Fri Aug 21 2026

Logo

ઓર એ મોસમ હસીંઃ પરફેક્શનની પળોજણ:

2026-08-08 09:51:00
Author: Deval Shashtri
Article Image

દેવલ શાસ્ત્રી

સવારે ઘરેથી નીકળતાં પહેલાં આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ. એક વાર નહીં, ચાર-છ વાર. વાળ બરાબર છે કે નહીં, શર્ટમાં કરચલી તો નથી ને, ચહેરા પર થાક તો નથી દેખાતો? બધું બારીકાઈથી ચકાસીએ છીએ. પછી મોબાઈલ હાથમાં લઈએ છીએ. એક ફોટો પાડીએ છીએ. ગમતો નથી. બીજો સેલ્ફી ક્લિક કરીએ. પછી ત્રીજો... આખરે દસ-બાર ફોટામાંથી એક શ્રેષ્ઠ પસંદ કરીએ ને બાકીનાને ડિલીટ...

વોટ્સએપ પર એક નાનો મેસેજ લખીએ તો પણ મોકલતા પહેલાં બે-ત્રણ વખત વાંચી લઈએ છીએ કે કોઈ શબ્દ ખોટો તો નથી ને, ક્યાંક અર્થ બદલાઈ તો નથી જતો ને? સોશ્યલ મીડિયા પર મૂકેલી તસવીર હોય કે જીવનની કોઈ સિદ્ધિ, બધું થોડું ગોઠવીને, થોડું ચમકાવીને અને થોડું ફિલ્ટર લગાડીને જ દુનિયાને બતાવીએ છીએ.

ધીમે ધીમે એવું બન્યું છે કે આપણે માત્ર ફોટા જ એડિટ નથી કરતા; જીવન પણ એડિટ કરવા લાગ્યા છીએ. દુનિયાને સ્મિત બતાવીએ છીએ, ચિંતા નહીં. સફળતા બતાવીએ છીએ, સંઘર્ષ નહીં. પ્રકાશ બતાવીએ છીએ, અંધકાર નહીં અને આ જ જગ્યાએથી એક ગહન પ્રશ્ન જન્મે છે કે આખરે માણસને પરફેક્ટ બનવાનો વિચાર આવ્યો ક્યાંથી?

આ પ્રશ્નનો જવાબ માત્ર આજની સોશ્યલ મીડિયાની દુનિયામાં નથી, પણ માણસના પ્રાચીન ઇતિહાસમાં છુપાયેલો છે. કદાચ પહેલીવાર જ્યારે કોઈ આદિમાનવે પથ્થર ઘસીને હથિયાર બનાવ્યું હશે ત્યારે તેને લાગ્યું હશે કે આના કરતાં વધુ ધારદાર હથિયાર બનાવી શકાય. કદાચ પ્રથમ ચિત્ર દોરનારને પણ લાગ્યું હશે કે આવતીકાલે વધુ સારૂં ચિત્ર દોરવું છે. શ્રેષ્ઠ બનવાની અને આગળ વધવાની ઇચ્છા જ માનવ વિકાસનો મૂળ આધાર રહી છે. હું દરેક બાબતમાં પરફેક્ટ જ હોવો જોઈએ એવા અસહ્ય માનસિક દબાણમાં ફેરવાય છે ત્યારે તે સર્જન નહીં, પણ સંઘર્ષ અને પીડાનું કારણ બની જાય છે.

મનોવિજ્ઞાન છેલ્લા ત્રણ દાયકાથી આ પ્રશ્નનો ગંભીરતાથી અભ્યાસ કરી રહ્યું છે. કેનેડિયન મનોવિજ્ઞાનીઓ પોલ હ્યુઇટ અને ગોર્ડન ફ્લેટે પરફેક્શનિઝમના ત્રણ મુખ્ય પ્રકાર સમજાવ્યા છે. પહેલો એવો, જેમાં માણસ પોતે પોતાના માટે લગભગ અસંભવ ધોરણો બનાવે છે. બીજો એવો, જેમાં તેને સતત એવો ભય રહે છે કે આખી દુનિયા તેની પાસેથી સંપૂર્ણતાની જ અપેક્ષા રાખે છે અને ત્રીજો એવો, જેમાં માણસ પોતાની આસપાસના દરેક વ્યક્તિ પાસેથી પણ પૂર્ણતાની અપેક્ષા રાખવા લાગે છે. આ ત્રણેય સ્થિતિઓમાં એક વસ્તુ સમાન હોય છે; કાયમી અસંતોષ.

કેટલાક અભ્યાસ એવું માને છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં યુવાનોમાં પરફેક્શનિસ્ટ વલણ (પૂર્ણતાવાદી!) ચિંતાજનક રીતે વધ્યું છે. તેનું કારણ માત્ર વ્યક્તિગત સ્વભાવ નથી, પરંતુ આજના સમયમાં વધેલી સ્પર્ધા, સરખામણીઓ, સફળતાની બદલાયેલી વ્યાખ્યા અને સોશ્યલ મીડિયાનું એવું મંચ છે, જ્યાં દરેક વ્યક્તિ સતત મૂલ્યાંકનના દાયરામાં જીવે છે. જે વિચાર માણસને ઊંચે લઈ જવા માટે જન્મ્યો હતો, તે જ આજે ચિંતા, બર્નઆઉટ અને ડિપ્રેશનનું મુખ્ય કારણ બની રહ્યો છે.

પરફેક્શન એ ઉત્તમતા મેળવવાનો પ્રયાસ નથી. ઘણી વખત તે ટીકા, અસ્વીકાર અને શરમથી બચવાનો ડર છે. આપણે ઘણી વખત સફળ થવા માટે મહેનત નથી કરતા; આપણે માત્ર સમાજની નજરમાં નિષ્ફળ દેખાવાથી ડરીએ છીએ. કદાચ એટલે જ આજના સમયમાં ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ જેવી માનસિક સ્થિતિ એટલી સામાન્ય બની ગઈ છે, જ્યાં બહારથી સફળ દેખાતા લોકો પણ અંદરથી ડરતા હોય છે કે એક દિવસ બધાને ખબર પડી જશે કે હું એટલો સારો નથી જેટલો લોકો મને માને છે.

જોકે આ વાતનો બીજો પક્ષ પણ એટલો જ મહત્ત્વનો છે. જો માણસના સ્વભાવમાં આ અસંતોષ ન હોત, તો શું કોઈ વૈજ્ઞાનિક શોધ થઈ હોત? શું રોગોની દવાઓ શોધાઈ હોત? શું ચંદ્ર સુધીની યાત્રા સફળ થઈ હોત? મહાન સર્જન પાછળ હંમેશાં એક અસંતોષ કામ કરતો હોય છે. લિયોનાર્ડો દા વિન્ચી પોતાની `મોનાલિસા'ને ક્યારેય સંપૂર્ણ માનતા નહોતા. માઇકલએન્જેલો પોતાની અદ્ભુત કૃતિઓમાં પણ સતત ખામીઓ શોધતા રહેતા. ફિલ્મકાર સ્ટેનલી કુબ્રિક એક દૃશ્ય માટે સો કરતાં વધુ ટેક લેવા તૈયાર રહેતા અને ચાર્લી ચેપ્લિન એક જ દૃશ્યને સેંકડો વખત ફિલ્માવતા.

ઓસ્કાર વાઇલ્ડની કૃતિ `ધ પિક્ચર ઓફ ડોર્સિયન ગ્રે'માં નાયક પોતાની યુવાની અને સુંદરતા કાયમ માટે સાચવી રાખવા માગે છે, પરંતુ બહારથી યુવાન દેખાતો તે માણસ અંદરથી સડી જાય છે. મેરી શેલીના `ફ્રેન્કેસ્ટાઇન'માં વૈજ્ઞાનિક એક સંપૂર્ણ માનવ બનાવવાની મહત્ત્વાકાંક્ષામાં એવો પ્રયોગ કરે છે જે તેના જ જીવનનો અભિશાપ બની જાય છે.

પ્રસિદ્ધ લેખક સેમ્યુઅલ બેકેટે લખ્યું છે કે, ક્યારેક પ્રયત્ન કર્યો. ક્યારેક નિષ્ફળ ગયા. કોઈ વાંધો નહીં. ફરી પ્રયત્ન કરો. ફરી નિષ્ફળ જાવ. વધુ સારી રીતે નિષ્ફળ જાવ. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને પરિણામની ખાતરી આપતા નથી, પણ માત્ર શ્રેષ્ઠ કર્મ કરવાની પ્રેરણા આપે છે. પરિણામને સંપૂર્ણ બનાવવાની ઉતાવળ પ્રયત્નને જ નબળો પાડી દે છે.

આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજીના યુગમાં આપણને સારા ફોટા, ચોક્કસ લેખ અને પરફેક્ટ ડિઝાઇન્સ  મળી જાય છે. ટેક્નોલોજી સતત પરફેક્શન તરફ આગળ વધી રહી છે, પરંતુ માનવહૃદય હજુ પણ અપૂર્ણતાને જ પ્રેમ કરે છે. આપણને પોતાના બાળકનું પહેલું અણઘડ ચિત્ર ગમે છે, દીકરીના હાથની ગોળ ન બનેલી રોટલી યાદ રહે છે, મિત્રની બેસૂરી ગાયકીમાં પણ આનંદ આવે છે અને જૂના પત્રોમાં જોડણીની ભૂલો હોવા છતાં આપણે તેને સાચવીને રાખીએ છીએ. કારણ કે પ્રેમનું મૂળ પૂર્ણતા નથી, પણ સ્વીકાર છે.

ધ એન્ડ 
કોઈ પણ મહાન માસ્ટરપીસ ક્યારેય સંપૂર્ણ હોતી નથી. જો તમે નજીકથી જુઓ તો દરેક મહાન ચિત્રમાં બ્રશના અણઘડ સ્ટ્રોક્સ દેખાય છે, દરેક મહાન સંગીતમાં થોડું મૌન હોય છે.