Fri Apr 17 2026

Logo

ભાત ભાત કે લોગઃ પ્રોપેગેન્ડા તથા પોસ્ટ ટ્રુથ વર્લ્ડ સંભાવનાઓ ધ્રુજાવી મૂકે એવી છે...

2026-04-11 09:39:00
Author: Jwalant Nayak
Article Image

 

જ્વલંત નાયક

પ્રોપેગેન્ડા..... આ એક શબ્દ થોડા સમયથી ગાજી રહ્યો છે. આ લખાય છે ત્યારે ઈરાન-અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષમાં યુદ્ધવિરામ જાહેર થયો છે. ખૂબીની વાત એ છે કે ઈરાન અને અમેરિકા એમ બંને પક્ષો યુદ્ધમાં પોતાનો હાથ ઉપર રહ્યો હોવાના બણગા ફૂંકી રહ્યા છે. આને એક પ્રકારનો પ્રોપેગેન્ડા કહેવાય. આ તો કંઈ નથી. 

`ઓપરેશન સિંદૂર' યાદ કરો. એ વખતે ભારતને હાથે ધરાર પીટાઈ ગયા બાદ પણ પાકિસ્તાની શાસકોએ પોતાની પ્રજામાં એવો જ પ્રચાર કર્યો કે જાણે પાકિસ્તાન યુદ્ધ જીતી ગયું હોય. ભૂતપૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીએ તો પોતાના ચાહકો સાથે રેલી પણ કાઢી.

આપણને કદાચ આ બધું અત્યંત બાલિશ લાગે,પણ ઇતિહાસ સાક્ષી છે કે આવા ખોટા સમાચારો અને બાલિશ હરકતોને કારણે પ્રજાના બહુ મોટા વર્ગને દોરવી શકાય છે. જો પ્રજાના બહોળા વર્ગ પર શાસન કરવું હોય તો આ કળા હસ્તગત કર્યે જ છૂટકો. આ કળાને આપણે `પ્રોપેગેન્ડા'ના નામથી ઓળખીએ છીએ.   
          
`મરિયમ-વેબસ્ટર' ડિક્શનરી મુજબ પ્રોપેગેન્ડા એટલે એવો વિચાર, માહિતી કે અફવા  જે કોઈ વ્યક્તિ, સંસ્થા કે વિચારધારાની ભલાઈ અથવા બુરાઈ માટે ફેલાવવામાં આવતો હોય. સાદા શબ્દોમાં પ્રોપેગેન્ડા એટલે વિશિષ્ટ પ્રકારનો પ્રચાર. સારી અને ખરાબ બંને બાબતનો પ્રચાર પ્રોપેગેન્ડા ગણાય.    

તાજેતરમાં આવેલી `ધૂરંધર' ફિલ્મ પ્રોપેગેન્ડા ફિલ્મ છે કે કેમ, એની તબલાતોડ ચર્ચા કરનારાઓએ આ વ્યાખ્યા બરાબર સમજી લેવી જોઈએ.

આમ જુઓ તો આ શબ્દ કંઈ બહુ જૂનો નથી. સત્તરમી સદી દરમિયાન કેથોલિક ધર્મનો ફેલાવો બિન-કેથોલિક દેશોમાં કરવા માટે ખ્રિસ્તી ધર્મગુઓ દ્વારા `Congregatio de Propaganda Fide - કોંગ્રેગેશિયો ડી પ્રોપેગેન્ડા ફિડે' નામની ખાસ સમિતિઓ બનાવવામાં આવી. આ સમિતિઓ ધર્મના પ્રચારનું કામ કરતી. સમય જતા આ સમિતિ માત્ર `પ્રોપેગેન્ડા'ના ટૂંકાક્ષરી નામે ઓળખાવા માંડી. 

અઢારમી સદીના અંતિમ દશક દરમિયાન કોઈ પણ બાબતના પ્રચાર માટે આ શબ્દ વપરાતો થયો, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ વખતે દુશ્મનોને ઉતારી પાડવા માટે અનેક સાચી-ખોટી બાબતોનો પ્રચાર કરવાની પ્રથા પડી ગઈ. એ પછી પ્રોપેગેન્ડા શબ્દ નકારાત્મક અર્થમાં વધુ વપરાતો થયો. એક રસપ્રદ ઉદાહરણ જાણવા જેવું છે..... 

ચાર્લી ચેપ્લિનની ગ્રેટ સ્પીચ...
તમને `ધ ગ્રેટ ડિકટેટર' ફિલ્મ યાદ છે? આવતા અઠવાડિયે જેની જન્મતિથી આવે છે એવા મહાન અભિનેતા-દિગ્દર્શક ચાર્લી ચેપ્લિને આ ફિલ્મમાં જર્મનીના તત્કાલીન સરમુખત્યાર એડોલ્ફ હિટલરની આબાદ મિમિક્રી કરી કરેલી. 

હિટલરને એ ફિલ્મમાં ગમે તે ભોગે આખી દુનિયા પર કબજો જમાવવા માગતા સરમુખત્યાર તરીકે ચીતરવામાં આવેલો. આ ફિલ્મના બે દૃશ્યો આજે ય બૌદ્ધિક દર્શકોને યાદ હશે. એક દૃશ્ય એવું છે જેમાં સરમુખત્યાર બનેલો ચાર્લી ચેપ્લિન પૃથ્વીના ગોળાને હવામાં ઉછાળી ઉછાળીને આખી દુનિયા કબજે કરવાનું દિવાસ્વપ્ન જોતો હોય. અને બીજું દૃશ્ય તે ફિલ્મને અંતે આવતી ચાર્લીની અત્યંત ઈમોશનલ સ્પીચ. 

જેમાં એ કહે છે, `હું સમ્રાટ બનવા નથી માગતો... ગોરા-કાળા...યહૂદી કે બિનયહૂદી... દરેક માનવીને હું મદદ કરવા ઈચ્છું છું.' એમાં વળી આગળ એવું ય કહેવાય છે કે, `આપણને મશીનો કરતાં માનવતાની વધુ જરૂર છે. ચતુરાઈ કરતાં દયા અને કોમળતાની વધુ જરૂર છે. આ ગુણો વગર જીવન હિંસક બની જશે અને બધું ખોવાઈ જશે.' આ આખી સ્પીચ યુદ્ધ, નફરત, ફાસીવાદ અને લોભ વિદ્ધ માનવતા, શાંતિ અને એકતાનો સંદેશ આપે છે. અને એટલા માટે જ લોકો આજે પણ ચાર્લી ચેપ્લિન દ્વારા અપાયેલી એ સ્પીચના દીવાના છે.

હવે જરા હકીકત તપાસીએ. ચાર્લી પોતે બ્રિટનમાં જન્મ્યો અને પોતાનું મોટા ભાગનું જીવનકર્મ અમેરિકામાં કર્યું. આ બંને દેશો દુનિયાના ગરીબ દેશોને કઈ રીતે લૂંટતા આવ્યા છે, એ બાબતો કોઈથી અજાણી નથી. બ્રિટિશરોના સામ્રાજ્યવાદ સામે હિટલરની મહત્ત્વાકાંક્ષા તો પાણી ભરે! 

1940ના વર્ષમાં ધ ગ્રેટ ડિકટેટર ફિલ્મ આવી. ફિલ્મમાં હિટલરને સામ્રાજ્યવાદી ચીતરીને એની પેરોડી કરાઈ છે, પરંતુ એ વખતે ભારત અને બર્મા સહિત સંખ્યાબંધ દેશો અને કોલોનીઝ બ્રિટિશ શાસનના તાબા હેઠળ હતી. અને આ દેશોની પ્રજા સાથેનું બ્રિટિશરોનું વલણ કેવું હતું એ બધાને ખબર જ છે! બ્રિટિશરોની સ્વાર્થવૃત્તિને કારણે 1943ના વર્ષ દરમિયાન બંગાળે માનવસર્જિત દુષ્કાળ વેઠવો પડ્યો. 

આ દુષ્કાળમાં વીસથી ત્રીસ લાખ જેટલા ભારતીયો વિના વાંકે ભૂખમાં સબડીને મર્યા... આ ઘટના પરથી કોઈને ફિલ્મ ઉતારવાનો વિચાર નથી આવ્યો. આજે એ ઘટના કાલની ગર્તામાં દબાઈ ગઈ છે. જરા વિચાર કરો, ચાર્લી ચેપ્લિન જેવા મહાન કલાકાર પણ માત્ર એકપક્ષીય હકીકત જ રજૂ કરી શક્યા. હિટલરના સામ્રાજ્યવાદ સામે સૂર તો પ્રકટ કર્યો, પણ પોતાના જ સામ્રાજ્યવાદી દેશનું વલણ વિસરી ગયા. મોટા આશ્ચર્યની વાત તો એ છે કે મોટા મોટા બૌદ્ધિકોનું ધ્યાન પણ આ મુદ્દા તરફ બહુ નથી ગયું!

પ્રોપેગેન્ડા અને પોસ્ટ ટ્રુથ વર્લ્ડ
ટૂંકમાં, એક વાત સપષ્ટ છે કે સારી અને ખરાબ, કોઈ પણ બાબતને પ્રચાર વિના ચાલતું નથી. ઉલટાનું હવે તો ટેકનોલોજીને ખભે સવાર થઈને પ્રોપેગેન્ડા બહુ ઝડપથી અનેકગણી અસરકારક રીતે ફેલાવાનો છે. કેટલાક સમાજશાસ્ત્રીઓ હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે થઇ રહેલી ક્રાંતિ પછીના વિશ્વને `પોસ્ટ ટ્રુથ વર્લ્ડ' તરીકે ઓળખાવે છે. 

`પોસ્ટ ટ્રુથ' એ એવી સ્થિતિ છે જ્યાં સાચી હકીકતો કરતાં લાગણીઓ, વ્યક્તિગત માન્યતાઓ અને વાર્તાઓ (Emotions & Narratives) વધુ મહત્ત્વ પામે છે. આવા સમાજમાં સત્યનું અસ્તિત્વ તો હશે જ, પણ એનું બહુ મહત્ત્વ નહિ હોય. કારણકે લોકો પોતાને ગમે એવી બાબતને જ સત્ય તરીકે સ્વીકારી લેશે. શરૂઆતમાં શાહિદ આફ્રીદીની બાલિશ હરકત વિષે જે લખ્યું, એની પાછળનું કારણ હવે સમજાશે. યુદ્ધમાં જીતો એ મહત્ત્વનું નથી, પણ જીતની ખુશી જોરશોરમાં વ્યક્ત કરશો તો પ્રજા માની જ લેશે કે આપણે જીતી ગયા!

કલ્પનાઓનો ઘોડો બહુ દૂર સુધી જાય એમ છે, પણ મૂળ વાત એ છે કે હવે પછીનું રાજ પ્રોપેગેન્ડાનું છે. જો ખરાબ લોકોને દૂર રાખવા હોય તો સારા પ્રોપેગેન્ડાને અપનાવ્યા વિના છૂટકો નથી.