Wed Aug 12 2026

Logo

UPI પેમેન્ટમાંથી 'મફત'ની સુવિધા થશે 'ખતમ'? લોકસભામાં બિલ પાસ થતા વધી ચિંતા!

2026-08-06 18:36:00
Author: Mumbai Samachar Team
Article Image

શું હવે દરેક ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે વધારાનો ચાર્જ? જાણો વિગતે.

નવી દિલ્હીઃ સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં અનેક એવા જરૂરી બિલની ચર્ચા થઈ રહી છે. લોકસભામાં પાસ થયેલા નવા બિલ UPI (યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ)થી પેમેન્ટ ચાર્જનો રસ્તો મોકળો થઈ ગયો છે. હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે કે, ક્યા ડિજિટલ માધ્યમ પર ફી અથવા તો સરચાર્જ લાગશે. એટલે હવે સરકારે એક વખત જનતાને આદત લગાવ્યા પછી હવે ગમે તેમ કરીને ચાર્જ લેશે, પરંતુ આ નવા બિલને પાસ કરવાથી ફ્રી પેમેન્ટનો દૌર હવે બદલાઈ જશે. 

દેશમાં મોટા ભાગની જગ્યાઓ પર ચૂકવણી માટે UPIનો ઉપયોગ થવા લાગ્યો છે. ડિજિટલ પેમેન્ટની સરળતા અને સવગડે સામાન્ય માણસના જીવનમાં ચૂકવણી બાબતે મોટું પરિવર્તન લાવી દીધું છે. હવે આ મફતની સુવિધા અને વ્યવસ્થામાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. લોકસભામાં પાસ થયેલા એક પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ સંશોધન બિલને વધુ મત સાથે પાસ કરવામાં આવ્યું છે. 

વધારાના પૈસા ચૂકવવા પડશે?

આ મહત્ત્વનું બિલ પાસ થવાનો એક અર્થ એવો છે કે હવે આવનારા સમયમાં UPIથી થતા પેમેન્ટ પર ટ્રાન્ઝેક્શન ચાર્જ, સરચાર્જ અથવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થવાનો કાયદાકીય રસ્તો ખૂલી ગયો છે. આનો અર્થ એ થયો કે, હવે કોઈ પણ ચૂકવણી પર પૈસા કે બિલની રકમ ચૂકવ્યા બાદ વધારાની રકમ ચૂકવવી પડશે. 

નવા કાયદાએ આ તસવીર સંપૂર્ણ રીતે બદલી

અત્યાર સુધીમાં દેશના ડિજિટલ પેમેન્ટના કાયદા અનુસાર UPI અથવા સરકાર દ્વારા નક્કી કરેલા કેટલાક ડિજિટલ પેમેન્ટ ચૂકવણીના માધ્યમ ગ્રાહકો પાસેથી વધારાના પૈસા વસૂલ કરતી ન હતી. માત્ર જે બિલ છે એ જ ભરવાનું થતું. આ સર્વિસ ગ્રાહક માટે સંપૂર્ણ રીતે મફત હતી. નવા કાયદાએ આ તસવીર સંપૂર્ણ રીતે બદલી નાખી છે. 
હવે નવા બિલ અંતર્ગત હવેથી કેન્દ્ર સરકારને એ વિશેષાધિકાર મળ્યો છે કે, તે ખુદ નક્કી કરશે કે, ક્યા ક્યા ઈલેક્ટ્રોનિક પેમેન્ટ મોડ પર ચાર્જ લેવો છે. આ માટે સરકાર એક સત્તાવાર યાદી જાહેર કરીને UPI સહિત અન્ય માધ્યમથી ફી લાગુ કરવા માટે મંજૂરી આપી શકે છે. સંસદમાં નાણામંત્રી નિર્મતા સીતારમણે આ મહત્ત્વનું બિલ રજૂ કર્યું હતું. 

દરેકને થતો સામાન્ય સવાલ

આ ફેરફાર કરવા પાછળ સરકારનો હેતું સ્પષ્ટ છે કે,દેશમાં ડિજિટલ પેમેન્ટ ઈકોસિસ્ટમ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. આને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે રાખવા અને વઘુ મજબૂત કરવા માટે આ પગલું જરૂરી હતું. 

બેંક, પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની સાથે-સાથે પેમેન્ટ ફોર્મેટ તૈયાર કરનારી સંસ્થા પોતાનું કામકાજ વ્યવસ્થિત રીતે એ માટે એક ટકાઉ રેવન્યૂ મોડલની તાતી જરૂર હતી. સંપૂર્ણ રીતે મફત સેવા આપવા પર આ કંપનીઓ પર આર્થિક ભારણ વધતું હતું, આ આર્થિક ભારણ ઓછું કરવા નવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. હવે આટલું જાણ્યા બાદ દરેક સામાન્ય વ્યક્તિને એ સવાલ થવો સ્વાભાવિક છે કે, દરેક પેમેન્ટ ચૂક્તે કરવા પર ચાર્જ ભરવો પડશે? 

એની અસર મુખ્ય રીતે વ્યાપારીઓને થશે

હાલમાં તો આ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હજુ સુધી એ નક્કી થયું નથી કે, UPI પર ક્યારે, ક્યા ટ્રાંઝેક્શન પર કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, જો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થશે તો એની અસર મુખ્ય રીતે વ્યાપારીઓને થશે. આ સિવાય મોટી રકમની લેવડદેવડ ઉપર પણ થશે. બે વ્યક્તિઓ વચ્ચે થનારા ચોક્કસ પૈસા અને મહિનામાં થનારા એકાદ આવા ટ્રાન્ઝેક્શન પર સરકાર ફ્રીનો વિચાર કરી શકે છે. જોકે, સરકારની હિલચાલને કારણે સૌથી મોટો ફટકો નાના-મોટા વેપારીઓને પડી શકે છે, જ્યારે લાંબાગાળે વપરાશ વધતા સરકાર જનતા પાસેથી પણ વધુ ચાર્જ વસૂલે તો નવાઈ નહીં, એમ વર્તુળોએ જણાવ્યું હતું.