નવી દિલ્હીઃ સ્થાનિક માગ સંતોષવા માટે ગત નાણાકીય વર્ષ 2026માં દેશમાં યુરિયાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે 83 ટકા વધીને 103.50 લાખ ટનના સ્તરે રહી હોવાનું તાજેતરમાં રાજયસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન અનુપ્રિયા પટેલે જણાવવાની સાથે છેલ્લાં પાંચ વર્ષના ખાતરના ઉત્પાદન અને આયાતની આંકડાકીય માહિતી આપી હતી.
મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં યુરિયાની આયાત આગલા નાણાકીય વર્ષના 56.47 લાખ ટન સામે વધીને 103.50 લાખ ટનની થઈ હતી. આ પૂર્વે નાણાકીય વર્ષ 2020-21માં આયાત 91.36 લાખ ટન, વર્ષ 2022-23માં 75.80 લાખ ટન અને વર્ષ 2023-24માં 70.42 લાખ ટન યુરિયાની આયાત થઈ હતી.
વધુમાં ગત નાણાકીય વર્ષ 2025-26માં ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ની આયાત આગલા નાણાકીય વર્ષ 2024-25ના 45.69 લાખ ટન સામે વધીને 61.94 લાખ ટનની સપાટીએ રહી હતી. તેમ જ નાણાકીય વર્ષ 2020-21માં ડાય એમોનિયમ ફોસ્ફેટની આયાત 54.62 લાખ ટન, વર્ષ 2021-22માં 65.83 લાખ ટન અને વર્ષ 2022-23માં 55.67 લાખ ટનની આયાત થઈ હતી.
આ ઉપરાંત ઉત્પાદનની આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ 2025-26માં ઉત્પાદન આગલા વર્ષનાં 306.67 લાખ ટન સામે ઘટીને 293.26 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. જોકે, ડીએપીનું ઉત્પાદન આગલા નાણાકીય વર્ષના 37.72 લાખ ટન સામે વધીને 39.14 લાખ ટનના સ્તરે રહ્યું હતું. તેમ જ ગત નાણાકીય વર્ષ 2025-26માં દેશમાં ખાતરનું કુલ ઉત્પાદન 517.49 લાખ ટનના સ્તરે રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.