સપ્તાહના અંતે વૈશ્વિક સોનું એક મહિનાની ટોચે, ચાંદીમાં માસિક ધોરણે 10 ટકાની તેજી
ઈરાન સાથેની ન્યૂક્લિયર ડીલ બાબતે ગત ગુરુવારે જીનિવા ખાતે અમેરિકા તથા ઈરાનના પ્રતિનિધિઓની બેઠકમાં કોઈ ફળશ્રુતિ ન આવતાં યુદ્ધની ચિંતા સપાટી પર આવવાની સાથે ટ્રમ્પની ટૅરિફની અનિશ્ચિતતાના વાતાવરણમાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સપ્તાહના અંતે શુક્રવારે સોના-ચાંદીમાં સલામતી માટેની માગને ટેકે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને એક મહિનાની ઊંચી આૈંસદીઠ 5277.29 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધીને આૈંસદીઠ 92.60 ડૉલર આસપાસના મથાળે પહોંચ્યા હતા.
જોકે ગત શુક્રવારે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કર્યાના અહેવાલોને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહના આરંભમાં સોના-ચાંદી જેવી કિંમતી ધાતુઓ અને ક્રૂડતેલના ભાવમાં ઉછાળા જોવા મળે તેવી શક્યતા બજાર વર્તુળોએ ઉમેર્યું હતું કે હાલના તબક્કે વૈશ્વિક સ્તરે ખાસ કરીને અમેરિકા-ઈરાન, રશિયા-યુક્રેન અને અફ્ઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે ભારે ભૂરાજકીય તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. વધુમાં અમેરિકીય ટૅરિફને ધ્યાનમાં લેતા વૈશ્વિક અર્થતંત્રોમાં પણ અનિશ્ચિતતાનું વલણ હોવાથી આગામી દિવસોમાં સોના-ચાંદી જેવી વ્યાજની ઊપજ ન આપતી કિંમતી અસ્ક્યામતોમાં સલામતી માટેની પ્રબળ માગનો ટેકો મળતો રહેશે.
દરમિયાન સ્થાનિક ઝવેરી બજારમાં પણ વિતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલો સાથે સોના અને ચાંદીમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે અથવા તો ગત 23મી ફેબ્રુઆરીના રોજ 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના અથવા તો ગત 20મી ફેબ્રુઆરીના રૂ. 1,55,066ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,58,428ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 1,58,022 અને ઉપરમાં રૂ. 1,59,823ની રેન્જમાં રહ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે 2.60 ટકા અથવા તો રૂ. 4031 વધીને રૂ. 1,59,097ના મથાળે બંધ રહ્યા હતા.
જોકે, બેતરફી વધઘટના માહોલમાં સોનામાં મુખ્યત્વે રોકાણકારોની રોકાણલક્ષી છૂટીછવાઈ માગ રહી હતી, પરંતુ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. તે જ પ્રમાણે હાજરમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંતના રૂ. 2,50,314ના બંધ સામે ઉછાળા સાથે રૂ. 2,65,550ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. 2,60,667 અને ઉપરમાં રૂ. 2,69,376ની રેન્જમાં રહીને અંતે સાપ્તાહિક ધોરણે 6.54 ટકા અથવા તો કિલોદીઠ રૂ. 16,386 વધીને રૂ. 2,66,700ની સપાટીએ બંધ રહ્યા હતા. તેમ જ ચાંદીમાં પણ ઔદ્યોગિક વપરાશકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય લેવાલીને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર હાલ વૈશ્વિક સ્તરે ખાસ કરીને ટૅરિફને કારણે આર્થિક અનિશ્ચિતતા અને ભૂરાજકીય તણાવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો છે, જ્યારે ચાંદીમાં સલામતી માટેની માગ ઉપરાંત સોલાર પેનલમાં, બેટરીઝમાં, ઈલેક્ટ્રોનિક્સમાં, લાઈટીંગ્સમાં, પેઈન્ટ્સમાં અને ઑટોમેટિવ જેવા ઉદ્યોગોમાં વપરાશ વધી રહ્યો હોવાથી ઔદ્યોગિક માગનો પણ ટેકો મળી રહ્યો છે. તે જ પ્રમાણે સોનામાં આર્થિક અને ભૂરાજકીય અનિશ્ચિતતાને કારણે સલામતી માટેની માગ ઉપરાંત ડીડૉલરાઈઝેશન અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીનો પ્રબળ ટેકો મળી રહ્યો છે.
એકંદરે ગત સપ્તાહે અમેરિકી ટૅરિફ અંગેની નીતિની અનિશ્ચિતતા, અમેરિકા અને તહેરાન વચ્ચેની વાટાઘાટોમાં ઉકેલ ન આવતા આગામી સપ્તાહે બેઠક થશે કે તે પૂર્વે અમેરિકાની દસ દિવસની મહેતલ પૂરી થતાં ઈરાન પર હુમલો કરવામાં આવશે તેવી ભીતિ સપાટી પર આવતા સાપ્તાહિક ધોરણે વૈશ્વિક સોનામાં અંદાજે બે ટકાની તેજી આવી હતી, જ્યારે ચાંદીમાં નવ ટકાનો ઉછાળો આવ્યો હતો. જોકે, એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્લેષકોના મતાનુસાર આગામી સપ્તાહ દરમિયાન કૉમૅક્સ વિભાગ પર સોનામાં આૈંસદીઠ 5080 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને 5650 ડૉલરની સપાટી પ્રતિકારક સપાટી પુરવાર થશે અને આ સપાટી તૂટતા ભાવ વધીને 5800 ડૉલર સુધી વધી શકે છે.
તેમ જ ચાંદીના ભાવ સપ્તાહ દરમિયાન આૈંસદીઠ 84થી 105 ડૉલર આસપાસની રેન્જમાં રહી શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1,50,000થી 1,65,000ની રેન્જમાં અને ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. 2,60,000થી 2,90,000ની રેન્જમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. વધુમાં હૉંગકૉંગના સેન્સસ ઍન્ડ સ્ટેટેસ્ટિક્સ વિભાગની આંકડાકીય માહિતી અનુસાર ગત જાન્યુઆરી મહિનામાં ચીનની વાયા હૉંગકૉંગ સોનાની આયાતમાં 68.7 ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું.
ગત સપ્તાહના અંતે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્તપણે ઈરાન પર હુમલા કરતાં તણાવમાં થયેલા વધારાને કારણે અનિશ્ચિતતામાં વધારો થયો હોવાથી આગામી સપ્તાહના આરંભમાં સોના અને ચાંદીના ભાવ મોટા તફાવત સાથે ખૂલે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
સેબી સાથે રજિસ્ટર્ડ થયેલા વિશ્લેષક અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે હાલમાં કોમેક્સ ખાતે ભાવ આૈંસદીઠ 5300 ડૉલરની પ્રતિકારક સપાટીનો સામનો કરી રહ્યા છે અને આ સપાટી તૂટતા ભાવ આગળ ધપી શકે છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ વધીને રૂ. 1,68,000થી 1,70,000 આસપાસ પહોંચી શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગત સપ્તાહે કોમેક્સ વિભાગ પર ચાંદીના ભાવ આૈંસદીઠ 95 ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવી જશે તો ભાવ વધીને આૈંસદીઠ 100 ડૉલર સુધી પહોંચી શકે છે, જ્યારે સ્થાનિકમાં ચાંદીના વાયદામાં ભાવ કિલોદીઠ રૂ. ત્રણ લાખ સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.