Fri May 01 2026

Logo

યુએસએ ઈરાનનો સૌથી વિશાળ પુલ તોડી પાડ્યો, ટ્રમ્પે વીડિયો શેર કરી આપ્યું અલ્ટીમેટમ

washington   2026-04-03 10:29:00
Author: Savan Zalariya
Article Image

વોશિંગ્ટન ડી સી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ડીલ કરવા, નહીં તો પરિણામો ભોગવવા ચેતવણી આપી છે. એવામાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળે છે કે વિસ્ફોટ બાદ એક વિશાલ પુલ તૂટી પડે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે, આ પુલ ફરી ક્યારેય ઉપયોગમાં નહીં લઇ શકાય. ટ્રમ્પે ઈરાનને અલ્ટીમેટમ આપતા કહ્યું કે ખૂબ મોડું થઇ જાય તે પહેલાં સોદો કરી લો.

સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને ટ્રમ્પે લખ્યું, "ઈરાનનાં સૌથી મોટા પુલને તોડી પાડવામાં આવ્યો છે, તેને ફરી ક્યારેય ઉપયોગમાં નહીં લઇ શકાય - હજુ ઘણું બધું બાકી છે! ઈરાન માટે ખૂબ મોડું થઇ જાય, તે પહેલાં સોદો કરવાનો સમય આવી ગયો છે.”
 

અહેવાલ મુજબ ટ્રમ્પ જે બ્રીજનો ઉલ્લેખ કરી રહ્યા છે એ ઈરાનનો B1 પુલ છે, જે કરજ વિસ્તારમાં આવેલો નિર્માણાધીન હતો. મીડિયા અહેવાલ મુજબ, પુલ પર થયેલા હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા. 95 લોકો પુલ નીચે અને નદી કિનારે "નેચર ડે" ઉજવવા માટે ભેગા થયા હતા, ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો.

ગુરુવારે મોડી રાત્રે (સ્થાનિક સમય) અન્ય એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનમાં જે બાકી બચ્યું છે, તેનો નાશ કરવાનું હજુ શરૂ કર્યું નથી. ઈરાનના વધુ પુલ અને ઉર્જા માળખા તેમની નજરમાં છે.

ઈરાનના અધિકારીઓએ નાગરિક માળખા પર હુમલો કરવાનાં યુએસનાં પગલાની નિંદા કરી.