Mon Sep 07 2026

Logo

સુરતના બિલ્ડર ફૈઝલ ફટ્ટાની હત્યા માટે 10 લાખની સોપારી લેનાર મુબારક કોણ છે ? કોણે આપી સોપારી ?

2026-09-03 09:03:00
Author: Mumbai Samachar Team
સુરતના બિલ્ડર ફૈઝલ ફટ્ટાની હત્યા માટે 10 લાખની સોપારી લેનાર મુબારક કોણ છે ? કોણે આપી સોપારી ?

સુરતઃ સુરતમાં જમીન દલાલ અને બિલ્ડર ફૈઝલ ઝકરિયા (ઉ.વ.55) હસન ફટ્ટા હત્યા કેસમાં સોપારી આપનારનું નામ સામે આવ્યું છે. જાહેરમાં આ વ્યક્તિની છરીના 19 ઘા મારીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. આ હત્યા પાછળ મુબારક ઉર્ફે મુબો મજીદ પટેલનું નામ તપાસમાં ખુલ્યું છે, જેણે ₹10 લાખની સોપારી હત્યા કરવા માટે લીધી હતી અને ₹1 લાખનું એડવાન્સ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. 

રેકી કરીને હત્યા કરાઈ
અઠવાડિયા સુધી રેકી કરીને આરોપીએ હત્યાને અંજામ આપ્યો હતો. ફૈઝલના રૂટ પર સતત વૉચ રાખી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પણ પ્લાન કરી રાખ્યો હતો. હત્યા કર્યા બાદ ચાર આરોપીઓ મુંબઈ તરફ નાસી છૂટ્યા હતા. આ કારણે પોલીસ આ ચારેયને પકડવા માટે મુંબઈ તરફ દોડી હતી. જ્યારે હકીકતમાં હત્યા મુબો મજીદ પટેલે કરી હતી. મુબારક સામે સુરતના જુદા જુદા વિસ્તારમાંથી 14 ગુનાની ફરિયાદ થઈ છે જેમાં કતારગામ, સલાબતપુર, ડિંડોલી તથા ઉઘના વિસ્તારનો સમાવેશ થાય છે. ફૈઝલને મારવા માટે વરિયારી માર્કેટમાં ખાસ પ્રકારની વૉચ ગોઠવવામાં આવી હતી.  ચોક્કસ ટાઈમિંગ નોટ કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત તે ક્યા રસ્તાનો ઉપયોગ કે છે એ પણ નોંધી રાખવામાં આવ્યું હતું. 

પ્લાનિંગ કંઈક આવું હતુ
31 ઓગસ્ટની રાત્રે જ્યારે ફૈઝલ ઓફિસમાંથી નીકળ્યા એ સમયે બે ટુ વ્હીલર પર આવેલા હત્યારાઓએ એનો પીછો કરીને છરીના ઘા મારી દીધા હતા. જીલાણી બ્રિજ પાસે એના વાહનને ટક્કર મારી મારવાનું ચાલુ કરી દીધુ હતુ. આ ઘટનામાં ફૈઝલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.આ હત્યા કર્યા બાદ આરોપીઓ બ્રિજ પરથી જ રોંગ સાઈડમાંથી નાસી છૂટ્યા હતા. સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાને લઈને કેસ ક્રાઈમ બ્રાંચને સોંપાયો હતો અને ઝોન 3ના ડીસીપીએ 15 જુદી જુદી ટીમ તૈયાર કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જુદા-જુદા સીસીટીવી ફૂટેડ, ટેક્નિકલ ઈનપુટ અને હ્યુમન ઈન્ટેલિજન્સ તરફથી મળેલી ચોક્કસ બાતમીના આધારે કેટલાક આરોપી મહારાષ્ટ્ર બાજુ નાસી છૂટ્યાની વિગત મળી હતી. ચોકબજાર પોલીસની ટીમે હાઈવે પર ખાસ વૉચ ગોઠવી હતી. મુંબઇ હાઈવે પર  ફાઉન્ટેન હોટલ સામેથી બે અને વેસ્ટર્ન હોટલ પાસેથી 2 એમ કુલ 4 આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી છે. 

કાયદેસરની કાર્યવાહી થશે
પોલીસના જણાવ્યા અનુસાર આ ચારેય આરોપીઓ રીઢા ગુનેગાર છે.  અભિષેક ઉર્ફે રોહન ઉર્ફે ઘૂંઘરૂ દેવરે (હત્યાની કોશિશ, ધાડ અને મારામારીના 5 ગુના), વસીમ ઉર્ફે વસીયો શેખ (મારામારીના 4 ગુના અને પાસા), ગોકુલ સંતોષ જાદવ (મારામારીના બે ગુના),  ફૈસરઅલી આબિદઅલી સૈયદ (મહારાષ્ટ્રમાં મારામારી અને હત્યાની કોશિશના 3 ગુના) સામે મોટા ગુના નોંધાયેલા છે. જ્યારે ફૈસરઅલી જલગાંવના અમલનેર પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસમાં પણ વોન્ટેડ હતો. આ હત્યા પાછળનો હેતુ શું હતો એ મુબારકની ધરપકડ બાદ સ્પષ્ટ થશે. એની પાછળ કોઈ મુખ્ય વ્યક્તિ હશે તો એની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.