Fri Apr 17 2026

Logo

મગજ મંથનઃ એક પરીક્ષાના પરિણામથી તમારો સમગ્ર જીવનપથ નક્કી નથી થતો...

2026-02-25 09:13:00
Author: Mumbai Samachar Team
Article Image

વિઠ્ઠલ વઘાસિયા

ધોરણ દસ અને બાર -આ બે ધોરણ વિદ્યાર્થીઓના જીવનમાં મહત્ત્વપૂર્ણ વળાંક તરીકે જોવામાં આવે છે. ઘણા વિદ્યાર્થી પરીક્ષાના સમયગાળામાં ભારે માનસિક દબાણ અનુભવે છે. જોકે એક વાત સ્પષ્ટ છે - પરીક્ષા જીવન નથી, પરંતુ જીવનનો એક તબક્કો છે. પરીક્ષા દબાણથી નહીં, પરંતુ શાંતિ, સંતુલન અને આત્મવિશ્વાસથી આપી શકાય છે. 

પરીક્ષા એ મેળવેલ જ્ઞાન અને કેળવેલ કૌશલ્યને ઉપયોગમાં લેવાનું માધ્યમ છે. પરમાત્માએ આપણને ત્રણ સબળ સાધન આપ્યા છે: હૈયું, મસ્તક ને હાથ,,, આ સિવાય રે આપણે બીજું જોઈએ પણ શું ? પરીક્ષા કોઈ સાવજ દીપડો નથી કે તેનાથી ડરવાનું હોય! આખું વર્ષ મહેનત કરીને તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો. તમારા માતા-પિતા, વાલી અને શિક્ષકો આ વાતના સાક્ષી છે.

સૌ પ્રથમ સમજવું જરૂરી છે કે પરીક્ષા તમારું મૂલ્યાંકન કરે છે, પરંતુ તમારું મૂલ્ય નક્કી કરતી નથી. તમે માત્ર ગુણાંક નથી - તમે વિચારો, સંવેદનાઓ, ક્ષમતાઓ અને સપનાઓ ધરાવતા વ્યક્તિ છો. એક પરીક્ષાના પરિણામથી તમારો સમગ્ર જીવનપથ નક્કી થતો નથી. ઈતિહાસ સાક્ષી છે કે ઘણા મહાન વૈજ્ઞાનિકો, લેખકો, ઉદ્યોગપતિઓ અને કલાકારો પરીક્ષામાં સર્વોચ્ચ ગુણ લાવનાર નહોતા, છતાં એ બધા જીવનમાં અસાધારણ રીતે સફળ થયા છે.

વિદ્યાર્થીઓ પર દબાણ વધવાનું એક મુખ્ય કારણ છે અપેક્ષાઓ. ‘સારા ગુણ લાવવાના જ છે’, ‘આ છેલ્લી તક છે, નહીં તો ભવિષ્ય અંધકારમય બની જશે’ -આવી વાતો અજાણતાં જ વિદ્યાર્થીના મનમાં ભય પેદા કરે છે. હકીકત એ છે કે જીવનમાં માર્ગો અનેક છે. એક દરવાજો બંધ થાય તો અનેક નવા દરવાજા ખુલે છે. તમારું જીવન એક અધ્યાય નથી, પણ આખો ગ્રંથ છે. એક અધ્યાય-પાઠ થોડો નબળો હોય, તો આખું પુસ્તક ફેંકી દેવામાં આવતું નથી ને? તો પછી, એક પરીક્ષા ખરાબ જાય તો પોતાની જાતને નબળી કેમ માનવી? તેથી પરિણામ જે પણ આવે, તે અંત નથી; તે તો એક શરૂઆત છે. 

યાદ રાખો, ભૂલ થવી સ્વાભાવિક છે. દરેક પ્રશ્નનો જવાબ ન આવડવો એ નિષ્ફળતા નથી. જે પ્રશ્ન આવડે તે શ્રેષ્ઠ રીતે લખો. એક પ્રશ્ન ખરાબ ગયો, એટલે સમગ્ર પરીક્ષા બગડી ગઈ - આવું માનવું ખોટું છે. ઘણી વાર વિદ્યાર્થીઓ એક પ્રશ્નને કારણે સમગ્ર પરીક્ષામાં આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે. આવું ન થવા દો.  

આ સમયે પરિવાર અને શિક્ષકો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માતા-પિતાએ સમજવું જોઈએ કે બાળકનું માનસિક સ્વાસ્થ્ય ગુણ કરતાં વધુ મૂલ્યવાન છે. તું અમારું ગૌરવ છો, પરિણામ જેવું પણ આવે ચિંતા કરીશ નહીં, મોજથી પરીક્ષા આપ.’ આવું આશ્વાસન વિદ્યાર્થી માટે ઔષધ સમાન છે. શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓમાં ભય નહીં, પરંતુ વિશ્વાસ જગાડવો જોઈએ.

વિદ્યાર્થીએ પોતાની તુલના બીજાઓ સાથે ન કરવી જોઈએ. દરેક વિદ્યાર્થી અલગ છે, તેની ક્ષમતા અલગ છે, તેની ગતિ અલગ છે. કોઈ ગણિતમાં તેજ છે, કોઈ ભાષામાં, કોઈ વિજ્ઞાનમાં, તો કોઈ કલામાં. પોતાને ઓળખો, પોતાને સ્વીકારો. તમે જેમ છો તેમ પૂરતા છો.

આજે સોશ્યલ મીડિયા પણ દબાણ વધારનાર એક કારણ બની રહ્યું છે. કોઈના માર્ક્સ, કોઈની તૈયારી, કોઈની સફળતા જોઈને પોતાને ઓછું ન આંકો. બહાર દેખાતી સફળતા પાછળ કેટલો સંઘર્ષ છે તે આપણે નથી જાણતા. પરીક્ષા એ તમારી બુદ્ધિ, સ્મૃતિ અને સમજણની ચકાસણી છે - તમારા હૃદયની, સંવેદનાની કે માનવતાની નહીં. તેથી પરીક્ષાને ભાર નહીં, એક અનુભવ તરીકે લો. તમે જેટલા શાંત રહેશો, એટલું તમારું પ્રદર્શન સારું રહેશે.

તમારું જીવન બહુ કિંમતી છે. ગુણ ઓછા આવે તો સુધારો શક્ય છે, ફરી પ્રયત્ન શકાય છે, પરંતુ જીવનનો આનંદ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ ગુમાવવાનો કોઈ વિકલ્પ નથી. આથી! ટકાની ઝંઝટમાં પડતા નહીં. ટકાના ત્રાજવે તો તમોને બહુ તોળ્યા. તમારામાં રહેલા સંસ્કાર, સમજણ, સૌજન્યશીલતા, સાદગી, ચારિત્ર્ય, પ્રમાણિકતા, પરિશ્રમ, બહાદુરી, આજ્ઞાંકિતતા જીવદયા અને અનુકંપા જેવી બાબતોની તો કોઈ કિંમત જ નહીં? આ સિદ્ધિઓના ટકા નહીં ગણવાના? જે તમને વારસામાં મળ્યા છે ! અને હા, તમારી માર્કશીટમાં આ ગુણ મૂકવાનું તો કોઈ ખાનું જ નથી આપ્યું...?....
ગુજરાતી થાળીના વિવિધ સ્વાદની જેમ જિંદગીમાં દરેક આવડત કામ લાગે છે. માત્ર રિપોર્ટ કાર્ડના ટકા નહીં! વાસ્તવિક જગતમાં પરફોર્મન્સ જોવાય છે.