Fri Apr 17 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ લાટેફોસન પાસે રોકાઈ ગયો હતો સમય પણ...

2026-04-11 09:21:00
Author: Patiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

એક તરફ દુનિયાનો અંત લાવી શકે તેવા યુદ્ધની વાતો થતી હોય, બીજી તરફ ચંદ્ર તરફ ગયેલા યાન પરથી એ જ દુનિયાની અંતરિક્ષથી લેવાયેલી લેટેસ્ટ તસવીરો જોવા મળતી હોય, ઓફિસનું કામ અત્યંત બિનજરૂરી લાગતો, પણ ખરો સ્ટ્રેસ ઊભો કરતું હોય, વેધરનાં કોઈ ઠેકાણાં ન હોય, અને આવનારી ટ્રિપ પર ઘરથી વધુ હજારો કિલોમીટર દૂર આ માહોલમાં જવું કે નહીં તેવાં શંકાનાં વાદળો ઘેરાતાં હોય, ત્યારે એમ થાય કે નોર્વેના કોઈ ટાપુ પર જઈને વોટરફોલના અવાજો વચ્ચે મિત્રો સાથે ગપ્પાં મારતાં મારતાં નોસ્ટાલજિયા અને મનગમતાં ફિલ્મી ગીતો અને થોડું ભાવતું ડિનર મળી જાય તો લાગે કે જગત ખરેખર એક્સટ્રિમ વિરોધાભાસથી ભરેલું છે. 

ક્યાંક એટલી શાંતિ છે કે જો ન્યૂઝનો ટે્રક ન રાખો તો તમને દુનિયામાં કશું જ મુશ્કેલ છે એમ ન લાગે. બાકી ચીજો તો મોંઘી અને સસ્તી થયા કરે છે. હજી હમણાં જ તો એક પેન્ડેમિક અને થોડા સમય પહેલાં એક રિસેશન પણ આવીને ગયાં. વધુ એક આવશે તો જોઈ લઈશું. કહેવામાં સરળ લાગે છે. છેલ્લા બે-ત્રણ દશકમાં દુનિયામાં ફરવાનું જેટલું સરળ બની ગયું છે અને ક્યાંય પણ જવાનું, દુનિયાના કોઈ પણ ખૂણા વિષે જાણવાનું બધું ઉપલબ્ધ છે, પણ તેના પર હવે ફેક અને એઆઇ-જનરેટેડ આર્ટિકલો, ફોટો અને વીડિયોને તારવીને શું ખરેખર સાચું છે અને શું ઉપજાવી કાઢેલું તે આવડત પણ વિકસાવવી પડે તેમ છે. 

એ ફેક ઇન્ફોર્મેશન હવે ટ્રાવેલની દુનિયામાં પણ આવી ગઈ છે. ઘણાં ઇન્લુન્સર જે માહોલ, સ્થળ કે ઇવેન્ટને હાઇપ કરતાં દેખાય છે તેની હકીકત ઘણીવાર અલગ જ નીકળે છે. ઘણી માહિતી માત્ર `ક્લિકબેઇટ' માટે ઊભી કરી દેવાય છે. ક્યારેક તો એમ પણ થાય કે ખરેખર લોકોને મિસ-ઇન્ફોર્મેશન ફેલાવવામાં શું મજા આવતી હશે. નોર્વે વિષે પણ ઘણી એવી મિસ ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ પર હાથ લાગી હતી. હવે નોર્વેની એજ્યુકેશન સિસ્ટમ અને પેન્શન અને ટેક્સના ફાયદા અને ફેરીની ટિપ્સમાં ઘણું ધુપ્પલ રીલ્સ અને યુટ્યૂબ શોર્ટ્સ પર દેખાયા કરે છે. 

એવામાં ખરેખર સ્ટાવાન્ગરથી પુલપીટ રોક થઈને ફોસવાન્ગન તરફ જવાનું થયું એ ડ્રાઇવમાં જ નોર્વેના ઘણા ચહેરા જોવા મળી ગયા. એક પછી એક યોર્ડ, બ્રિજ, ટનલ, ઝૂંપડી, પાકાં મકાનો વચ્ચે માઇલો સુધી પહાડો અને પાણી સિવાય બીજું કશું જ ન દેખાય. પ્રિ-હિસ્ટાયિરક ખડક પરનાં ચિત્રોમાં નોર્વેને દર્શાવતાં જે ચિત્રો હતાં, સૂર્ય, ફૂલો, હોડી, પહાડો, વૃક્ષો, એ બધું જાણે હજારો વર્ષોથી એમનું એમ અહીં બેઠું હોય તેવું લાગતું હતું. 

નોર્વેમાં વધુ ઇનલેન્ડ જતાં સમય જરૂર રોકાઈ જતો હોય તેવું લાગતું હતું. વોસવાન્ગન નજીક અમારા એપાર્ટમેન્ટથી એક કલાકના અંતરે અચાનક જ ધોધનો અવાજ આવ્યો. અહીં વરસાદ દિવસ દરમ્યાન પડ્યા જ કરતો હતો. હજી જુલાઈની શરૂઆત હતી અને ઘણા પહાડોની ટોચ પર સ્નો દેખાઈ જતો હતો. ગ્લેશિયર પર તો સ્નો હતો જ. એટલે જળધોધ પાણીથી છલોછલ હોવાના જ. બ્રિજ પર ગાડી ચડી અને ડાબી તરફ એક વોટર ફોલ દેખાયો અને તરત જ એક નાનકડા ખડકથી ભાગ પડીને બીજો વોટરફોલ ગોઠવાયેલો હતો. 

આ લાટેફોસનને જોવા માટે અને તેની પાસે રહેવા માટે લોકો પ્લાન કરીને દૂર દૂરથી આવે છે. ત્યાં પહોંચીને ગાડી રોકતા પહેલાં અમને લાટેફોસન વિષે જરાય અણસાર ન હતો. તેનો સ્ટોન બ્રિજ છેક 1859માં બંધાયેલો. અને ફોલના બંને ધોધના સોર્સ પણ અલગ અલગ હતા. તે સમયે અમારી કારના મોડેલ્સ અને કપડાંની બનાવટ, બીજી કોઈ ટેકનોલોજી બાદ કરતાં ખરેખર 1859નું વર્ષ હોત તો પણ દૃશ્ય એવું જ રહ્યું હોત. કોને ખબર હતી કે નોર્વે રોડસાઇડ પર પણ આવું અભૂતપૂર્વ સૌંદર્ય છુપાવીને બેઠું છે. 

ઓડ્ડા રિજનમાં આવેલા આ ટ્વિન જળધોધ પાસે અમે રોડની બીજી સાઇડ ઊભાં હતાં. ધોધથી ઘણાં દૂર હોવાં છતાં અમારા પર ઝરમર વરસાદ પડતો હોય એટલું પાણી ઊડતું હતું. પાણીનો ફોર્સ ઘણો તીવ્ર હતો. રાતના દસ તો વાગી ચૂક્યા હતા. છતાંય ઘરે વાદળિયા વાતાવરણમાં સાંજના છ વાગ્યા હોય એટલું અજવાળું હતું. નોર્વેમાં હવે રાતનું અંધાં જોવાની ઇચ્છા માટે એક દિવસ અમે રાતના બે વાગ્યા સુધી જાગવાનું નક્કી કરેલું. જોકે એમ કરવા માટે પહેલાં અમારે એપાર્ટમેન્ટ પહોંચવું પડે.  

એક વાર આવા સ્થળ પર પહોંચ્યા પછી ત્યાં કેટલું રોકાવાનું એનો કોઈ નિયમ થોડો હોય છે. અમે તે દિવસનાં ફાઇનલ ડેસ્ટિનેશનથી એક કલાકની ડ્રાઇવ પર હતાં. પેટ ભરીને નોર્વેજિયન ભાણું જમી ચૂક્યાં હતાં. ત્યાં કલાકો સુધી બેસી રહેવા માટે પણ બધાં તૈયાર થઈ જાત. બસ વાંધો માત્ર એ હતો કે થોડી વારમાં બધાંનાં વિન્ડશીટર બહાર આવવા લાગ્યાં. ત્યાં પવન એટલો હતો કે છત્રી તો કામ લાગવાની જ ન હતી. અને વિન્ડશીટર વિના ત્યાં પંદર મિનિટમાં તો સાવ શાવર લીધો હોય એમ પલળી જવાય તેવું હતું. 

નોર્વેના સૌથી ખ્યાતનામ કહેવાતા ધોધ પરથી આટલું જલદી નીકળી જવાય? પાછળથી ખબર પડી હતી કે નોર્વેમાં દરેક જળધોધને ત્યાંનો બેસ્ટ કહેવાનું પણ કોમન હતું. ત્યાંનું દરેક યોર્ડ પણ એ જ ટ્રીટમેન્ટ પામતું હતું. તે સમયે તો આ ટ્રિપના પહેલા વોટરફોલ તરીકે અમે તેને નોર્વેનો બેસ્ટ માની જ ચૂકેલાં.

ત્યાં આસપાસમાં એક કાફે તો શું ચાની કીટલી પણ ન દેખાઈ. એક નાનકડી લાલ રંગની ઝૂંપડીમાં સુવિનિયર શોપ હતી તે પણ ત્યાં સુધીમાં બંધ થઈ ચૂકી હતી. આગળ એક હાઇક ટે્રલ હતી જે ધોધના ખડકોની ટોચ પરથી નીચેનો વ્યૂ આપતી હતી. અહીં એ જ કરવાનું હતું. જે યોર્ડ નીચેથી દેખાતો તેને ખડક ઉપર પહોંચીને જોવાનો. અને જે ખડકની તળેટી પરથી ટોચ દેખાતી, ત્યાં ટોચ પર જઈને તળેટી જોવાની. તેમાં કોઈ ને કોઈ શેપ શોધી લેવાના. તે સમયે અમે હાઇકનાં મૂડમાં તો ન હતાં. 

ઊલટાનું પલળ્યા પછી ભીના થઈને ગાડીમાં કલાક બેસવાનું અલગ પ્રકારની પનિશમેન્ટ જેવું બની રહેવાનું હતું. શરદી થઈ જાય તો આ વોટરફોલ્સ ખાસ યાદ રહી જાત. જોકે તે દિવસે ઓલરેડી બે વાર હાઇકમાં પલળીને સુકાવાની પ્રેક્ટિસ થઈ ચૂકી હતી. નોર્વેમાં કોઈ પણ મોસમમાં તે પ્રેક્ટિસ તો રાખવી જ રહી.