Wed Jun 17 2026

Logo

હોર્મુઝમાં તેલને રોકવાનો પ્રયાસ કર્યો તો 20 ગણી તાકાતથી હુમલા કરીશું: અમેરિકાની ઇરાનને નવી ધમકી...

washington dc   2026-03-10 22:43:02
Author: Tejas rajpara
Article Image

AI Generated Images


વોશિંગ્ટન ડીસી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો લશ્કરી સંઘર્ષ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાન પર અત્યાર સુધીના સૌથી મોટો અને વ્યાપક હુમલા કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે મંગળવારે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકી સેના પોતાના આધુનિક લડાયક વિમાનો અને સચોટ મિસાઈલ હુમલાઓ દ્વારા ઈરાનની સૈન્ય શક્તિને નેસ્તનાબૂદ કરવા માટે સજ્જ છે. અમેરિકી ગુપ્તચર તંત્રની સચોટતાને કારણે આ હુમલાઓ અગાઉ કરતા વધુ અસરકારક સાબિત થઈ રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

અમેરિકી રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જે સાબિત કરે છે કે અમેરિકી પ્રહારોને કારણે ઈરાનની સૈન્ય તાકાત નબળી પડી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને દોહરાવતા હેગસેથે કહ્યું કે અમેરિકા આ યુદ્ધમાં નિર્ણાયક જીતની ખૂબ નજીક છે. જોકે, તેમણે ઈરાન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ઈરાની સેના હવે પોતાની હાર ભાળી ગઈ હોવાથી શાળાઓ અને હોસ્પિટલો જેવા નાગરિક વિસ્તારોનો ઉપયોગ ઢાલ તરીકે કરી રહી છે.

અમેરિકાએ આ યુદ્ધ માટે પોતાના વ્યૂહાત્મક લક્ષ્યો સ્પષ્ટ કરી દીધા છે. જેમાં ઈરાનની નૌસેનાને ખતમ કરવી, તેના પરમાણુ મથકોનો નાશ કરવો અને મિસાઈલના ભંડારોને તોડી પાડવાનો સમાવેશ થાય છે. અમેરિકાનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર હાંસલ ન કરી શકે. બીજી તરફ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કડક વલણ અપનાવતા કહ્યું છે કે અમે ઈરાનની સૈન્ય તાકાતને તોડી રહ્યા છીએ અને આ લડાઈ ઈરાની પ્રજાને વર્તમાન શાસનમાંથી મુક્ત કરાવવા માટે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ચેતવણી આપી છે કે જો ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા થતા તેલ પુરવઠાને રોકવાની કોશિશ કરી, તો અમેરિકા 20 ગણી વધુ તાકાત સાથે વળતો પ્રહાર કરશે. ટ્રમ્પના આ નિવેદનોથી આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે. આ ધમકીના જવાબમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને પલટવાર કરતા જણાવ્યું કે ઈરાન 6000 વર્ષ જૂની સભ્યતા છે. ઈતિહાસમાં અનેક આક્રમણકારો આવ્યા અને ગયા, પણ ઈરાન હંમેશા અડીખમ રહ્યું છે અને કોઈ તેને મિટાવી શકશે નહીં.