મુંબઈઃ વિક્રમ ભટ્ટ બોલીવુડના એક જાણીતા દિગ્દર્શક છે. ભૂતકાળમાં સુષ્મિતા સેન સાથેનો તેમનો સંબંધ ઘણો ચર્ચામાં રહ્યો હતો. આ સંબંધ વિશે ચર્ચા કરતા વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે 'મેં આમિર ખાન અને રાની મુખર્જી સાથે એક ફિલ્મ કરી હતી અને મારી ગર્લફ્રેન્ડ મિસ યુનિવર્સ હતી, પરંતુ એ સમયે મારી પાસે પૈસા નહોતા. હું ફકીર જેવી જિંદગી જીવતો હતો.'
વિક્રમ ભટ્ટે આ વાત સુષ્મિતા સેન પર લાગેલા ગોલ્ડ ડીગર (પૈસા પાછળ ભાગનારી) આરોપોના જવાબમાં કહી હતી. આ તમામ આરોપોને ફગાવીને દિગ્દર્શક વિક્રમ ભટ્ટે સુષ્મિતાના જોરદાર વખાણ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતે મુશ્કેલીના સમયમાં સુષ્મિતાએ હંમેશાં તેમનો સાથ આપ્યો હતો અને એ દિવસોમાં તમામ ખર્ચ સુષ્મિતા જ ઉપાડતી હતી.
વાત જાણે એમ છે કે વર્ષ 1996માં જ્યારે બોલીવુડના દિગ્ગજ ડાયરેક્ટર મહેશ ભટ્ટ સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ 'દસ્તક'નું શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે વિક્રમ ભટ્ટ મહેશ ભટ્ટના આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યા હતા. એ સમયે વિક્રમ ભટ્ટ પોતાની પત્ની અદિતિ સાથે અલગ થઈ ચુક્યા હતા. તે સમયે વિક્રમ ભટ્ટ સુષ્મિતા સેનને ડેટ કરી રહ્યા હતા. જોકે,થોડા જ સમયમાં બંને અલગ થયા હતા. વિક્રમ ભટ્ટ આજે પણ સુષ્મિતા સાથે વિતાવેલી પળોને યાદ કરે છે અને મુશ્કેલીમાં હંમેશાં તે વહારે આવે છે.
એક ઇન્ટરવ્યૂમાં પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરી વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે, 'હું એક સ્ટ્રગલિંગ ડિરેક્ટર હતો. એ વખતે તો મારી પાસે ઝેર ખાવાના પૈસા પણ નહોતા. એક તરફ હું આમિર ખાનને ડાયરેક્ટ કરી રહ્યો હતો. બીજી તરફ મિસ યુનિવર્સને ડેટ કરી રહ્યો હતો, પણ અંદરથી સાવ હું કંગાળ હતો. મારી પાસે સીડી (CD) ખરીદવાના પૈસા પણ નહોતા. મેં એક ફકીરની જેમ જીવન વિતાવ્યું હતું.'
આ ઇન્ટરવ્યૂ દરમિયાન વિક્રમ ભટ્ટે પોતાના જીવનના દરેક સારા-નરસા અનુભવો પર ખુલ્લા મને ચર્ચા કરી હતી. બીજી તરફ તેમના જીવનના સંઘર્ષની ગાથા પણ કહી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે તેમને 70 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. તમને જણાવી દઈએ કે, સુપરહિટ દિગ્દર્શક હોવાની સાથે સાથે વિક્રમ ભટ્ટ એક ઉત્તમ સંગીતકાર પણ છે અને તેમની ફિલ્મોના ગીતો આજે પણ લોકોના દિલમાં વસેલા છે.