Tue Aug 25 2026

Logo

ફિલ્મ ધૂરંધરના ગીત પર શિખર ધવન અને તેની દુલ્હનિયાનો ડાન્સ થઈ રહ્યો છે વાઈરલ...

2026-02-23 20:24:00
Author: Darshana Visaria
ફિલ્મ ધૂરંધરના ગીત પર શિખર ધવન અને તેની દુલ્હનિયાનો ડાન્સ થઈ રહ્યો છે વાઈરલ...

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર અને ગબ્બર તરીકે ઓળખાતા ક્રિકેટર શિખર ધવને પોતાના લાઈફની સેકન્ડ ઈનિંગ શરૂ કરી છે. શિખર ધવને પોતાની ગર્લફ્રેન્ડ સોફી શાઈન સાથે લગ્નબંધનમાં બંધાઈ ચૂક્યો છે અને બે દિવસ પહેલાં એટલે કે 21મી ફેબ્રુઆરીના રોજ દિલ્હી એનસીઆરમાં લગ્ન વિધિ બાદ કપલે એક શાનદાર રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું હતું. આ રિસેપ્શનમાં ક્રિકેટ અને મનોરંજન જગતના અનેક દિગ્ગજ ચહેરાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે દિલ્હીની આ સાંજ વધુ યાદગાર બની ગઈ હતી.

દિલ્હી ખાતે યોજાયેલા શિખર ધવન અને સોફીના રિસેપ્શનની સૌથી મોટી હાઈલાઈટ શિખર અને સોફીનો ડાન્સ રહ્યો હતો. ન્યુલી વેડ કપલે ફિલ્મ 'ધુરંધર' ના લોકપ્રિય ગીત 'શરારત' પર મન મૂકીને ડાન્સ કર્યો હતો અને આ ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં બંને ખૂબ જ ખુશ અને રિલેક્સ મૂડમાં જોવા મળે છે. આ ઉપરાંત, અલી બ્રધર્સની ગઝલ પરફોર્મન્સે આ ઉજવણીમાં એક સૂફી અને આરામદાયક ટચ ઉમેર્યો હતો.

રિસેપ્શન માટે શિખર ધવન બ્લેક સૂટ પહેર્યો હતો અને આ સૂટમાં ગબ્બર એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો, જ્યારે સોફી શાઈને વ્હાઈટ સ્કર્ટ અને હેવી વર્કવાળા ક્રોપ ટોપમાં પોતાની સુંદરતાના કામણ પાથર્યા હતા. સ્પોર્ટ્સ એન્કર શેફાલી બગ્ગાએ પણ આ રિસેપ્શનની તસવીરો શેર કરી કપલને શુભેચ્છા પાઠવી હતી.

શિખર અને સોફીના લગ્નમાં ભારતીય ક્રિકેટ ટીમનું રિયુનિયન થઈ રહ્યું હોય. આ મહેફિલમાં નીચે મુજબના સિતારાઓ જોવા મળ્યા હતા. આ રિસેપ્શનમાં શર્માજી કા બેટા એટલે કે રોહિત શર્મા અને રિતિકા સજદેહ, યુવરાજ સિંહ, હાર્ડી સંધુ, રાહુલ દ્રવિડ, રિષભ પંત, ઈશાન કિશન, સુરેશ રૈના, આશિષ નેહરા અને નિખિલ ચોપરા જેવી હસ્તીઓએ હાજરી આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે લગ્ન પહેલાં જ શિખર અને સોફીએ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલા આઉટફિટ્સમાં પોતાની તસવીરો 'મિસ્ટર એન્ડ મિસીસ ધવન' કેપ્શન સાથે શેર કરી હતી. મે, 2025માં પોતાનો સંબંધ જાહેર કર્યા બાદ અને 12મી જાન્યુઆરીએ સગાઈની જાહેરાત કર્યા પછી આખરે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. રણવીર સિંહ અને વિરાટ કોહલી સહિત અનેક સેલેબ્સે સોશિયલ મીડિયા પર આ જોડીને નવા જીવનની શુભેચ્છા આપવી હતી.