Fri Apr 17 2026

Logo

રૂ.1536 કરોડના આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ દુબઈથી સુરત આવતા જ ઝડપાયો!

2026-03-14 20:18:07
Author: Devayat Khatana
Article Image

સુરત: સાયબર ક્રાઈમ સેલે આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય સાયબર સિન્ડિકેટ પર મોટી કાર્યવાહી કરતા કરોડોના રોકાણ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાની ધરપકડ કરી છે. મૂળ રાજકોટના ગોંડલના રાવણા ગામના વતની અને હાલ ઓલપાડના ઉમરા ખાતે રહેતા ૩૫ વર્ષીય આરોપી વિરુદ્ધ પોલીસે અગાઉ જ 'લૂક આઉટ સર્ક્યુલર' (LOC) જારી કર્યો હતો, જેના આધારે તે દુબઈથી પરત ફરતા જ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો હતો. 

આ સમગ્ર મામલે સુરત પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪), ૬૧(૨), ૩(૫) તેમજ 'ધી પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ (બેનિંગ) એક્ટ' અને 'ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID/PRIID) એક્ટ' હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કૌભાંડની પદ્ધતિ અત્યંત જટિલ અને સુનિયોજિત હતી. આરોપીએ સુરતના ઉધના વિસ્તારમાં સ્થિત 'ગતિ આઈ.ટી. પાર્ક' ખાતે ઓફિસ રાખીને હન્ટેક માર્કેટ્સ, સ્કાય ગ્રોથ વેલ્થ મેનેજમેન્ટ અને આઈ.વી. ટ્રેડ જેવી બોગસ કંપનીઓ ઊભી કરી હતી. રોકાણકારોને શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપી સલાહ આપવામાં આવતી હતી. 

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આશરે ૩૫ રોકાણકારો પાસેથી રૂ. ૪,૨૬,૮૬,૫૫૦ની છેતરપિંડી આચરવામાં આવી હતી. જોકે, તપાસમાં સૌથી ચોંકાવનારો આંકડો આ કૌભાંડમાં વપરાયેલા ૪૦ સ્પેસિફિક બેંક એકાઉન્ટ્સમાંથી મળ્યો હતો, જેમાં અત્યાર સુધીમાં રૂ. ૧૫૩૬ કરોડથી વધુના તોતિંગ નાણાકીય વ્યવહારો મળી આવ્યા હતા.

પોલીસ તપાસમાં આ ગેંગના આંતરરાજ્ય કનેક્શનનો પર્દાફાશ થયો હતો. આ કેસમાં અગાઉ પણ રાજકોટ અને જામનગરના ચાર સાગરીતોની ધરપકડ કરવામાં આવી હતી. આ ટોળકી મલ્ટી-લેવલ માર્કેટિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને રોકાણકારોને ફસાવતી હતી અને તેનું નેટવર્ક ભારતના ૨૩ થી વધુ રાજ્યોમાં ફેલાયેલું હતું. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર આ કૌભાંડ સંબંધિત ૧૭૧ જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું પોલીસે જણાવ્યું હતું.