Mon Oct 05 2026

Logo

ઈરાન આ શરતે થઈ શકે છે હોર્મુઝ ખોલવા તૈયાર! ટ્રમ્પના અલ્ટીમેટમને ફગાવ્યું

Tehran   2026-04-06 08:25:00
Author: Devayat Khatana
ઈરાન આ શરતે થઈ શકે છે હોર્મુઝ ખોલવા તૈયાર! ટ્રમ્પના અલ્ટીમેટમને ફગાવ્યું

તહેરાન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ  ખુલ્લી કરવા માટે મંગળવાર સાંજ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો ઈરાન સમય મર્યાદામાં આ દરિયાઈ માર્ગ નહીં ખોલે, તો તેણે ગંભીર લશ્કરી હુમલાઓનો સામનો કરવો પડશે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને લખ્યું છે કે જો મંગળવાર રાત્રે 8:00 વાગ્યા સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને પુલ સુરક્ષિત રહેશે નહીં. આ ધમકી બાદ પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરાયા છે.

ટ્રમ્પની આ ખુલ્લી ધમકીના જવાબમાં ઈરાને પણ નમતું જોખવાનો ઇનકાર કર્યો છે અને સામો પ્રહાર કર્યો છે. ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબફે ચેતવણી આપી છે કે ટ્રમ્પના આવા અવિચારી પગલાં આખા વિસ્તારને આગમાં ફેંકી દેશે અને અમેરિકા માટે આ જીવતું જાગતું નર્ક સાબિત થશે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના મિશને પણ ટ્રમ્પના નિવેદનને નાગરિકોને આતંકિત કરનારું અને યુદ્ધ અપરાધ કરવાની યોજના સમાન ગણાવ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે હોર્મુઝનો રસ્તો ત્યારે જ ખોલવામાં આવશે જ્યારે ટ્રાન્ઝિટ ટોલનો એક હિસ્સો યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે વાપરવા દેવામાં આવશે.

દરમિયાન, ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે સોમવાર સુધીમાં ઈરાન સાથે કોઈ ડીલ થઈ શકે છે, કારણ કે અત્યારે વાતચીત ચાલી રહી છે. જોકે, તેમણે સાથે એ પણ ઉમેર્યું કે જો સમજૂતી નહીં થાય તો તેઓ ઈરાનના તેલના ભંડારો પર કબજો કરવા અને માળખાગત સુવિધાઓને ઉડાવી દેવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છે. ટ્રમ્પે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરીને કહ્યું કે, ઈરાન માટે મંગળવારનો દિવસ 'પાવર પ્લાન્ટ ડે' અને 'બ્રિજ ડે' બની જશે. ટ્રમ્પના મતે ઈરાન પાસે હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી જો લાંબો સમય ચાલુ રહે છે, તો તેની ગંભીર અસરો ભારત સહિત વિશ્વના અનેક દેશો પર પડવાની ભીતિ છે. આ માર્ગ વિશ્વના ઈંધણ અને ખાતરના પુરવઠા માટે કરોડરજ્જુ સમાન છે, તેથી અહીંની અશાંતિથી વૈશ્વિક ઉર્જા સુરક્ષા જોખમાઈ શકે તેમ છે.