યુએસ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવરજવર શરુ થઇ છે. અહેવાલ મુજબ ગઈ કાલે ગુરુવારે ચાર ઓઈલ ટેન્કર અને ત્રણ બલ્ક કેરિયર્સ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થયા હતા. યુદ્ધવિરામની જાહેરાત પછી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયેલા જહાજોની કુલ સંખ્યા 12 થઈ છે.
8 એપ્રિલના રોજ યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે અઠવાડિયાનાં યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી, આ સમયગાળા દરમિયાન બંને પક્ષો વચ્ચે સંઘર્ષનો અંત લાવવા માટે વાટાઘાટો થશે. ઈરાન તેના સશસ્ત્ર દળોની દેખરેખ હેઠળ જહાજોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી આપી રહ્યું છે. ઈરાનની સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ ચાલુ રાખશે.
સામાન્ય રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી દરરોજ 100 થી વધુ જહાજો પસાર થતા હોય છે.
એક જહાજ પરત ફર્યું:
શિપ-ટ્રેકિંગ ડેટા અનુસાર, લિક્વિફાઇડ નેચરલ ગેસ ભરીને જઈ રહેલા બોત્સ્વાના-ધ્વજવાળા ટેન્કર નિદી રિવોલ્યુશનરી ગાર્ડએ સુચવેલા માર્ગ દ્વારા પર્સિયન ગલ્ફમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શુક્રવારે વહેલી સવારે અચાનક પરત ફર્યું હતું.
ટ્રમ્પના ઈરાન પર આરોપ:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનના નિયંત્રણથી નારાજ છે, તેમણે આરોપ લગાવ્યો છે કે ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પસાર થવા માટે જહાજો પાસેથી ટોલ વસૂલી રહ્યું છે. ગુરુવારે સાંજે, ટ્રમ્પે યુદ્ધવિરામ ટકશે કે નહીં એના પર પણ શંકા વ્યક્ત કરી.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "ઈરાન ખૂબ જ ખરાબ કામ કરી રહ્યું છે, આ અપમાનજનક છે.”
ટ્રમ્પે કહ્યું, "એવા અહેવાલો છે કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ટેન્કરો પાસેથી ફી વસૂલ કરી રહ્યું છે - તેઓ એવું ન કરે તો સારું!"