Wed Jun 17 2026

Logo

બ્રજમાં ક્યારથી શરૂ થશે રંગોત્સવ? જાણો મથુરા-વૃંદાવનમાં ક્યારે રમાશે લઠ્ઠમાર, ફૂલ અને લાડુની હોળી...

2026-02-20 15:47:01
Author: Darshna Visaria
Article Image

2026નું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ એક પછી એક તહેવારોની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં જ રંગોના તહેવાર હોળીની ઉજવણી કરવામાં આવશે. પરંતકુ શું તમને ખબર છે કે ભગવાન શ્રીકૃષ્ણની નગરી વ્રજમાં હોળી એ માત્ર તહેવાર નથી, પણ એક અનોખો રંગોત્સવ છે. આ વર્ષે વ્રજમાં 24મી ફેબ્રુઆરીથી 12મી માર્ચ સુધી હોળીની ઉજવણી કરવામાં આવશે. તમને જાણીને નવાઈ લાગશે કે વ્રજની હોળી તેના વૈવિધ્ય માટે જાણીતી છે, કારણ કે અહીં માત્ર રંગોથી જ નહીં, પણ ફૂલો, લાઠી અને લાડુઓથી પણ હોળી રમવામાં આવે છે.

વાત કરીએ 2026માં હોળી ક્યારે છે એની તો આ વર્ષે ચંદ્રગ્રહણને કારણે હોલિકા દહન અને રંગોની હોળીની તારીખોમાં થોડું કન્ફ્યુઝન છે. પરંતુ વ્રજમાં હોળીની ઉજવણીની વાત કરીએ તો આ વખતે હોલિકા દહન ત્રીજી માર્ચ 2026 થશે. તમારી જાણકારી માટે કે ભારતના અન્ય ભાગોમાં બીજી માર્ચના રોજ દહન થશે, પરંતુ વ્રજમાં ત્રીજી માર્ચના રોજ ઉજવાશે.

જ્યારે ધૂળેટી ચોથી માર્ચ 2026ના રોજ ઉજવવામાં આવશે. હવે આગળ વધીએ અને વાત કરીએ વ્રજની હોળી અને ત્યાંની અવનવી પરંપરાઓ વિશે. વ્રજમાં ફાગ ઉત્સવ લગભગ 40 દિવસ સુધી ચાલે છે, જેમાં અનેક પ્રકારની હોળી રમાય છે. જેના વિશે વિસ્તારથી જાણીએ-

લાડુ હોળીઃ

વ્રજમાં રમાતી વિવિધ હોળીઓ વિશે તો આ હોળીઓમાં લાડુ હોળી (બરસાના) સૌથી પહેલાં સ્થાને આવેશે. બરસાનામાં લઠ્ઠમાર હોળી પહેલા બરસાનામાં લાડુ હોળી રમાય છે, જેમાં પુજારીઓ ભક્તો પર લાડુનો વરસાદ કરે છે.

લઠ્ઠમાર હોળી: 

બરસાના અને નંદગાંવની લઠ્ઠમાર હોળી જગવિખ્યાત છે. અહીં મહિલાઓ લાઠીથી પુરુષોને મારે છે, જ્યારે પુરુષો (હુરિયારે) ઢાલથી બચાવ કરે છે અને ગુલાલ ઉડાડે છે.

ફૂલોની હોળી: 

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ફૂલોની હોળી રમવામાં આવે છે. આ હોળી દરમિયાન ભગવાન પર ફૂલોનો અભિષેક કરવામાં આવે છે.

દ્વારકાધીશ મંદિર (મથુરા): 

મથુરાના મુખ્ય દ્વારકાધીશ મંદિરમાં ભગવાનને ગુલાલ અને કેસૂડાના રંગ લગાવીને ઉત્સવની શરૂઆત કરવામાં આવે છે.

ટૂંકમાં હોળીના સમયગાળા દરમિયાન બાંકે બિહારી મંદિરનું પ્રાંગણ ભક્તિમય રંગો, ભજનો અને રસિયા ગાયનથી ગુંજી ઉઠે છે. જો તમે પણ આ વર્ષે બ્રજની હોળીનો લ્હાવો લેવા માંગતા હોવ, તો આ તારીખો મુજબ તમારો ટ્રાવેલ પ્લાન કરી શકો છો.