Wed Aug 19 2026

Logo

6 બોલમાં 6 સિક્સર: ટોબી આલ્બર્ટે 26 બોલમાં ફટકારી સીઝનની સૌથી ઝડપી અડધી સદી

2026-08-10 21:04:06
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના વન ડે કપમાં 24 વર્ષીય બેટ્સમેને છગ્ગાનો વરસાદ કરી દીધો હતો. હોવમાં હેમ્પશાયર અને સસેક્સ વચ્ચે મેચ રમાઈ હતી. હેમ્પશાયર તરફથી રમતા ઈગ્લેન્ડના ક્રિકેટર ટોબી આલ્બર્ટે માત્ર 37 બોલમાં 86 રન ફટકાર્યા હતા. 

તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થતો હતો. તેની 86 રનની ઇનિંગ દરમિયાન ટોબી આલ્બર્ટે સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા. જોકે તેણે આ સિક્સ એક જ ઓવરમાં ફટકારી નહોતી પરંતુ તે અલગ અલગ ઓવરમાં ફટકારી હતી. તેણે પહેલા 43મી ઓવરના છેલ્લા બે બોલમાં બે સિક્સ ફટકારી હતી. 

ત્યારબાદ તે ઓલી કિર્ટલી સામે સ્ટ્રાઇક પર આવ્યો હતો. બાદમાં તેણે સતત ચાર બોલમાં ચાર સિક્સ ફટકારી હતી. આલ્બર્ટે સતત છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આલ્બર્ટે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આ વર્ષના વન ડે કપમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા ફટકારાયેલી સૌથી ઝડપી અડધી સદી છે.

પ્રથમ બેટિંગ કરતા હેમ્પશાયરે 9 વિકેટે 383 રન ફટકાર્યા હતા. ઓપનર અલી ઓર અને બેન મેયસે 225 રનની ભાગીદારી કરી હતી. બેને 109 અને અલીએ 105 રન ફટકાર્યા હતા. આલ્બર્ટે ત્રીજા નંબરે 86 રન કર્યા હતા. 

સસેક્સ તરફથી ઓપનર આર્ટલી ટિયરે 94 બોલમાં 111 રન ફટકાર્યા હતા. જેક લીનિંગે પણ 92 રનની ઈનિંગ રમી હતતી. જોકે ટીમ 49મી ઓવરમાં 332 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે હેમ્પશાયરે 51 રનથી મેચ જીતી લીધી હતી.