વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 1983.18 કરોડની ચોખ્ખી વેચવાલી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પાકિસ્તાનના ઈસ્લામાબાદ ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચેની 21 કલાક લાંબી ચાલેલી શાંતિ મંત્રણા ગઈકાલે પડી ભાંગી હોવાના નિર્દેશો સાથે ફરી પશ્ચિમ એશિયાના વિવાદના ઉકેલ સહિત હોર્મુઝ દરિયાઈ માર્ગ ખૂલવા અંગેની અનિશ્ચિતતા સપાટી પર આવતા આજે ક્રૂડતેલના ભાવ 7.73 ટકા ઉછળીને બેરલદીઠ 102.6 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ભારત સહિતના વૈશ્વિક બજારોમાં કડાકા બોલાઈ ગયા હતા. આજે સ્થાનિકમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં સત્ર દરમિયાન એક તબક્કે 1681.93 પૉઈન્ટનો કડાકો બોલાઈ ગયા બાદ અંતે આગલા બંધ સામે 702.68 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન 495 પૉઈન્ટ ગબડ્યા બાદ અંતે 207.95 પૉઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જોકે, આવતીકાલે બજાર બાબાસાહેબ આંબેડકર જયંતી નિમિત્તે બંધ રહેનાર છે.
વધુમાં ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 672.09 કરોડની લેવાલી જોવા મળ્યા બાદ આજે રૂ. 15,382.09 કરોડની ખરીદી સામે રૂ. 17,365.27 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 1983.18 કરોડની ચોખ્ખી વેચવાલી જોવા મળી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 16,612.03 કરોડની ખરીદી સામે રૂ. 14,179.73 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 2432.30 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનું બૉમ્બે સ્ટોક એક્સચેન્જે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું હતું.
બીએસઈની આંકડાકીય માહિતી અનુસાર ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 672.09 કરોડની ચોખ્ખી લેવાલી રહી હતી.આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગત શુક્રવારના 77,550.25ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 75,937.16ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 75,868.32 અને ઉપરમાં 77,063.41ની રેન્જમાં અથડાઈને અંતે 0.91 ટકા અથવા તો 702.68 પૉઈન્ટના ઘટાડા સાથે 76,847.57ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 24,050.60ના બંધ સામે 23,589.60ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 23,555.60 અને ઉપરમાં 23,907.40ની રેન્જમાં રહીને અંતે 0.86 ટકા અથવા તો 207.95 પૉઈન્ટના ઘટાડા સાથે 23,842.65ના મથાળે બંધ રહ્યો હતો.
ગત સપ્તાહના અંતે યુદ્ધ વિરામ સાથે અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ મંત્રણામાં પશ્ચિમ એશિયાના વિવાદનો અંત આવે તેવા આશાવાદ સાથે બ્લ્યુચીપ શૅરોમાં ઘટ્યા મથાળેથી લેવાલીનો સંચાર થતાં બજારમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ગઈકાલે શાંતિ મંત્રણા પડી ભાંગવાની સાથે અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બ્લોક કરવાની જાહેરાત કરતાં વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ફરી વધીને બેરલદીઠ 100 ડૉલરની સપાટી પાર કરી ગયા હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.ના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવતાં ઉમેર્યું હતું કે ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવામાં વધારો, ચલણોમાં સ્થિરતા અને વૈશ્વિક આર્થિક સમતુલન ખોરવાઈ જવાની ચિંતા સપાટી પર આવતાં ભારત સહિતનાં બજારો દબાણ હેઠળ આવ્યા હતા.
તે જ પ્રમાણે રેલિગેર બ્રોકિંગ લિ.ના રિસર્ચ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડૅન્ટ અજિત મિશ્રાએ જણાવ્યું હતું કે શાંતિ મંત્રણા પડી ભાંગવાથી પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય તણાવ સપાટી પર આવતાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવવાથી વૈશ્વિક બજારો પર માઠી અસર પડી છે. બૉમ્બે સ્ટોક એક્સચેન્જની આંકડાકીય માહિતી અનુસાર આજે કુલ 4564 શૅરોમાં કામકાજ થયા હતા, જેમાંથી 1790 શૅરના ભાવ વધીને, 2573 શૅરના ભાવ ઘટીને અને 201 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 126 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 47 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચતા કુલ 10 શૅરમાં ઉપલી અને 13 શૅરમાં નીચલી સર્કિટ લાગી હતી. વધુમાં આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી માત્ર આઈસીઆઈસીઆઈ, એનટીપીસી અને એક્સિસ બૅન્કનાં શૅરના ભાવમાં અનુક્રમે 2.16 ટકાનો, 1.54 ટકાનો અને 0.17 ટકાનો સુધારો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય 27 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા જેમાં મુખ્યત્વે મારુતિ સુઝુકીમાં 4.61 ટકાનો, બજાજ ફાઈનાન્સમાં 2.80 ટકાનો, ઈન્ડિગોમાં 2.78 ટકાનો, રિલાયન્સમાં 2.64 ટકાનો, ટીસીએસમાં 2.05 ટકાનો અને એચડીએફસી બૅન્કમાં 2.02 ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી 39 શૅરના ભાવ ઘટીને, 10 શૅરના ભાવ વધીને અને એક શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા.
આજે બીએસઈ ખાતે મિડકેપ ઈન્ડેક્સમાં 0.82 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.33 ટકાનો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં ઑટો ઈન્ડેક્સમાં સૌથી વધુ 2.10 ટકાનો ઘટાડો આવ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે એનર્જી ઈન્ડેક્સમાં 1.34 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.31 ટકાનો, ઑઈલ ઍન્ડ ગૅસ ઈન્ડેક્સમાં 1.25 ટકાનો, ક્નઝ્યુમર ડિસ્ક્રેશનરી ઈન્ડેક્સમાં 1.21 ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં 1.17 ટકાનો અને બીએસઈ ફોકસ્ડ આઈટી ઈન્ડેક્સમાં 1.02 ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ટેલિકોમ્યુનિકેશન, યુટિલિટી અને પાવર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હતું.
વધુમાં આજે એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી 225 ઈન્ડેક્સ અને હૉંગકૉંગનો હૅંગસૅંગ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યા હતા, જ્યારે શાંઘાઈના એસએસઈ કોમ્પોઝિટ ઈન્ડેક્સમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. તેમ જ યુરોપનાં બજારોમાં પણ મધ્યસત્ર દરમિયાન નરમાઈનું વલણ જોવા મળ્યું હતું. તેમ જ આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાવન પૈસાના ઘટાડા સાથે 93.35 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાના અહેવાલ હતા.