ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે સમગ્ર વિશ્વની નજર અત્યારે મિડલ ઈસ્ટ પર મંડાઈ રહી છે. પરંતુ આ યુદ્ધ માત્ર બે દેશો વચ્ચેનું નથી, કારણ કે આને કારણે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર દાવ પર લાગ્યું છે. આનું મુખ્ય કારણ છે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'. ઈરાન પાસે આ એક એવું હથિયાર છે જેનાથી તે દુનિયાભરના તેલ પુરવઠાને રોકી શકે છે અને દુનિયાને તેની સામે ઝૂકાવી શકવાનું સામર્થ્ય ધરાવે છે. જો હજી થોડાક સમય સુધી પરિસ્થિતિ આવી જ રહી તો પરિસ્થિતિ હજી વધારે વણસી શકે છે.
મળતી માહિતી મુજબ હાલમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં 700 જેટલા ટેન્કર ફસાયેલા છે અને આને કારણે આશરે 86 ટકા જેટલો નોર્મલ ઈસ્ટ વેસ્ટ ક્રુડ ટ્રાફિક થંભી ગયું છે. અમેરિકા અને ઈઝરાયેલ સાથેના ચાલી રહેલાં સંઘર્ષને ધ્યાનમાં લઈને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવાની જાહેરાત કરતાં ચેતવણી આપી હતી કે જો કે આ રૂટથી પસાર થવાની કોશિશ કરનાર જહાજને આગને હવાલે કરી દેવામાં આશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આખરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનની પકડ આટલી મજબૂત કઈ રીતે છે અને અન્ય અખાતી દેશો ત્યાં પોતાની શક્તિનો પરિચય કેમ નથી આપી શકતા...
દુનિયા માટે 'લાઈફલાઈન' છે આ રસ્તો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ ઓમાન અને ઈરાન વચ્ચે આવેલો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. આ રસ્તો જ પર્સિયન ગલ્ફને ઓમાનની ખાડી અને અરબ સાગર સાથે જોડાવાનું કામ કરે છે. દુનિયાનું 20 ટકાથી 30 ટકા ક્રુડ ઓઈલ દરરોજ આ જ રસ્તા પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત અને યુએઈ જેવા દેશો પોતાનું તેલ દુનિયાને વેચવા માટે આ એકમાત્ર રસ્તા પર આધાર રાખે છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનું વર્ચસ્વ કેમ છે?
હવે આવીએ મુદ્દા પર અને વાત કરીએ કે આખરે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો દબદબો કેમ છે એની તો ભૌગોલિક રીતે આ રસ્તાનો ઉત્તરી ભાગ ઈરાનના નિયંત્રણ હેઠળ છે. ઈરાન પાસે એવી ક્ષમતા છે કે તે ખૂબ જ સરળતાથી આ સાંકડા રસ્તામાં સુરંગો (Mines) બિછાવી શકે છે કે પછી પોતાની નૌકાસેના દ્વારા જહાજોને રોકી શકે છે. જો ઈરાન આ રસ્તો બંધ કરી દે, તો દુનિયામાં તેલના ભાવ રાતોરાત આસમાને પહોંચી શકે છે, જેનાથી વૈશ્વિક આર્થિક મંદી આવી શકે છે.
અન્ય ગલ્ફ કન્ટ્રીઝ કેમ પાછળ રહે છે?
સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફના દેશો પાસે વિપુલ પ્રમાણમાં તેલનો પુરવઠો તો ઉપલબ્ધ છે, પરંતુ તેમની પાસે તેલની નિકાસ કરવા માટે અન્ય બીજો કોઈ મોટો દરિયાઈ વિકલ્પ નથી. વાત કરીએ પાઈપલાઈન દ્વારા તેલનો પુરવઠો કરવાની તો આ પદ્ધતિ અત્યંત ખર્ચાળ છે અને તે દરિયાઈ જહાજો જેટલું તેલ વહન કરી શકતી નથી. બસ આ જ કારણ છે કે ઈરાન સાથે દુશ્મની હોવા છતાં આ દેશો ઈરાન પર સીધો હુમલો કરતા ડરે છે, કે ખચકાય છે.
જગત જમાદાર અમેરિકાનો શું છે રોલ?
અમેરિકાની આ બધામાં શું ભૂમિકા છે એ વિશે જણાવવાનું થાય તો અમેરિકાના નૌકાદળ દ્વારા આ વિસ્તારમાં હંમેશા અહીં પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી તેલનો પુરવઠો કોઈ પણ સંજોગોમાં અટકે નહીં. જોકે, તેમ છતાં ઈરાન દ્વારા અનેક વખત એવી ધમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેના પર હુમલો કરવામાં આવશે, તો તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બ્લોક કરી દેશે. ટૂંકમાં કહેવાનું થાય તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ એક એવું 'ચોક પોઈન્ટ' છે જે દુનિયાના તમામ દેશો માટે ખૂબ જ મહત્ત્વનું છે.
ભારત પર આની શું અસર જોવા મળશે?
હવે વાત કરીએ કે આની ભારત પર શું અસર જોવા મળી શકે છે એની જો તમારી જાણકારી માટે કે ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ જ રસ્તાના માધ્યમથી મિડલ ઈસ્ટના દેશો પાસેથી મેળવે છે. હવે જો આ રસ્તો બંધ થઈ જાય કે પછી અહીં સ્થિતિ તણાવજનક થાય, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે અને આની અસર સીધેસીધી આમ આદમીના ખિસ્સા પર જોવા મળશે.