નવી દિલ્હીઃ વર્તમાન સપ્તાહે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવની વધઘટ, પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવની સ્થિતિ અને સપ્તાહ દરમિયાન જાહેર થનારા ફુગાવાના ડેટાની બજારની વધઘટ પર અસર જોવા મળે તેવી શક્યતા વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા હતા. વધુમાં દરિયાઈ માર્ગ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પૂર્વવત્ અથવા તો વિક્ષેપિત રહેવાના અહેવાલો, સ્થાનિક બજારમાં વિદેશી રોકાણકારોની લે-વેચ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળાના જાહેર થનારા પરિણામોની પણ બજાર પર અસર જોવા મળશે, એવું વિશ્લેષકોનું માનવું છે.
સપ્તાહ દરમિયાન સ્થાનિક સ્તરે જાહેર થનારા જુલાઈ મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા પર રોકાણકારોની નજર મંડાયેલી રહેશે. તેમ જ ગત શુક્રવારે મોડી સાંજે જાહેર થયેલા વિદેશી હૂંડિયામણની અનામતમાં થયેલા 10 અબજ ડૉલરના વધારાને કારણે જોવા મળેલી બાહ્ય ક્ષેત્રની સ્થિરતાની બજાર પર અસર રહેશે. આ સિવાય સપ્તાહ દરમિયાન હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ., ભારત ફોર્જ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને ટાટા મોટર્સ જેવી કંપનીઓનાં પરિણામોની જાહેરાત થનારી હોવાથી પરિણામોની પણ બજાર પર અસર જોવા મળશે, એમ રેલિગેર બ્રોકિંગ લિ.નાં સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું.
વધુમાં વૈશ્વિક સ્તરે બજાર વર્તુળોની મીટ સ્ટ્રેટ હોર્મુઝ રાબેતા મુજબ થવા માટે થઈ રહેલી પ્રગતિ, ક્રૂડતેલની વધઘટ અને ઈરાન સાથેની ભૂરાજકીય તણાવ હળવો કરવા માટે થઈ રહેલી વાટાઘાટો પર અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું. વર્તમાન સપ્તાહે મુખ્યત્વે મધ્યપૂર્વના દેશોમાં તણાવ હળવો થવાની દિશાની પ્રગતિ અને જુલાઈ મહિનાના અમેરિકાનાં ફુગાવાના ડેટા પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી રહેશે અને તેમાં પણ ઈરાનની ઓમાન સાથેની સ્ટ્રેટ ઑફ હોર્મુઝને ધ્યાનમાં રાખીને થતી વાટાઘાટો કેન્દ્ર સ્થાને રહેશે, એમ ઓનલાઈન ટ્રેડિંગ અને વૅલ્થટેક કંપની એનરિચ મનીના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું.
દરમિયાન ગત સપ્તાહે અથવા તો ઑગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 12,921 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી. તેમ જ ગત સપ્તાહે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ સાપ્તાહિક ધોરણે 404.53 પૉઈન્ટ અથવા તો 0.51 ટકા વધીને અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 187.05 પૉઈન્ટ અથવા તો 0.76 ટકા વધીને બંધ રહ્યો હતો. ગત સપ્તાહે નવાં ક્લોઝિંગ ઑક્શન સેશન (સીએએસ) અને એફ ઍન્ડ ઑ સ્ટોકનાં માળખાંમાં ફેરફાર અમલી બનાવાયા હતા તેમ જ રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસીની બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખવા અંગે લીધેલા નિર્ણયની બજાર પર અસર રહેતાં ભારે ચંચળતાને અંતે પણ બજાર સુધારાના અન્ડરટોને બંધ રહ્યું હોવાનું અજિત મિશ્રાએ ઉમેર્યું હતું.
તે જ પ્રમાણે સ્વસ્તિકા ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે ગત સપ્તાહનું મુખ્ય કેન્દ્ર બિંદુ ક્લોઝિંગ ઑક્શન સેશન (સીએએસ) જ રહ્યું હતું, જ્યારે વર્તમાન સપ્તાહે આગામી 12મી ઑગસ્ટે ભારતનાં જુલાઈ મહિનાના ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં અને 14મી ઑગસ્ટે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટાની જાહેરાત થનારી હોવાથી આર્થિક દૃષ્ટિએ સપ્તાહ મહત્ત્વનું છે. આ સિવાય વૈશ્વિક સ્તરે આગામી 12મી અને 13મી ઑગસ્ટના રોજ અમેરિકાના અનુક્રમે ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ અને પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટાની જાહેરાત થનાર છે.