Sun May 17 2026

Logo

કોહલીએ સચિન-ડુ પ્લેસીના 35 વર્ષની ઉંમર પાર કર્યા પછીના મોટા વિક્રમને ભૂતકાળ બનાવી દીધો

2026-05-17 19:39:00
Author: Ajay Motiwala
Article Image

PTI


ધરમશાલાઃ વિરાટ કોહલી (Virat Kohli) અહીં રવિવારે આ વખતની આઇપીએલમાં 500 રનનો આંકડો પાર કરનાર ચોથો ખેલાડી બન્યો એ સાથે તેણે એક મોટી સિદ્ધિ પણ હાંસલ કરી હતી. 37 બૉલમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 58 રન બનાવીને કોહલીએ 37 વર્ષે આ વખતે ફરી એક વખત પોતાની ક્ષમતા બતાવી હતી.

આઇપીએલ-2026ની 61મી મૅચમાં પંજાબે બૅટિંગ આપ્યા બાદ બેંગ્લૂરુએ સાધારણ શરૂઆત કરી હતી, પણ કોહલીએ આ સીઝનમાં જબરદસ્ત ફૉર્મ જાળવી રાખ્યું છે. તેણે 16મો રન પૂરો કર્યો એ સાથે આ વખતની ટૂર્નામેન્ટમાં તેના પણ 500 રન પૂરા થયા હતા. જોકે એનાથી પણ વિશેષ બાબત એ છે કે તેણે એક રીતે સચિન તેન્ડુલકર અને ફાફ ડુ પ્લેસીને પાછળ રાખી દીધા હતા.

35 વર્ષ કે એનાથી વધુ ઉંમરના ખેલાડીઓમાં જેમણે આઇપીએલમાં સૌથી વધુ વખત 500 કે વધુ રન કર્યા હોય એવા ખેલાડીઓમાં હવે કોહલી મોખરે થઈ ગયો છે. સચિન (Sachin) અને ડુ પ્લેસી (Du Plessis)એ બે-બે વખત આઇપીએલની કારકિર્દીમાં સીઝનમાં 500 કે વધુ રન કર્યા હતા. 37 વર્ષીય કોહલીએ આ વખતે ત્રીજી વખત 500 રનનો આંકડો પાર કર્યો.  કોહલીએ 2024ની સીઝનમાં 741 રન અને 2025ની સીઝનમાં 657 રન બનાવ્યા હતા. આ વખતે તેણે 13 મૅચમાં 542 રન કર્યા છે.

PTI

ઇંગ્લૅન્ડના હેલ્ઝની બરાબરીમાં

કોહલીએ રવિવારની 58 રનની ઇનિંગ્સ સાથે બીજા એક વિક્રમની બરાબરી કરી હતી. ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વખત હાફ સેન્ચુરીની ભાગીદારી કરનારાઓમાં કોહલીએ ઇંગ્લૅન્ડના ઍલેક્સ હેલ્ઝની બરાબરી કરી છે. કોહલીએ રવિવારે દેવદત્ત પડિક્કલ સાથે 76 રનની ભાગીદારી કરી હતી. ટી-20 ક્રિકેટમાં હવે હેલ્ઝની જેમ કોહલીની પણ કુલ 210 ફિફ્ટી-પ્લસની ભાગીદારીઓ છે.

સૌથી વધુ નવ વખત 500-પ્લસ રન

વિરાટ કોહલીએ આઇપીએલના 19 વર્ષના ઇતિહાસમાં કુલ નવ વખત સીઝનમાં 500 કે વધુ રન બનાવ્યા છે અને આ વિક્રમ છે. આ ભારતીય ટૂર્નામેન્ટમાં હજારો ખેલાડીઓ રમી ચૂક્યા છે અને એમાંથી કોઈ પ્લેયર આઠ વખત સીઝનમાં 500-પ્લસ રન નથી બનાવી શક્યું ત્યારે કોહલીના નામે નવ 500-પ્લસ રન છે. ડેવિડ વૉર્નર અને કેએલ રાહુલ બીજા નંબરે છે. તેઓ સાત-સાત વખત સીઝનમાં 500 કે વધુ રન બનાવી ચૂક્યા છે. આ રેકૉર્ડ-બુકમાં શિખર ધવન (પાંચ વખત સીઝનમાં 500-પ્લસ રન) ત્રીજા સ્થાને છે.