધ ભળી. રિયા અને રાજ તથા ગૌતમ અને ગુંજનની પ્રેમકહાણીથી શરૂ થયેલા નાટકે ધીમે ધીમે એવો ખતરનાક વળાંક લીધો કે ખૂની ખેલથી એનો અંત આવ્યો.

ત્રીજો અંક સમાપ્ત થતાં જ દર્શકોમાં એક પ્રકારની સ્તબ્ધતા છવાઈ ગઈ. એકાદ મિનિટની શાંતિ પછી તાળીઓના ગડગડાટથી નાટ્યભવન ગુંજી ઊઠ્યું. નાટકમાં કાતિલનું રહસ્ય છતું થતાં જ લોકો આફરીન પોકારી ઊઠેલા. નાટકને વખાણી વખાણી ને દર્શકો વિખરાઈ રહેલા. એવામાં નાટ્યભવનને આરપાર ચીરતી એક ચીસ ગુંજી ઊઠી : ખૂઉઉ...ન..ખૂન!

સહુના પગ થંભી ગયાં. ઉતાવળે ચીસની દિશામાં વળ્યાં. ચીસનું પગેં રંગમંચ ભણી દોરી ગયું. નાટકના કલાકારો ગોળ કુંડાળું વળીને ચીસો પાડી રહેલાં. ચીસાચીસ સાંભળીને નાટકના દિગ્દર્શક ભાવેશ ભોજાણી પણ રંગમંચ પર પહોંચી ગયેલા. એમણે ઝડપથી કલાકારોને ખસેડ્યા. જે દ્રશ્ય જોયું તે જોઈને એમની આંખોના ડોળા બહાર ધસી આવ્યા. રંગમંચની ફર્શ પર રિયા એવી રીતે ઢળી પડેલી જાણે હમણાં જ ઊભી થઈને વાતો કરવા લાગશે... પણ રિયાના લમણા પરના ગોળીના નિશાન અને એમાંથી વછૂટેલી લોહીની ધાર જોઈને રંગમંચ પર ઉપસ્થિત સહુ કોઈ જાણી ગયેલું કે હવે રિયા ક્યારેય ઊભી નહીં થાય અને ક્યારેય વાતો નહીં કરે.. રિયા મૃત્યુ પામી... ના, એનું ખૂન થયેલું!

રંગમંચ પર કણ અને કરપીણ દ્રશ્ય જોઈને દિગ્દર્શક ભાવેશ ભોજાણી મનોમન તો ભાંગી પડ્યા, પણ સ્વસ્થતા ધારણ કરીને સૌ પ્રથમ તો એમણે પોલીસ સ્ટેશને ફોન કરીને ખૂન થયાના સમાચાર આપ્યા. પછી રંગમંચ પર હાજર રહેલાઓને કોઈ પણ ચીજવસ્તુને ન અડકવાની સૂચના આપી. વળી ટોળે વળેલાંઓને એક બાજુ ખસી જવા કહ્યું.

ગણતરીની ક્ષણોમાં સાયરન વગાડતી પોલીસજીપ આવી પહોંચી. ઈન્સ્પેક્ટર કરણ બક્ષી અને જુનિયર દેવકી દીક્ષિત કૂદકો મારતાં હોય એવી ચુસ્તીસ્ફૂર્તિથી પોલીસજીપમાંથી ઊતર્યાં. નાટ્ય દિગ્દર્શક ભાવેશ ભોજાણી ઉતાવળે સામે પગલે દોડ્યા. ઈન્સ્પેક્ટર બક્ષીના ખભા સુધી માંડ પહોંચતા ભાવેશ કરણ અને દેવકીને રંગમંચ તરફ દોરી ગયાં. પાંચ પગથિયાં ચડીને સહુ રંગમંચ પર ચડ્યાં. કરણ અને દેવકીની અનુભવી આંખોએ ઝડપથી ઝીણવટભરી નજરે રંગમંચ પર ચારેકોર નિરીક્ષણ કર્યું.

રંગમંચ પર સન્નાટો પ્રસરી ગયેલો. રોશનીથી ઝળહળતા મંચ પર દીવાનખંડનું દ્રશ્ય ઊભું કરાયેલું. બે જણા બેસી શકે એવા બે સોફા, બે ચેર અને વચ્ચે નકશી કરેલી લાકડાની ટિપોઈ. એક બાજુ રસોડા ભણી ઉઘડતું બારણું. બીજી બાજુ બહાર જવાનો રસ્તો. બારણાનો અને બહાર જવાનો રસ્તો ઈંગિત કરતા લાલ કપડાથી આવરી લીધેલા લાકડાનાં પાર્ટીશન. રંગમંચના નેપથ્યમાં બ્લુ રંગનો પરદો તથા લાઈટિગની સાજસજ્જા. પરદા પાછળથી જરૂર મુજબનું સંગીત રેલાયા કરે એવી વ્યવસ્થા.

મંચની વચ્ચોવચ ચેરની બાજુમાં રિયાનો મૃતદેહ ઢળી પડેલો. પોલીસ ઈન્સ્પેકટરોએ જોયું કે જમણા લમણામાં બરાબર વચ્ચે નહીં, પણ લમણાથી થોડેક ઉપરના ભાગે મસ્તકની લગોલગ ગોળીનું નિશાન અને એના ફરતે લોહીનું ધાબું ફેલાયેલું. એના બંને લમણાને વીંધીને ગોળી આરપાર નીકળી ગયેલી. જમણે લમણે ગોળીનું નિશાન ઊંચે ભાગે હતું ને ડાબે લમણે થોડી નીચેની બાજુએ. લોહીની ધાર લમણેથી વહીને ચહેરા પર થઈને આસમાની રંગની સાડીને ખરડી રહેલી. 

સાડીનો આગળનો થોડોક ભાગ લોહીથી રંગાયેલો. પાંચ ફૂટ સાડા ત્રણ ઇંચ જેટલી ઊંચાઈ ધરાવતી ખૂબસૂરત  રિયાનું મસ્તક ઢળી પડેલું ત્યાં ફર્શ પર લોહીનું નાનું કુંડાળું બની ગયેલું. રિયાનો ડાબો હાથ એના ડાબા પડખા નીચે દબાઈ ગયેલો. જમણા હાથે બાજુમાં પડેલી ખુરસીના પાયાને પકડી રાખ્યો હોય ને પછી અચાનક પકડ ઢીલી પડી જતાં ફંગોળાયો હોય એ પ્રકારની હાથની મુદ્રા હતી. રિયાના કપાળે આસમાની બિંદી શોભી રહેલી. કાનમાં ઝીણી બુટ્ટી. હાથમાં કાચની આસમાની રંગની ચૂડીઓ. ફર્શ પર ટકરાઈને જમણા હાથની કેટલીક ચૂડીઓ તૂટી ગયેલી. કાચ આજુબાજુ વિખરાયેલા. નમણા મુખડા પર પીડા અને આઘાતના ભાવ સ્પષ્ટપણે અંકાયેલા.

રિયાના મૃતદેહનું બારીકાઈથી અવલોકન કર્યા પછી કરણ બક્ષી દિગ્દર્શક ભાવેશ ભોજાણી તરફ ફર્યો. દેવકી નોંધ ટપકાવવા ડાયરી અને પેન સાથે તૈયાર થઈ ગઈ. ઈન્સ્પેક્ટર બક્ષી સીધો જ મુદ્દા પર આવી ગયો : `ડાયરેક્ટર સાહેબ, નાટકમાં ખૂનનું દ્રશ્ય હોય એ તો જાણે સમજ્યા, પણ ખરેખર ખૂન કઈ રીતે થઈ ગયું? `કાતિલ કોણ' નાટકની કથા અનુસાર કાતિલ કોણ છે? એ જ ખૂની હશે!'

`સાહેબ, આ બધું કેવી રીતે થઈ ગયું એ જ સમજાતું નથી...' ભાવેશને કળ જ વળતી નહોતી : `હજુ તો નાટકના બે જ શો થયા છે. બંને સુપરડુપર હીટ... મને તો હતું કે આ શો મને બમ્પર કમાણી કરાવશે, પણ આ તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું થયું...'

ભાવેશ ભોજાણી સડક પર પૂરપાટ વેગે દોડતા વાહનની જેમ એકધાં બોલવા મથી રહેલા, પણ સ્પીડબ્રેકર બનીને કરણે એમને અવરોધ્યા : `મિસ્ટર ભોજાણી, રંગમંચ પર એક અભિનેત્રીનું ખૂન થઈ ગયું છે. એટલે પહેલાં તો એ જણાવો કે નાટકમાં કાતિલ કોણ છે ? વળી નાટકમાં તમે સાચુકલા હથિયાર વાપરો છો ? એની પરવાનગી છે તમારી પાસે?'

`અરે,હા... એ તો હું સાવ ભૂલી જ ગયો...' ભાવેશ કહી રહ્યા : `આવડી મોટી વાત જ મારા મગજમાંથી નીકળી ગઈ. અમે નાટકમાં ક્યારેય સાચાં હથિયારોનો ઉપયોગ કરતા નથી. ન જ કરાય ને? નાટકનું નામ કાતિલ કોણ હતું એટલે સ્વાભાવિક રીતે અમે પિસ્તોલ લઈ આવેલા. પણ એ તો નકલી. ફટાકડા ફોડવાની બંદૂકડી હતી. એનાથી તો કોઈ કેવી રીતે મરે?'

`ભાવેશભાઈ...' કરણ બક્ષી એક એક શબ્દ પર ભાર આપીને ધારદાર અવાજે બોલ્યો : `મેં એમ પૂછ્યું કે નાટકની કથા અનુસાર કાતિલ કોણ છે એનું નામ જણાવો.' ભાવેશે જાણે તંદ્રામાં હોય એમ લાગ્યું. દરમિયાન કરણ બક્ષીનો નજરનો ઈશારો પારખીને દેવકીએ રંગમંચ પર કુતૂહલવશ એકઠાં થયેલા લોકો તરફ જોઈને પૂછ્યું : `તમે લોકોએ તો જોયું જ હશે ને કે રિયા પર ગોળી કોણે ચલાવેલી?'

`ના, અમે કાંઈ જ જોયું નથી..' ટોળામાંથી એક દર્શક આગળ આવીને બોલ્યો : `ઈન્સ્પેક્ટર સાહેબ, અમે નાટક જરૂર જોયું, પણ ગોળી કોણે ચલાવેલી એ ખબર ન પડી. કારણ કે નાટકનું છેલ્લું દ્રશ્ય તદ્દન અંધારામાં જ હતું. માત્ર સંવાદ સંભળાય, પણ દેખાય કાંઈ નહીં. એટલે ગોળીનો અવાજ સંભળાયો ત્યારે ગોળી ચલાવનાર કોણ છે એ ખબર ન પડી, પણ હા... રંગમંચ પર ઉજાસ પથરાયા બાદ ગૌતમના હાથમાં પિસ્તોલ જોઈને અમને ખબર પડી કે એ જ કાતિલ છે.'

સહુ દર્શકોએ પણ આ વાતમાં હામી ભણી, ત્યારે એકાએક તંદ્રામાંથી જાગ્યો હોય એમ ભાવેશ બોલી ઊઠ્યો : `ગૌતમ ? ના હોય... આજે તો રાજે ગોળી ચલાવવાની હતી. તો રાજને બદલે ગૌતમના હાથમાં પિસ્તોલ ક્યાંથી આવી ?'

`દિગ્દર્શક સાહેબ, આજે રાજે ગોળી ચલાવવાની હતી એટલે શું ?' દેવકી નવાઈથી પૂછી રહી : `શું રોજ તમારા નાટકમાં કાતિલ બદલાયા કરે છે?'

`ઈન્સ્પેક્ટર સાહેબ, એવું છે કે અમે આ વખતે નાટકમાં નવો પ્રયોગ કર્યો છે...સામાન્યપણે અમે રહસ્યથી ભરપૂર નાટક જ બનાવીએ છીએ. નાટક વખણાય પણ ખરા, પરંતુ અમારો અનુભવ એવો રહ્યો છે કે નાટક ગમે તેટલું રસપ્રદ હોય પણ ત્રીસ-પાંત્રીસ શો થયા પછી ઉત્તમ કથાપટકથા, ઉત્તમ સંવાદો, ઉત્તમ કલાકારો અને ઉત્તમ અભિનય હોવા છતાં નાટકમાંથી લોકોનો રસ ઊડવા માંડે. કારણ એટલું જ કે નાટક જોનારાઓ જાણીજોઈને અથવા અતિ ઉત્સાહમાં આવીને સસ્પેન્સ ખુલ્લું પાડી દેતા. 

એથી ઘણી વાર અન્ય દર્શકોનો નાટક જોવાનો રોમાંચ વરાળ બનીને ઊડી જતો. પાંત્રીસેક શો પછી તો બધાંને નાટકનું સસ્પેન્સ ખબર પડી જતી. એથી જોનારાઓની સંખ્યા ઘટતી જતી.' ભાવેશે પૂર્વભૂમિકા બાંધી. પછી પોતાના અખતરા વિશે ગર્વભેર કહેવા માંડ્યો :

`અમારા અનુભવને ધ્યાને લઈને આ વખતે અમે એવું નક્કી કર્યું કે નાટકના દરેક શોમાં કાતિલ બદલતા રહેવું. એક દિવસ ગુંજન કાતિલ હોય તો બીજે દિવસે ગૌતમ, ત્રીજે દિવસે રાજ ને ચોથે દિવસે રિયા. એ જ રીતે એક દિવસ ગૌતમનું ખૂન થાય, બીજે દિવસે રાજનું ખૂન થાય, ત્રીજે દિવસે રિયાનું ખૂન થાય ને ચોથા દિવસે ગુંજનનું. અમે કથાની ગૂંથણી જ એ રીતે કરેલી કે નાટકનાં ચારેય પાત્રો પાસે કતલ કરવાનું કારણ હોય અને ચારેય પાત્રો પાસે એકમેકની કતલ કરવાનું કારણ પણ હોય.'

`ઈન્ટરેસ્ટિંગ...' કરણ બક્ષીના મુખેથી પ્રશંસાના ઉદગાર નીકળી પડ્યા : `તમારો અખતરો ખરેખર ઉત્તમ છે. પણ એવી તે કેવી કથા લખાવી છે તમે...જરા જણાવો તો ખરા.'

`સાહેબ...' ભાવેશ ભોજાણી વખાણ સાંભળીને તાનમાં આવી ગયા : `મારા નાટકની કથા પ્રણય ચતુષ્કોણ છે. ચાર મુખ્ય પાત્રો છે. રિયા, ગુંજન, રાજ અને ગૌતમ. એ જ એમનાં સાચા નામ પણ છે. ચારેયની જોડીએ છેલ્લા બે-ત્રણ નાટકમાં કમાલ કરીને બતાડી છે. એનું કારણ એ કે રિયલ લાઈફમાં પણ ચારેય પ્રેમીઓ જ છે. રિયા અને રાજ. ગુંજન અને ગૌતમ. કથામાં પણ આ જ જોડીઓ યથાવત રાખી. 

ચારેયની પ્રેમકહાણીથી નાટક શરૂ થાય. પ્રણયમાં ઉતારચડાવ આવે. પછી અણધાર્યો વળાંક આવે. રિયા ગૌતમ ભણી આકર્ષાય અને રાજ ગુંજન ભણી. પ્રણય ચતુષ્કોણ રચાય. અન્ય નાટકીય તત્ત્વો ઉમેરાય. પ્રેમીઓનો પ્રેમ દુશ્મનીમાં બદલાઈ જાય. પરિણામે ચારેય પરસ્પરને પામવા એકમેકનું ખૂન કરવા તૈયાર થઈ જાય... ષડ્યંત્ર રચાય. જાળ બિછાવાય. નાટકનું છેલ્લું દ્રશ્ય અંધારામાં ભજવાય. ખૂન થાય. અંતે રહસ્ય પરથી પરદો ઊઠે અને કાતિલ કોણ છે એ છતું થાય !'

`ભાવેશભાઈ, તમારી કથા જમાવટ કરે એવી છે, પણ નાટકમાં નકલી ખૂનને બદલે અસલી ખૂન કેવી રીતે થયું ?' કરણ બક્ષીએ અણિયાળો પ્રશ્ન પૂછ્યો.

`એનો તો મને ખુદને પણ આઘાત લાગ્યો છે...' ભાવેશ ભોજાણી આજુબાજુ જોઈ લઈને દબાયેલા સૂરે કહી રહ્યા : `હું અત્યંત પ્રોફેશનલ માણસ છું. નાટકને અંતિમ ઓપ આપી દઉં, કલાકારોની પસંદગી કરી લઉં અને કલાકારોને  પાત્રાલેખન સમજાવી દઉં એ પછી ઝાઝી ડબડબ કરતો નથી. કલાકારો રિહર્સલ કરે ત્યારે હાજરી આપું છું. દ્રશ્ય સમજાવવાની જરૂર હોય તો સમજાવું છું. એથી વિશેષ કશું નહીં. એમની અંગત બાબતોમાં હું ચંચુપાત કરતો નથી.છતાં ખૂન જેવો ગંભીર બનાવ બન્યો છે એટલે જણાવવાની મારી ફરજ છે એમ સમજીને હું કહું છું કે રિહર્સલ દરમિયાન મને એવું લાગ્યા કરતું કે ચારેયના સંબંધો પહેલાં જેવા સામાન્ય રહ્યા નહોતા.'

`એટલે...?' કરણ બક્ષીને રસ પડ્યો. હવે સુરાગ મળશે!

`એટલે એમ કે ચારેયની જોડી ખંડિત થઈ રહેલી...' ભાવેશની ભાષા સાહિત્યિક જણાઈ : `મારે તો કામ સાથે કામ. હું કાંઈ એમની અંગત બાબતો અંગે પડપૂછ કં નહીં. પણ મને એવું લાગ્યા કરતુ કે રાજ ગુંજન ભણી અને ગૌતમ રિયા ભણી ઢળી રહેલો. ક્યારેક ચારેયની બોલાચાલી પણ થઈ જતી. પણ મને એમ કે મારે શું... કોઈ સલાહ માંગે તો આપવાની. બાકી તો જેમ ચાલતું હોય એમ ચાલવા દેવાનું. પણ મામલો ખૂન સુધી પહોંચી જશે એ તો ધાર્યું જ નહોતું. ચારેયની ચડભડ થઈ હશે ને મોકો જોઈને ગૌતમે ખૂન કરી નાખ્યું હશે. મારી જાણબહાર એ લોકોએ નાટકનો અંત બદલી નાખ્યો. બાકી મેં કહ્યું એમ આજે તો રાજે ખૂન કરવાનું હતું, ગૌતમે નહીં !'

ગૌતમ, ગુંજન અને રાજ રંગમંચ પર એક બાજુ ઊભેલાં. ઈન્સ્પેક્ટર કરણ બક્ષીએ ત્રણેયને પાસે બોલાવ્યાં. એમનું નિરીક્ષણ કર્યું. પોણા છ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતા રાજનું વ્યક્તિત્વ સોહામણું હતું. ગોરો વર્ણ, બદામી આંખો અને વાંકડિયા વાળ. ગુંજન રિયાની સરખામણીમાં નીચી, ઓછી દેખાવડી ને ઓછી રૂપાળી. પણ સુંદર તો ખરી જ. ગૌતમ રાજની તુલનામાં નીચો કહી શકાય. સાડા પાંચ ફૂટ કરતાં ઓછી ઊંચાઈ હશે. વ્યક્તિત્વ અનાકર્ષક નહીં, પરંતુ આકર્ષક પણ નહીં.

`તો ગૌતમ...' કરણે સીધો જ વાર કર્યો : `તમે અંધારાનો લાભ લઈને રિયાનું ખૂન કરી નાખ્યું, કેમ?'

`ના, સાહેબ...' ગૌતમના અવાજમાં થોડો ડર હતો, થોડો કંપ : `હું તો રિયાને પ્રેમ કરવા માંડેલો. ગુંજન સાથે છેડો ફાડીને રિયા સાથે જોડવાનો નિર્ણય મેં કરેલો. રિયા પણ તૈયાર હતી. એ પણ મને પ્રેમ કરવા લાગેલી. તો હું શું કામ એનું ખૂન કં ?'

`તો પિસ્તોલ તમારા હાથમાં ક્યાંથી આવી?' દેવકીએ મુદ્દાનો સવાલ કર્યો. એણે ઝીણી નજરે જોયું કે રાજ અને ગુંજનના ચહેરા ગુસ્સાથી તમતમી ગયેલાં.

`પિસ્તોલ મારા હાથમાં ક્યાંથી આવી એ તો હું પણ જાણતો નથી..' ગૌતમના સ્વરમાં મૂંઝવણ ઊપસી આવી : `નાટકના છેલ્લા દ્રશ્યમાં રંગમંચ પર અંધાં કરવામાં આવ્યું. અંધાં થયું ત્યારે રિયા મારી બરાબર સામે ઊભેલી. મારી ડાબી બાજુએ ગુંજન અને જમણી બાજુએ રાજ ઊભેલો. કથા અનુસાર રાજે રિયાને ગોળીએ દેવાની હતી. ગોળીબારનો અવાજ સંભળાયો પણ ખરો. એવામાં મને એવું લાગ્યું કે કોઈ મારી પાસેથી સરકી ગયું હોય. હું કાંઈ સમજી શકું એ પહેલાં તો એણે મારા હાથમાં પિસ્તોલ પકડાવી દીધી. એટલામાં તો રંગમંચ પર ઉજાસ થઈ ગયો.'

`રાજ, આજે તમારે રિયાનું ખૂન કરવાનું હતું....' કરણ બક્ષીએ રાજની આંખમાં આંખ પરોવીને વેધક સવાલ કર્યો : `તમારે બદલે ગૌતમના હાથમાં પિસ્તોલ ક્યાંથી આવી... નાટકમાં ફેરફાર કોણે કર્યો ?'

`હું શું જાણું ?' રાજે બેફિકરાઈથી ખભા ઉલાળ્યા. રિયાના મૃત્યુનો એને જરાય અફસોસ નહોતો : `મને લાગે છે કે તમારી તપાસની દિશા જ ખોટી છે. હું માનું છું કે રિયાએ આપઘાત કર્યો હશે. એને મોડે મોડે સમજાયું હશે કે એણે મારો પ્રેમ ઠુકરાવીને ભૂલ કરેલી. ભૂલ કરે એ ભોગવે.'

`એમ તો રાજ, તમે પણ રિયા સાથે દગો કરેલો ને?' દેવકી તિરસ્કારથી બોલી : `તમે ગુંજનના પ્રેમમાં નહોતા પડેલા ?'

`એ તો રિયાને પાઠ ભણાવવા..' રાજના અવાજમાં નિશ્ચિંતતા હતી.
`અને ગુંજન, તમારે શું કહેવું છે ?' દેવકી પૂછી રહી.
`મને તો કશી સમજ પડતી નથી...' ગુંજન કહી રહી : `હું માત્ર એટલું જાણું છું કે મેં ખૂન કર્યું નથી !'

`ભાવેશભાઈ, તમારો કાતિલ પકડાઈ ગયો છે...' કરણે રહસ્ય છતું કર્યું : `એ છે રાજ !'
`ઈન્સ્પેક્ટર...' રાજે ફૂંફાડો માર્યો : `એમ ગપ્પાં ન મારો. મેં કોઈ ખૂન કર્યું નથી!'

`રાજ, ખૂન તમે જ કર્યું છે...' કરણ બક્ષી કડકાઈથી કહી રહ્યો : `તમને જોયા ત્યારે જ મને ખબર પડી ગયેલી કે કાતિલ તમે જ છો. કારણ કે રિયાના લમણામાં ઉપરના ભાગે ગોળી વાગી છે. જમણે લમણે ગોળીનું નિશાન ઊંચે ભાગે છે ને ડાબે લમણે થોડી નીચેની બાજુએ. એટલે કે ગોળી ઉપરથી નીચેના ભાગ તરફ ગઈ છે. રિયાની ઊંચાઈ પાંચ ફૂટ સાડા ત્રણ ઇંચ જેટલી છે. ને રાજ, તમારી ઊંચાઈ લગભગ પોણા છ ફૂટ જેટલી. 

તમે જ લમણા કરતાં ઉપરના ભાગે સરળતાથી ગોળી છોડી શકો. એ પહેલું કારણ. ગૌતમની ઊંચાઈ તો સાડા પાંચ ફૂટની પણ નથી. એ રિયાના લમણા પર ગોળી છોડી શકે, ઉપરના ભાગે નહીં. વળી ગોળી ઉપરથી નીચે તરફ ગઈ છે. ગૌતમે ગોળી છોડી હોત તો ગોળી લમણાને આરપાર વીંધી ગઈ હોત. ઉપરથી નીચે ન ગઈ હોત. એ બીજું કારણ. વળી ગુંજન તો રિયાથી નીચી છે. એણે ગોળી ચલાવવી હોય તો રિયાની છાતીમાં ચલાવવી પડે. 

લમણામાં ગોળી ચલાવવાનું એના માટે શક્ય નહોતું. એ ત્રીજું કારણ. અને રાજ, રિયાનું ખૂન થયું છે એ પ્રથમ દ્રષ્ટિએ જ દેખાય છે, પણ તમે આપઘાતની થિયરી ઉપજાવી કાઢી. જો રિયાએ આપઘાત કર્યો હોત તો પિસ્તોલ એના હાથમાં હોત. ગૌતમના હાથમાં નહીં. એ ચોથું કારણ... રાજ, આજે તમારે ખૂન કરવાનું હતું. એટલે નાટકની નકલી પિસ્તોલને બદલે તમે તમારી અસલી પિસ્તોલ લઈ આવ્યા. ભાવેશભાઈ, નકલી પિસ્તોલ એના સ્થાને જ પડેલી હશે. તપાસ કરાવી જોજો. અને રાજ, રિયા સાથે બદલો લેવા એનું ખૂન કરીને ગૌતમના હાથમાં તમારી અસલી પિસ્તોલ પકડાવી દીધી. બોલો, ખરૂ કે ખોટું ?'
રાજ નીચું જોઈ ગયો. જેના પર એ મુસ્તાક હતો, એ ઊંચાઈએ જ એને દગો દઈ દીધેલો!                 

આવતા અઠવાડિયે નવી કથા