કવિતા યાજ્ઞિક
આપણા દેશમાં ઘણાં મંદિરો ચમત્કારો અને આધ્યાત્મિક શક્તિઓ માટે પ્રખ્યાત છે, પરંતુ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં આવેલું ચંડી દેવી મંદિર એવી ઘટના માટે પ્રખ્યાત છે, જે ત્યાં રોજ બને છે. આ મંદિરમાં ફક્ત માણસો જ પૂજા કરતા નથી, પરંતુ દરરોજ રીંછનો એક આખો પરિવાર પણ દેવીના દર્શન કરવા આવે છે. દરરોજ સેંકડો ભક્તો પોતાની મનોકામનાઓ લઈને મંદિરમાં પહોંચે છે, જ્યારે તેઓ રીંછોની દેવી પ્રત્યેની ભક્તિનું આ દૃશ્ય જુએ છે, ત્યારે તેમના શ્વાસ થંભી જાય છે. ચાલો જાણીએ દેવીમાના આ અનોખા ભક્તો વિશે.
છત્તીસગઢનું આ ચંડી મંદિર મહાસમુંદ જિલ્લાના ઘુંચાપાલી ગામમાં આવેલું છે. આ મંદિર અનેક ટેકરીઓથી ઘેરાયેલું છે, જે દૃશ્યને અદ્ભુત બનાવે છે. મંદિર સુધી પહોંચવા માટે, ભક્તોએ બે ટેકરીઓ વચ્ચેથી પસાર થવું પડે છે. આ ટેકરી ઉપરના મંદિરનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે. દેવી ચંડીની મૂર્તિ કુદરતી છે, અર્થાત્ સ્વયંભૂ છે. ગ્રામજનો કહે છે કે ચંડી માતાનું આ મંદિર પહેલા તંત્ર સાધના માટે પ્રખ્યાત હતું, ઘણા સાધુ, સંતો, તપસ્વીઓ અને તાંત્રિકો અહીં પડાવ નાખતા હતા.
અગાઉ, આ સ્થળ તંત્ર સાધના કરનારાઓ દ્વારા ગુપ્ત રાખવામાં આવ્યું હતું, પરંતુ 1950-51માં તેને સામાન્ય લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ સ્થળે માતાજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આશ્ચર્યની વાત એ છે કે, આ મૂર્તિનું કદ ઘણું વિરાટ, લગભગ સાડા 23 ફૂટ ઊંચાઈનું છે. મંદિરના પૂજારીના કહેવા મુજબ. ચંડી માતાની મૂર્તિ પ્રગટ થઇ ત્યારે અન્ય મૂર્તિઓની જેમ સામાન્ય કદની જ હતી, પણ તેમાં સતત વધારો થતો ગયો અને હવે તે 23 ફૂટ ઊંચી થઇ ગઈ છે. ઉપરાંત આ મૂર્તિ દક્ષિણમુખી હોવાથી આ પ્રતિમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. તેથી આ સ્થળે કાયમ ભક્તોની ભીડ જોવા મળે છે.
પણ મનુષ્ય ભક્તો ઉપરાંત અહીં દેવીના ભક્તોમાં એક વિશેષ પ્રાણી પણ રોજ હાજરી પુરાવે છે. જે આ મંદિરની વિશેષતા પણ છે અને રહસ્ય પણ. એવું કહેવાય છે કે વર્ષોથી આ ખાસ ભક્તો સાંજ પડતાની સાથે જ માતાના મંદિરે આવવાનું શરૂ કરી દે છે. દરરોજ સાંજે આરતીના સમયે, આખો રીંછ પરિવાર ચંડી દેવીના દર્શન કરવા માટે આવે છે. રીંછ પરિવાર માતાનો પ્રસાદ લે છે અને પછી કોઈને નુકસાન પહોંચાડ્યા વિના જંગલમાં પાછો ફરે છે.
જ્યારે રીંછનો પરિવાર આવે છે, ત્યારે તેમાંથી એક મંદિરની બહાર ઊભો રહે છે, પછી બાકીના રીંછ મંદિરમાં પ્રવેશ કરે છે. મોટાભાગે તેઓ સંધ્યા આરતીના સમયે જ મંદિરમાં આવે છે. આ પછી આખો પરિવાર ચંડી માતાની મૂર્તિની પરિક્રમા પણ કરે છે. આ દૃશ્ય જોયા વિના આપણે માની ન શકીએ કે ખરેખર આવું બનવું શક્ય છે. આશ્ચર્યજનક વાત એ પણ છે કે રીંછ મંદિરમાં આવે છે અને ભક્તો સાથે સંપૂર્ણપણે મૈત્રીપૂર્ણ વર્તન કરે છે જાણે તેઓ પાલતુ હોય.
ચંડી માતાના દર્શન અને પરિક્રમા કર્યા પછી, રીંછ પરિવાર ત્યાં ધરાવેલો પ્રસાદ ગ્રહણ કરે છે. ત્યારબાદ ચુપચાપ જંગલ તરફ પ્રયાણ કરે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ક્યારેક પૂજારીઓ તેમને પોતાના હાથે પ્રસાદ ખવડાવે છે.
વન્યજીવન નિષ્ણાતો કહે છે કે દેવી મંદિરમાં રીંછ અને માણસો વચ્ચેનો મુકાબલો આશ્ચર્યજનક છે. તેમનું કહેવું છે કે સામાન્ય રીતે જો જંગલમાં કોઈ વ્યક્તિની સામે રીંછ આવી જાય, તો હુમલો થવાની પ્રબળ શક્યતા હોય. જ્યારે અહીં તો રીંછ શ્રદ્ધાળુઓ સાથે એવું વર્તન કરે છે જાણે ઘરના સભ્ય હોય!
ગામલોકો કહે છે કે રીંછ ક્યારેય હિંસક નથી હોતા અને આજ સુધી ક્યારેય કોઈને નુકસાન પહોંચાડ્યું નથી. હા, તેમને જોવા ભેગી થયેલી ભીડના કોલાહલને કારણે ક્યારેક તેઓ નારાજગી જરૂર દર્શાવે છે. તેમ છતાં ક્યારેય કોઈને પરેશાન કરતા નથી. ગ્રામ્યજનોને એવી શ્રદ્ધા છે કે, આ રીંછ પરિવાર રામાયણના રીંછ જામવંતનો છે. તેથી જ તેમનામાં આવી શ્રદ્ધા અને ભક્તિ જોવા મળે છે.