અબૂ ધાબીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાન સામે ફરીથી યુદ્ધ શરૂ કરતા રોકવા માટે હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) પણ સાઉદી અરેબિયા અને કતરના ખુલ્લેઆમ સપોર્ટમાં આવ્યું છે. અખાતી દેશોના નેતાઓએ ટ્રમ્પને ચેતવણી આપી છે કે ઈરાન પર ફરીથી સૈન્ય કાર્યવાહી કરવાથી આખો અખાતી વિસ્તાર અસ્થિર થઈ શકે છે અને તેલ-ગેસ આધારિત અર્થતંત્રોને મોટું નુકસાન પહોંચી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર UAE, સાઉદી અરેબિયા અને કતારે ટ્રમ્પ સાથે અલગ-અલગ વાતચીત કરીને કહ્યું છે કે માત્ર સૈન્ય કાર્યવાહી કરવાથી અમેરિકા પોતાના લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ નહીં કરી શકે અને રાજદ્વારી પ્રયાસો (કૂટનીતિ)ને વધુ એક તક આપવી જોઈએ.
UAEનું આ વલણ એટલા માટે પણ મહત્વનું માનવામાં આવે છે કારણ કે તે પહેલા ઈરાન સામે કડક વલણ અપનાવતું આવ્યું છે. અગાઉના સંઘર્ષ દરમિયાન ફેબ્રુઆરીના અંતથી લઈને એપ્રિલની શરૂઆત સુધી ઈરાન અને તેના સમર્થિત સશસ્ત્ર જૂથોએ અખાતી વિસ્તારમાં ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા, જેનાથી બંદરો અને એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું હતું.
જો કે, 8 એપ્રિલના રોજ ઈરાન અને અમેરિકા વચ્ચે અસ્થાયી યુદ્ધવિરામ પર સહમતિ સધાઇ હતી અને હવે બંને દેશો વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થતા દ્વારા સંભવિત શાંતિ કરારને લઈને સંદેશાઓની આપ-લે ચાલુ છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ સ્વીકાર્યું છે કે ઈરાન સાથેની વાતચીતમાં થોડી પ્રગતિ થઈ છે.
ઓમાનને બાદ કરતાં ખાડી સહયોગ પરિષદ (GCC)ના અન્ય દેશોએ ઈરાનના એ પ્રયાસનો વિરોધ કર્યો છે, જેમાં તે વ્યૂહાત્મક રીતે મહત્વની 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' દ્વારા દરિયાઈ પરિવહનને નિયંત્રિત કરવા માંગતું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો કે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન, UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ સાથેની વાતચીત બાદ તેમણે ઈરાન પર મોટો સૈન્ય હુમલો કરવાનો નિર્ણય ટાળી દીધો છે.
બીજી તરફ, ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ હજુ પણ ઈરાન સામે કડક સૈન્ય કાર્યવાહીની હિમાયત કરી રહ્યા છે. UAEના રાષ્ટ્રપતિના સલાહકાર અનવર ગરગાશે ચેતવણી આપી છે કે વધુ એક યુદ્ધ આખા વિસ્તારને વધુ અસ્થિર કરી દેશે.
કતરે પણ તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક સ્થિરતા જાળવી રાખવા માટે રાજદ્વારી પ્રયાસોનું સમર્થન કર્યું છે. UAE એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે ઈરાન સાથેના કોઈપણ અંતિમ કરારમાં તેના પરમાણુ કાર્યક્રમ, બેલિસ્ટિક મિસાઈલો, ડ્રોન નેટવર્ક અને પ્રોક્સી જૂથોની પ્રવૃત્તિઓનો સમાવેશ થવો જોઈએ.