Tue Jul 28 2026

Logo

એક બ્લૂટૂથ સ્પીકરે વિમાનના પ્રવાસીઓના શ્વાસ અધ્ધર કર્યા! ચાર કલાક હવામાં ઉડ્યા પછી ફ્લાઇટને લેવો પડ્યો યુ-ટર્ન

2026-06-02 17:49:32
Author: Darshana Visaria
Article Image

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા હશો કે ભાઈસાબ આખરે એક બ્લ્યુટૂથને કારણે કઈ રીતે પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ જાય અને ફ્લાઈટે યુ-ટર્ન લેવો પડે? આજના ડિજિટલ યુગમાં ગેજેટ્સના અનોખા નામ રાખવાનો ક્રેઝ ક્યારેક મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે, જેનો જીવંત પુરાવો તાજેતરમાં યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટમાં જોવા મળ્યો હતો. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ... 

એરલાઈન્સના દ્વારા આપવામાં આવેલા ઓફિશિયસ સ્ટેટમેન્ટ અનુસાર ગંભીર સુરક્ષા ચિંતાને ધ્યાનમાં રાખીને વિમાનને તાત્કાલિક નેવાર્ક એરપોર્ટ પર પાછું લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એરલાઇન્સ દ્વારા સુરક્ષાના કારણોસર વધુ વિગતો જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મુસાફરોએ શેર કરેલી આપવીતી પરથી જાણવા મળ્યું છે કે આ બધી આફત કોઈની ગંભીર બેદરકારી અથવા શરારતના કારણે આવી હતી. 

પ્રવાસીઓના જણાવ્યા અનુસાર, હવાઈ સફર શરૂ થતાની સાથે જ કેબિન ક્રૂ દ્વારા તમામ પ્રવાસીઓને પોતાના બ્લૂટૂથ ડિવાઇસ બંધ રાખવાની અથવા એરપ્લેન મોડ પર રાખવાની કડક સલાહ આપવામાં આવી હતી, પરંતુ એક મુસાફરના ઓન રહી ગયેલા બ્લૂટૂથ કનેક્શને વિમાનની સુરક્ષાને જોખમમાં મૂકી દીધી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઇટમાં સવાર એક મુસાફરે પોતાના બ્લૂટૂથ સ્પીકરનું નામ 'BOMB' સેટ કરીને રાખ્યું હતું. સ્પીકરનું કનેક્શન ઓપન હોવાના કારણે જ્યારે વિમાન હવામાં હતું ત્યારે નજીકમાં બેઠેલા અન્ય એક પેસેન્જરની સ્ક્રીન પર એક્ટિવ બ્લૂટૂથ સર્ચમાં આ નામ ડિસ્પ્લે થયું હતું. સ્ક્રીન પર બોમ્બ શબ્દ લખાએલો જોતા જ મુસાફરોમાં ભારે ફફડાટ અને અફરાતફરી મચી ગઈ હતી. 

ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સને આ અંગે જાણ કરાતા તુરંત જ સિક્યોરિટી પ્રોટોકોલ એક્ટિવ કરવામાં આવ્યો હતો અને પાયલોટે વિમાનને પાછું વાળવાનો નિર્ણય લીધો હતો. વિમાન રનવે પર સુરક્ષિત લેન્ડ થયા બાદ તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ દ્વારા આખા વિમાનની તેમજ કાર્ગો એરિયાની પણ સઘન તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન સામે આવ્યું કે વિમાનમાં સવાર એક ટીનએજર પ્રવાસી પાસે આ બ્લૂટૂથ સ્પીકર હતું. અન્ય સહ-મુસાફરોના વારંવાર કહેવા છતાં તેણે શરૂઆતમાં તે ડિવાઇસ બંધ કર્યું નહોતું અને ન તો તેનું નામ બદલ્યું હતું. એરપોર્ટ પર તપાસ અર્થે આવેલા સુરક્ષા અધિકારીઓએ જ્યારે તે કિશોરની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે જણાવ્યું હતું કે વર્ષો પહેલા તેણે રમત-રમતમાં આ સ્પીકરનું નામ બોમ્બ રાખ્યું હતું અને સમય જતાં તે આ નામ બદલવાનું સાવ ભૂલી ગયો હતો અને આ બખેડો ઉભો થયો હતો...