Mon Aug 24 2026

Logo

જો પતિ વ્યભિચારનો આરોપ લગાવે તો પત્નીને ભરણપોષણ આપતા પહેલા કોર્ટ આ મુદ્દા પર નિર્ણય લેવો જરૂરી: સુપ્રીમ કોર્ટ

2026-07-31 20:43:29
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: જો પતિ વ્યભિચારનો આરોપ લગાવે છે તો પત્નીને વચગાળાનું ભરણપોષણ આપતા પહેલા કોર્ટે આ મુદ્દા પર નિર્ણય લેવો જોઈએ, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.  જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ વિપુલ. એમ. પંચોલીની બેન્ચે જણાવ્યું હતું કે કોર્ટનું એમ માનવું ખોટું છે કે આ પ્રકારના સવાલ પર અંતિમ નિર્ણયના સમયે વિચાર કરી શકાય છે. 

ખંડપીઠે કહ્યું હતું કે "કારણ કે કલમ 125 (4) (સીઆરપીસી)માં જોગવાઈ છે કે જો વ્યભિચાર સાબિત થાય છે તો પત્ની વચગાળાના કે અંતિમ ભરણપોષણ માટે હકદાર રહેશે નહીં તેથી અમારું માનવું છે કે જો પતિ કલમ 125(4) હેઠળ અરજી દાખલ કરે છે અને પ્રથમ તબક્કે પુરાવા સાથે આરોપ સાબિત કરી દે છે તો વચગાળાના ભરણપોષણ આપવા પર પ્રતિબંધ લગાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એક વ્યક્તિની અપીલ પર આવ્યો છે જેણે રાજસ્થાન હાઈકોર્ટના એ આદેશને પડકાર્યો હતો, જેમાં વ્યભિચારના આધાર પર ભરણપોષણ આપવાનો વિરોધ કરતી તેની અરજી ફગાવી દીધી હતી. 
આ કેસમાં વ્યક્તિએ સાત જૂલાઈ 2014ના મહિલા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષો પછી સમસ્યાઓની શરૂઆત થઈ હતી જેના પરિણામે મહિલાએ કથિત રીતે પતિ પર આરોપ લગાવ્યા અને પોલીસમાં કેટલીક ફરિયાદો દાખલ કરી હતી.

આખરે તે 13 મે, 2020ના બાળક અને તેની કિંમતી વસ્તુઓ લઈને પોતાના પતિના ઘર છોડીને નીકળી ગઈ હતી. બાદમાં તેણીએ ઉદયપુરના સ્પેશિયલ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ વચગાળાના ભરણપોષણ માટે અરજી દાખલ કરી. 

ત્યાર બાદ પતિએ સીઆરપીસીની કલમ 125(4) હેઠળ અરજી દાખલ કરી જેમાં દલીલ કરી હતી કે વ્યભિચારી સંબંધોને કારણે તેની પત્ની કોઈ પણ વચગાળાના ભરણપોષણ માટે હકદાર નથી. જોકે પતિની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે એ સાબિત કરવા માટે કે પત્ની વ્યભિચારમાં રહી છે તે માટે પતિએ અનેક તસવીરો અને પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા સ્પષ્ટપણે ઇલેક્ટ્રોનિક છે. 
કોર્ટને વચગાળાના ભરણપોષણના તબક્કે જે પ્રશ્ન ધ્યાનમાં લેવો જોઈએ તે એ છે કે શું રજૂ કરાયેલા પુરાવા વ્યભિચારને સાબિત કરે છે. પ્રતિવાદી નંબર 2 (પત્ની) પાસે રજૂ કરવામાં આવેલા પુરાવાઓની સત્યતા અને કાયદેસરતા પર સવાલ ઉઠાવવાનો અધિકાર છે અને બાદમાં કોર્ટે તેના પર વિચાર કરવો જોઈએ.

કોર્ટે કહ્યું કે આ બાબતને ધ્યાનમાં રાખીને અમારું માનવું છે કે ટ્રાયલ કોર્ટે કલમ 125(4) હેઠળ અપીલકર્તા (પતિ) ની અરજીનો નિર્ણય લેવો જોઈતો હતો. તેમના માટે એ અવલોકન કરવું ખોટું હતું કે પત્ની દ્વારા દાખલ કરાયેલી અરજીના અંતિમ નિર્ણય પહેલાં અપીલકર્તાની અરજીનો નિર્ણય લઈ શકાય નહીં. 

ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125(4) જણાવે છે કે જો પત્ની વ્યભિચારી હોય તો તે કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ, વચગાળાના ભરણપોષણ અથવા કાનૂની ખર્ચનો દાવો કરી શકતી નથી.