બળાત્કારનો ખોટો કેસ કરવાની ધમકી આપી વધુ 1.75 કરોડ માગ્યા: મહિલા વિરુદ્ધ ગુનો
થાણે: 57 વર્ષના બિઝનેસમૅનને પ્રેમજાળમાં ફસાવી છેલ્લાં બે વર્ષમાં 1.8 કરોડ રૂપિયા પડાવવા બદલ 30 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાએ બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની ધમકી આપીને બિઝનેસમૅન પાસેથી વધુ 1.75 કરોડ રૂપિયાની માગણી કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ મહિલાએ ઑગસ્ટ, 2024થી સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરસ્પર સંમતિથી બિઝનેસમૅન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને આ સમયગાળામાં વિવિધ કારણો બતાવીને તેણે રૂપિયા પડાવ્યા હતા.
જ્યારે મહિલા તેને બ્લકેમેઇલ કરવા લાગી ત્યારે પરિસ્થિતિ વણસી હતી. મહિલાએ બિઝનેસમૅન સામે બળાત્કારનો ખોટો કેસ દાખલ કરવાની અને તેના વાંધાજનક ફોટા તેમ જ વીડિયો તેના પરિવારના સભ્યોને મોકલવાની ધમકી આપી હતી અને તેની પાસેથી 1.8 કરોડ રૂપિયા પડાવ્યા હતા, એમ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.
દરમિયાન મહિલાની હેરાનગતિ અટકી નહોતી. તેણે વાંધાજનક ફોટા અને વીડિયો ડિલિટ કરવાના અને પોલીસમાં કેસ દાખલ ન કરવાના બદલામાં બિઝનેસમૅન પાસે વધારાના 1.75 કરોડ રૂપિયા માગ્યા હતા.
મહિલાની વારંવારની ધમકી અને પૈસાની માગણીથી કંટાળી બિઝનેસમૅને પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
થાણેના કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં ગુરુવારે મહિલા વિરુદ્ધ છેતરપિંડી, ખંડણી માગવી અને ગુનાહિત ધાકધમકી સહિત ભારતીય ન્યાય સંહિતાની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે અને મહિલાની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
(પીટીઆઇ)