Tue May 12 2026

Logo
IPL 2026:

વૈભવ સૂર્યવંશી કે ઉર્વિલ પટેલ: ટીમ ઈન્ડિયામાં કોણ કરશે સૌથી પહેલા ડેબ્યૂ?

2026-05-11 21:22:44
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આ વખતની આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં એક કરતા અનેક નવોદિત ખેલાડીઓ અવનવી સિદ્ધિઓ નોંધાવી રહ્યા છે, જેમાં સૌથી પહેલું નામ વૈભવ સૂર્યવંશીનું લેવાય છે, ત્યાર પછી ગુજરાતના નવોદિત ઉર્વિલ પટેલે એક જ દિવસમાં ધમાકો કર્યો છે. ઉર્વિલ પટેલે ફક્ત 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારીને નિષ્ણાંત ક્રિકેટર્સને ચોંકાવી નાખ્યા છે, ત્યારે સૌને મોંઢે હવે એક જ સવાલ થઈ રહ્યો છે કે વૈભવ સૂર્યવંશી પહેલા ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરશે કે ઉર્વિલ પટેલ.

હવે સવાલ સૌને એ થાય છે કે આઈપીએલમાં સૌથી વધુ નામ તો પંદર વર્ષના વૈભવ સૂર્યવંશીનું લેવાય છે. વૈભવની બેટિંગથી ઘાતક બોલર પણ ચિંતામાં આવી જાય છે, જેમાં તેની સિક્સરના શોટથી સૌકોઈ પરિચિત છે, પરંતુ વૈભવની જગ્યાએ હવે ગઈકાલે રાતના ચેન્નઈના ચિદમ્બર સ્ટેડિયમમાં મૂળ ગુજરાતના ઉર્વિલ પટેલે પોતાના નામે નવો વિક્રમ નોંધાવ્યો છે. 

ડિવિલિયર્સનો રેકોર્ડ પણ તોડ્યો

પોતાની ઈનિંગની શરુઆતમાં આઠ બોલમાં છ સિક્સર ફટકારીને હાફ સેન્ચુરી ફટકારીને બોલરની ઊંઘ હરામ કરી નાખી હતી. એટલું જ નહીં, ઉર્વિલ પટેલે નવો જ વિક્રમ બનાવ્યો હતો. 10 બોલમાં 42 રન ફટકારીને ઉર્વિલે એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો, જે સૌથી મોટો વિક્રમ બનાવ્યો હતો, જ્યારે તેને 13 બોલમાં હાફ સેન્ચુરી સુધી પહોંચી ગયો ત્યારે આઈપીએલમાં સૌથી ઝડપી હાફ સેન્ચુરી ફટકારનારા યશસ્વી જયસ્વાલની પણ બરોબરી કરી હતી. યશસ્વીએ 2023માં જ 13 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. જેમ વૈભવ પહેલા બોલથી આક્રમક બેટિંગ કરે છે તેમ ઉર્વિલે પણ 23 બોલમાં 65 રન ફટકારીને સીએસકે માટે જીતના દરવાજા ખોલ્યા હતા.

ઉર્વિલનો સ્ટ્રાઈક રેટ વૈભવથી પાછળ

આઈપીએલમાં ઉર્વિલ પટેલને ચેન્નઈ સુપર કિંગ્સ માટે નિરંતર તકો મળી છે. બીજી બાજુ 2025ની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે ડેબ્યૂ કર્યા પછી વૈભવ સૂર્યવંશી ટીમનો હિસ્સો રહ્યો હતો. જોકે, બંનેની આક્રમક બેટિંગથી ટીમ ઈન્ડિયાના અનેક ક્રિકેટર પ્રભાવિત થયા છે. વૈભવે 18 મેચ રમીને બે સદી અને ત્રણ હાફ સેન્ચુરી સાથે 692 રન બનાવ્યા છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 224.67 રહ્યો છે. બીજી બાજુ ઉર્વિલ પણ સાત મેચ રમ્યો છે, પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ વૈભવથી પાછળ રહ્યો છે. ઉર્વિલનો આઈપીએલમાં સ્ટ્રાઈક રેટ 225.31નો છે, જ્યારે તેને એક હાફ સેન્ચુરી સાથે 178 રન બનાવ્યા છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં કોણ છે મજબૂત

ડોમેસ્ટિક ક્રિકેટમાં ઉર્વિલ પટેલને વૈભવ સૂર્યવંશી કરતા વધુ અનુભવ છે. ઉર્વિલ ઉંમરમાં પણ મોટો છે. ઉર્વિલ પટેલ 27 વર્ષનો છે, જ્યારે વૈભવની ઉંમર 15 વર્ષ છે. ઉર્વિલ ગુજરાત માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે, જ્યારે વૈભવ ડોમેસ્ટિક ક્રિકેટમાં બિહારનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યાર સુધીમાં ઉર્વિલે 16 ફર્સ્ટ ક્લાસ મેચમાં બે સેન્ચુરી અને ચાર અડધી સદી સાથે 837 રન બનાવ્યા છે, જ્યારે તેની 29 લિસ્ટ એ મેચમાં ત્રણ સદી સહિત એક હાફ સેન્ચુરી સાથે 942 રન છે. બીજી બાજુ વૈભવએ આઠ ફર્સ્ટ ક્લાસ મેચમાં એક હાફ સેન્ચુરી સાથે 207 રન બનાવ્યા છે, જ્યારે લિસ્ટ એ મેચમાં એક સદી સાથે એક ફિફ્ટી 353 રન બનાવ્યા છે. ટવેન્ટી-20 કિક્રેટમાં વૈભવે 29 મેચમાં 1,141 રન બનાવ્યા, જ્યારે ઉર્વિલની 61 મેચમાં 1,535 રન છે. ઉર્વિલે ત્રણ, જ્યારે વૈભવે ચાર સેન્ચુરી બનાવી છે.

ટીમ ઈન્ડિયામાં કોને પહેલી મળી શકે તક

હવે સવાલ એ થાય કે બંને ધુરંધર ક્રિકેટરમાંથી ટીમ ઈન્ડિયામાં પહેલી કોને તક મળી શકે. વૈભવ સૂર્યવંશીએ અંડર 19 વર્લ્ડ કપ, અંડર 19 એશિયા કપ ઝળકીને ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરવા માટે થનગની રહ્યો છે, જ્યારે અનેક ખેલાડીઓએ પણ નિવેદન આપ્યું છે કે વૈભવ ટીમ ઈન્ડિયામાં વહેલી એન્ટ્રી કરવા માટે દાવેદાર છે. બીજી બાજુ ઉર્વિલ પટેલ પણ શાનદાર બેટરની સાથે વિકેટકિપર તરીકે ભૂમિકા ભજવી શકે છે. જો ઉર્વિલ પટેલ વર્તમાન આઈપીએલ સિઝનમાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરે તો ઉર્વિલને પણ તક મળી શકે છે.