Sun Aug 23 2026

Logo

સુરેન્દ્રનગર પર સવારથી મેઘરાજા ઓળઘોળ, લખતરમાં સાડા ત્રણ ઇંચ

2026-08-01 11:43:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લા પર આજે સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સવારે 8 થી 10ના બે કલાકમાં જ લખતરમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

સુરેન્દ્રનગરમાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે સવારે 8 થી 10ના સમયગાળામાં 155 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.  સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘમહેર થઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં 3.54 ઇંચ, મુળી તાલુકામાં 1.97 ઇંચ, વઢવાણ તાલુકામાં 1.46 ઇંચ, દસાડામાં 1.42 ઇંચ, થાનગઢમાં 1.38 ઇંચ, સાયલામાં 1.14 ઇંચ, ધ્રાંગધ્રામાં 1.06, ચોટીલામાં 0.91 ઇંચ, લીંબડીમાં 0.31 ઇંચ, ચુડામાં 0.20 ઇંચ વરસાદ પડ્યો હતો.

સુરેન્દ્રનગરમાં ભારે વરસાદના પગલે નાયકા ડેમ 100% ભરાતાં નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામો જેવાં કે ગૌતમગઢ, કુકડા, ગોદાવરી, શેખપરના ગ્રામજનોને નદીના પટમાં કે તેની આસપાસના વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ તેમજ પોતાની માલ-મિલકત અને ઢોર-ઢાંખરને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જણાવાયું છે.

બે કલાકમાં 144 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ

સવારે 8 થી 10ના સમયગાળામાં રાજ્યના એક તાલુકામાં ત્રણ ઇંચથી વધારે, 10 તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 144 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ,  રાજ્યમાં સિઝનનો સરેરાશ 64.76 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમાં 20.67 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.76 ટકા, પૂર્વ મધ્યમાં 62.16 ટકા, સૌરાષ્ટ્રમાં 48.81 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 91.35 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્યના બે જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 110.49 ટકા અને વલસાડમાં 102.25 ટકા વરસાદ નોંધાયો છે.  સુરતમાં 98.28 ટકા વરસાદ પડી ચુક્યો છે.