Thu Apr 23 2026

Logo

ઔર યે મૌસમ હંસીં...: આર્ટ ઓફ વોર: ઇરાન યુદ્ધ હોય કે પછી કોર્પોરેટ જગત...

2026-04-08 10:33:00
Author: Deval Shashtri
Article Image

 

દેવલ શાસ્ત્રી

કલ્પના કરો કે એક નાનકડું પુસ્તક, માત્ર તેર પ્રકરણનું. અઢી હજાર વર્ષ પહેલાં ચીનના સન ત્ઝૂ નામના જનરલે લખ્યું. આજે ઈરાન વિરુદ્ધ અમેરિકા-ઇઝરાયલનું યુદ્ધ વિશ્વને હચમચાવી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક, તેલના ભાવ આકાશે, મિસાઇલો અને ડ્રોનના હુમલા, નેતૃત્વની હત્યા અને વૈશ્વિક અર્થતંત્રની અસ્થિરતા આ બધું એક જ પુસ્તકમાંથી નીકળતું લાગે.

સન ત્ઝૂનું ધ આર્ટ ઓફ વોર. પુસ્તકના પ્રથમ પ્રકરણમાં જ જંગમાં કેવું આયોજન હોવું જોઈએ એ વાતે સન ત્ઝુ કહે છે કે યુદ્ધ જીતવા માટે પાંચ મુખ્ય તત્ત્વનું વિશ્ર્લેષણ કરવું જરૂરી છે : 

મોરલ લો, હેવન, અર્થ, કમાન્ડર અને મેથડ એન્ડ ડિસિપ્લિન...

ઈરાન માટે આ પાંચમાંથી ત્રણ તત્ત્વ અત્યંત મજબૂત છે. એક તો મોરલ લો, નેતૃત્વની હત્યા બાદ પણ રાષ્ટ્રીય ગર્વ અને વિદેશી આક્રમણની લાગણીએ લોકોને એક કર્યા છે. સન ત્ઝૂ કહે છે કે જો લોકો પોતાના નેતાને અનુસરે છે તો પ્રજા અસંખ્ય યુદ્ધોમાં લડી શકે છે.

બીજું: અર્થ એટલે કે તમારી ધરતી. વિશાળ ભૂપ્રદેશ, પહાડો અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ઈરાનનું મોટું હથિયાર છે. તેને વાપરીને વિશ્વભરને કાબૂમાં રાખી શકે છે. ત્રીજું પરિબળ છે: સમય, જે તેની તરફેણમાં છે. વરસાદી ઋતુ, તેલના ભાવ અને વૈશ્વિક અર્થતંત્રની અસ્થિરતા તેને લાંબા યુદ્ધ માટે અનુકૂળતાઓ કરી આપી છે.     

આ બધા વચ્ચે કમાન્ડર અને ડિસિપ્લિનમાં ઈરાનને હજુ સુધારો કરવો પડશે, પરંતુ સન ત્ઝૂ કહે છે કે જો ત્રણ તત્ત્વ મજબૂત હોય તો બાકીના બેને સમય સાથે મજબૂત કરી શકાય.

પુસ્તકનાં પહેલા જ પ્રકરણમાં શાનદાર વાત કરી છે કે જો તમે આક્રમક છો તો લડાઈને જેમ બને તેમ ઝડપભેર જીતવાનો પ્રયાસ કરો અને તમે સંરક્ષક છો તો સામાને થકવી નાખે એટલી લડાઈને લંબાવો.

ઇઝરાયલ અને અમેરિકા સામે ઇરાન યુદ્ધ ખેંચી રહ્યું છે. યુદ્ધ લંબાવો તો પણ હરીફ આપોઆપ ભાગી-ડગમગી જશે - નબળો પડશે. બીજી તરફ, પાકિસ્તાન જંગ વખતે ઇન્દિરા ગાંધી અને માણેક શોની સ્ટ્રેટેજી હતી, શક્ય એટલી ઝડપે લડાઇ પૂરી કરવી...

કોર્પોરેટ જગતમાં હોય કે યુદ્ધ, આર્ટ ઓફ વોર શીખવે છે કે ઝડપી માર્કેટ કબ્જે કરવું, ધીમે ધીમે તાકાત વધારવા જશો તો દશ હરીફો પેદા થશે. સુન ત્ઝુ કહે છે: ‘દુશ્મનના દેશને અખંડિત કબજે કરવું શ્રેષ્ઠ છે; તેને તોડી નાખવું નહીં.’ અને હા, લડાઈ વગર દુશ્મનને ભ્રમમાં નાખીને જીતતા શીખવું એ સૌથી મોટી કળા છે.

હરીફના સપ્લાય જેવા માર્કેટ પર કબ્જો જમાવવો. સરવાળે જીતને તમારું મુખ્ય લક્ષ્ય બનાવો, લાંબા થકવી નાખે તેવા અભિયાનને નહીં ઈરાન આનો અક્ષરશ: અમલ કરી રહ્યું છે. તે ઝડપી જીતની રાહ નથી જોઈ રહ્યું. તે મિસાઇલ, ડ્રોન અને પ્રોક્સી ફોર્સ દ્વારા અચાનક હુમલા કરીને અમેરિકા-ઇઝરાયલને આર્થિક રીતે થકવી રહ્યું છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝને અસર કરીને તે વૈશ્વિક અર્થતંત્રને લડાઈ વિના નુકસાન પહોંચાડી રહ્યું છે.

જગતમાં તમારી તાકાત તમારા હરીફ કરતાં દસ ગણી હોય તો માર્કેટનો મોટો હિસ્સો ખૂંચવી લો, પાંચ ગણી હોય તો જબરજસ્ત હરીફાઈ આપો, પરંતુ જો સમાન હો તો લડાઈ આપો અને તમે હરીફ કરતા નબળા હો તો લડવા જશો તો જે છે એ પણ ગુમાવશો
આથી સન ત્ઝૂ કહે છે: પાણીની જેમ બનો, જે પરિસ્થિતિ અનુસાર માર્ગ બદલતા રહેવું. અર્થાત તમે લડત હારવાના હોય તો ફટાફટ માર્ગ બદલી નાખો જગતના બધા યુદ્ધ છેતરપિંડી પર આધારિત છે અને દુશ્મનને ભ્રમમાં રાખવા જોઈએ : જેમ કે તમે નબળા હો ત્યારે મજબૂત દેખાવો અને મજબૂત હો ત્યારે નબળા...

સન ત્ઝૂ નવ પ્રકારની વિષમ પરિસ્થિતિનું વર્ણન કરે છે અને અંતે લખે છે, જ્યાં તમે ફસાયેલા છો એ દુનિયામાંથી બહાર નીકળવાની લડાઈ અને અંતિમ લડાઈ એટલે જ્યાં અસ્તિત્વ માટેનો જંગ છે... ઈરાન હોય કે યુક્રેન.. એ બન્ને અસ્તિત્વ માટે લડી રહ્યા છે. જીવનમરણ આખી વાતનો બોધપાઠ એટલો જ છે: પરિસ્થિતિને જાણ્યા પછી તમારી વ્યૂહરચના બનાવો; દરેક માર્કેટ અને યુદ્ધ માટે અલગ રણનીતિ અપનાવો.

એકબીજાને પાડી નાખવા પડોશી દુકાનદારથી માંડીને દેશો વચ્ચે લડાઈ ચાલતી હોય છે અને બરબાદ થઇ જતા કેટલાય વેપારીઓને જોયા છે. આપણી નજર સામે પાકિસ્તાનને બરબાદ થતા જોયું છે. રશિયા જેવો દેશ એક નાનકડા યુક્રેન સામે લડતા થાકી ગયો છે. અમેરિકા વિયેતનામ અને અફઘાનિસ્તાનમાં હાંફી ગયું હતું.

સન ત્ઝુનું આર્ટ ઓફ વોર કહે છે કે વિજય મેળવવા જબરદસ્ત લડાઈ કરો અથવા માર્કેટમાં ટકવા સંઘર્ષ કરજો. એ હરીફાઈના અંતે ટકી રહેવાની તાકાત રાખજો, નહીંતર એ આગ તમને જ ભરખી જશે બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની અને જાપાન ખતમ થઇ ગયા હતા.

અંતિમ અધ્યાયમાં આ ચીની લેખક એક જ વાત પર મહત્ત્વ આપે છે કે માહિતીની શક્તિ પર ધ્યાન આપો. આ સ્ત્રોત થકી માહિતીનો ઉપયોગ અને વિશ્ર્લેષણ કરીને ઉપયોગ કરતા શીખો. માહિતી એકઠી કરવાથી કલ્યાણ નહીં થાય પણ આ ખર્ચાળ વિષય માટે ઇન્વેસ્ટમેન્ટ કરો ઈરાને એક જ કામ કર્યું. અમેરિકાને માહિતી આપતા અબજો ડૉલરના સાધનોને બરબાદ કરી નાખ્યા. ક્રૂર દુનિયામાં ટકી રહેવું હોય તો નાગરિકોને તૈયાર કરો, ઇરાન અને ઇઝરાયલ વર્ષોથી તૈયાર કરે છે. 

ફાઈનલી, શ્રેષ્ઠ જીત એ છે જે લડ્યા વિના મળે. અમેરિકા પાસે તક હતી પણ આવડ્યું નહીં. જ્યાં દુશ્મન મજબૂત હોય ત્યાં બચો, જ્યાં નબળો હોય ત્યાં પ્રહાર કરો. ઈરાને અમેરિકાના અનેક મહત્ત્વના વ્યૂહાત્મક થાણા, પેટ્રોલિયમ મથકો અને ઓફિસોને ટાર્ગેટ કર્યા.

વાત લડાઈની છે, પણ આપણે એમાંથી બોધપાઠ શીખવાનો છે. આપણી આસપાસ દુશ્મનોની ખોટ નથી પણ કેવી રીતે લડવું એ ઈરાન જેવા દેશ પાસેથી શીખવું જોઈએ અને એ પણ ઇઝરાયલ કે અમેરિકા પાસેથી હાઈ ટેક હથિયારો ખરીદીને. સન ત્ઝૂનું આર્ટ ઓફ વોર આપણને વિચારવા મજબૂર કરે છે કે આજના વિશ્વમાં શક્તિ કરતાં બુદ્ધિ વધુ મહત્ત્વની છે. ઈરાન આર્ટ ઓફ વોરને અનુસરીને દુનિયાને બતાવી રહ્યું છે કે નાનો પક્ષ પણ મોટા પક્ષને થકવી શકે છે. આ યુદ્ધ કોણ જીતશે એ નક્કી કરવાનું હજુ બાકી છે, પરંતુ એક વાત નક્કી છે કે જે પક્ષ સન ત્ઝૂને વધુ સારી રીતે સમજશે તે જ વાસ્તવમાં જીતશે.  
                  
ધ એન્ડ: 
સન ત્ઝૂના શબ્દોમાં: જીત એ યુદ્ધમાં નથી, જીત એ મનમાં હોય છે.