નિલેશ વાઘેલા
મુંબઇ: ગિફટ નિફ્ટી તરફથી મળેલા સકારાત્મક સંકેતો અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારો સંભવિત રિકવરી માટે તૈયાર છે. ટ્રમ્પે ફરી એકવાર યુદ્ધ સમાપ્તીનો સંકેત આપ્યો હોવાથી યુએસ-ઈરાન તણાવમાં ઘટાડો થવાની સંભાવના છે, જ્યારે બીજી તરફ યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો હોવાથી આ સંભાવનાને વધુ ટેકો મળી રહ્યો છે. જો ટ્રમ્પે એપ્રિલ ફૂલ બનાવવાનો ઇરાદો ના રાખ્યો હોય તો બુધવારે બજાર સુધારા સાથે શરૂઆત કરશે. જોકે, આ આશાવાદ છતાં, વિદેશી રોકાણકારોનો આઉટફ્લો અને રૂપિયાની નબળાઇ જોતાં બજારમાં સાવચેતીનો માહોલ રહેવાની શક્યતા છે.
મંગળવારે મહાવીર જયંતિને કારણે ભારતીય શેરબજારો મંગળવારે બંધ રહ્યા હતા. જોકે, પહેલી એપ્રિલે બજારો ખુલે ત્યારે થોડી રાહત જોવા મળે તેવી અપેક્ષા છે. એક અહેવાલમાં અનુસાર ટ્રમ્પે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલાવવાની જીદ પડતી મૂકીને યુદ્ધ સમાપ્ત કરવાની તૈયારી જાહેર કરી છે. આ અહેવાલને પગલે ખૂલતા સત્રમાં ૨૪૦ પોઇન્ટ ઊછળીને ગિફ્ટ નિફ્ટી મંગળવારે સવારે ૧૧:૧૦ વાગ્યે ૮૭ પોઈન્ટના સુધારા સાથે ૨૨,૫૨૨ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
શેરબજારને સુધારાની ચાલ માટે પ્રેરિત કરનાર બીજુ મુખ્ય કારણ ક્રૂડ ઓઇલનો ઘટાડો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને ૧૧૧ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. મંગળવારે ઓઇલ ફ્યુચર્સ એક ટકાથી વધુ ઘટ્યો, જે ભારતીય શેરબજારો માટે આજે ગેપ-અપ ઓપનિંગની અપેક્ષાઓને વધુ ટેકો આપે છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૧૯ માર્ચ પછીના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યાના એક દિવસ પછી, પ્રતિ બેરલ ૧૧૧ ડોલર સુધી પાછો ફર્યો હતો. દરમિયાન ડબલ્યુટીઆઇ ક્રૂડ ઘટીને ૧૦૨ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું.
આ દરમિયાન વધુ એક મહત્ત્વના કારણમાં બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો હતો. બેન્ચમાર્ક યુએસ ૧૦-વર્ષનું યીલ્ડ ત્રણ દિવસમાં પ્રથમ વખત ઘટી ગયું, જે ૯.૬ બેસિસ પોઈન્ટ ઘટીને ૪.૩૪૪ ટકા બોલાયું હતું. આ આંકડો ઓગસ્ટની શરૂઆત પછીના તેના સૌથી મોટા દૈનિક ઘટાડા માટે સંકેત આપે છે. જોકે, મહિના માટે, ૧૦-વર્ષનું યીલ્ડ ૩૮ બેસિસ પોઇન્ટ વધ્યું છે, જે ડિસેમ્બર ૨૦૨૪ પછીનો તેમનો સૌથી મોટો માસિક વધારો છે. યુએસ બે-વર્ષનું યીલ્ડ, જે વ્યાજ દરની અપેક્ષાઓને પ્રતિબિંબિત કરે છે, તે ૮.૮ બેસિસ પોઇન્ટ ઘટીને ૩.૮૨૮ ટકા બોલાયું હતું.
જેમ જેમ બોન્ડ યીલ્ડ વધે છે, તેમ તેમ તે સરકારી બોન્ડને શેરો કરતાં વધુ આકર્ષક બનાવે છે, જે ઇક્વિટી બજારો માટે ઘટાડાની સંભાવના બનાવે છે. મંગળવારે સવારે ૭.૨૦ વાગ્યે ગિફ્ટ નિફ્ટી ૨૪૦ પોઈન્ટથી વધુ વધીને ૨૨,૬૭૨ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ભારતીય શેરબજારો મહાવીર જયંતીના કારણે બંધ રહ્યા હતાં.
ખૂલતા સત્રમાં એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી હતી, જેમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ત્રણ ટકાથી વધુ ઘટ્યો હતો અને ચીનનો તાઇવાન વેઇટેડ બે ટકાથી વધુ ઘટ્યો હતો. દરમિયાન, જાપાનનો નિક્કી મંગળવારે લગભગ એક ટકા ઘટ્યો હતો. યુરોપિયન બજારો સોમવારે ડાર્ક ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જેમાં યુકેનો ફૂટસી લગભગ ૧.૬ ટકા વધ્યો હતો. જર્મનીનો ડેક્સ અને ફ્રાન્સનો સીએસી લગભગ એક ટકા વધ્યો હતો. જોકે, સોમવારે વોલ સ્ટ્રીટ મોટાભાગે રેડ ઝોનમાં બંધ થયા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૦.૧૧ ટકા વધ્યો, એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ ૦.૩૯ ટકા ઘટીને ૬,૩૪૪ પર અને નેસ્ડેક કમ્પોઝિટ ૦.૭૩ ટકા ઘટીને ૨૦,૭૯૫ પર બંધ રહ્યો હતો.