ઑરેન્જ કૅપ કોની? રાજસ્થાનના સૂર્યવંશીની જ કે પછી યશસ્વી-જુરેલની? હૈદરાબાદનો ક્લાસેન પણ રેસમાં
હૈદરાબાદઃ રાજસ્થાન રૉયલ્સ (RR) પૉઇન્ટ્સ-ટેબલમાં આઠ પૉઇન્ટ સાથે મોખરે છે અને આજે (સાંજે 7.30 વાગ્યાથી) એનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે જે મુકાબલો થશે એ જીતીને રિયાન પરાગની રાજસ્થાનની ટીમ મોખરે સ્થાન વધુ મજબૂત કરી શકશે અને એ માટે તેને ફરી એક વખત 15 વર્ષના ટીનેજ સ્ટાર વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર ઓપનિંગની જરૂર પડશે.
વૈભવે (VAIBHAV) પહેલી ચાર મૅચમાંથી ચેન્નઈ સામે બાવન રન, ગુજરાત સામે 31 રન, મુંબઈ સામે 39 રન અને બેંગ્લૂરુ સામે 78 રન કર્યા ત્યાર બાદ હવે હૈદરાબાદને પોતાની ક્ષમતા બતાવવાનો દિવસ આવી ગયો છે. જોકે યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલ અને બીજા મિડલ ઑર્ડરના બૅટ્સમેનો તેમ જ બોલર્સ પણ રાજસ્થાનને અપરાજિત રાખવા માટે સક્ષમ છે.
બીજી તરફ, હૈદરાબાદનો અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ તથા હિન્રિક ક્લાસેન અન્ય બૅટ્સમેનો ઘરઆંગણે રાજસ્થાનને આ વખતની ટૂર્નામેન્ટની પ્રથમ હાર દેખાડવા કોઈ કસર બાકી નહીં રાખે. ક્લાસેનની વાત નીકળી જ છે તો જણાવવાનું કે વર્તમાન આઇપીએલમાં (બૅટિંગમાં) અત્યાર સુધીમાં જે બૅટ્સમેન ટોચના છ સ્થાને છે એમાં ત્રણ રાજસ્થાનના અને એક હૈદરાબાદનો છે. ટીનેજર વૈભવ સૂર્યવંશી કુલ 200 રન સાથે મોખરે છે. ત્યાર પછીના પાંચ બૅટ્સમેનોની વિગત આ મુજબ છેઃ રજત પાટીદાર (બેંગ્લૂરુ) 195 રન, હિન્રિક ક્લાસેન (હૈદરાબાદ) 184 રન, યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન) 183 રન, વિરાટ કોહલી (બેંગ્લૂરુ) 179 રન અને ધ્રુવ જુરેલ (રાજસ્થાન) 176 રન.
પિચ કેવી છે?
હૈદરાબાદમાં રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમનું મેદાન બોલર્સની બોલિંગને ચીંથરેહાલ કરવા માટે જાણીતું છે. આ ગ્રાઉન્ડની ત્રીજા નંબરની પિચ પર આજની મૅચ રમાશે અને આ પિચ ફ્લૅટ છે. આ સપાટ પિચ પર સ્પિનર્સની બોલિંગમાં 10.91ના રેટથી રન બન્યા છે. પેસ બોલર્સનો પર્ફોર્મન્સ થોડો ચડિયાતો રહ્યો છે. તેમની બોલિંગમાં 9.41ના રેટથી રન થયા છે. એ જોતાં, બન્ને ટીમ બને એટલા વધુ પેસ બોલર્સનો ઉપયોગ કરશે. હૈદરાબાદમાં ગરમી ખૂબ છે અને ભેજનું પ્રમાણ પણ ઘણું જોવા મળશે.
સંભવિત ટીમો
રાજસ્થાનઃ રિયાન પરાગ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરૉન હેટમાયર, ડૉનોવાન ફરેરા, રવીન્દ્ર જાડેજા, નેન્ડ્રે બર્ગર, જોફ્રા આર્ચર, સંદીપ શર્મા, રવિ બિશ્નોઈ અને (12મો પ્લેયર) બ્રિજેશ શર્મા.
હૈદરાબાદઃ ઇશાન કિશન (કૅપ્ટન, વિકેટકીપર), અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ, હિન્રિક ક્લાસેન, સલીલ અરોરા, અનિકેત વર્મા/લિઆમ લિવિંગસ્ટન, નીતીશ કુમાર રેડ્ડી, હર્ષ દુબે, શિવાંગ કુમાર, હર્ષલ પટેલ, ઇશાન મલિન્ગા અને (12મો પ્લેયર) પ્રફુલ હિન્ગે.