Wed Oct 14 2026

Logo

કવર સ્ટોરીઃ એલટીસીજી-એસટીટી ઘટવાની આશા કે ગાજરની પીપૂડી?

2026-10-14 07:29:00
Author: Nilesh Waghela
કવર સ્ટોરીઃ એલટીસીજી-એસટીટી ઘટવાની આશા કે ગાજરની પીપૂડી?

નિલેશ વાઘેલા

શેરબજાર એકથી વધુ પરિબળો સામે ઝઝૂમી રહ્યું હતું એવામાં મંગળવારે સેન્સેક્સે 1100 પોઇન્ટની છલાંગ લગાવીને ખૂદ શેરબજારીયાઓને પણ અચંબામાં નાંખી દીધાં! એકાએક એવું શું થયું? શું ઇરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયરના એહેવાલ આવ્યાં? શું ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ 80 ડૉલરની આસપાસ પહોંચી ગયા? શું રશિયા પાસેથી ભારતને ક્રૂડ ઓઇલનો મોટો જથ્થો સસ્તા ભાવે આયાત કરવાની તક મળી ગઇ? 

જી, નહીં! બજારમાં તેજીના ઉછાળાનું કારણ એ છે કે સરકારે એલટીસીજી અને એસટીટી જેવા બજારની તેજીને કનડતા કરવેરામાં રાહતની આશા જગાવી છે. વાત જાણે એમ છે કે, ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે લાંબા ગાળાના મૂડીલાભ વેરા (એલટીસીજી) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)નો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટની તૈયારી પહેલાં આ કરવેરા અંગે વિવિધ હિતધારકોનાં સૂચનો સાંભળવાની સરકારની તૈયારી દર્શાવી છે. આ નિવેદનથી રોકાણકારોમાં આશા જાગી છે કે આગામી કેન્દ્રીય બજેટમાં મૂડીબજારને વધુ પ્રોત્સાહન આપતા નિર્ણયો લેવામાં આવી શકે છે. જોકે, ખાસ નોંધવું રહ્યું કે હાલ કોઈ સત્તાવાર કરવેરા ફેરફારની જાહેરાત થઈ નથી.

કરવેરાના વર્તમાન નિયમો

જુલાઈ 2024ના કેન્દ્રીય અંદાજપત્રમાં સરકારે લિસ્ટેડ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી મળતા લાંબા ગાળાના મૂડીલાભ પરનો કરવેરાનો દર દસ ટકાથી વધારીને 12.5 ટકા કર્યો હતો. એ સાથે જ, વાર્ષિક કરમુક્તિની મર્યાદા એક લાખ રૂપિયાથી વધારીને 1.25 લાખ રૂપિયા જાહેર કરવામાં આવી હતી. 

આ નિયમો હેઠળ સામાન્ય રીતે 12 મહિનાથી વધુ સમય સુધી રાખેલા લિસ્ટેડ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના પાત્ર લાંબા ગાળાના મૂડીલાભ પર 12.5 ટકા કર લાગુ પડે છે. નાણાકીય વર્ષ દરમિયાન આવા પાત્ર લાભ હેઠળના પ્રથમ 1.25 લાખ રૂપિયા કરમુક્ત રહે છે. આ ફેરફારોનો હેતુ કરવેરાની વ્યવસ્થાને સરળ બનાવવાની સાથે સરકારી આવક વધારવાનો પણ હતો. પરંતુ રોકાણકારોના એક વર્ગનું માનવું છે કે લાંબા ગાળાના રોકાણ પર કરવેરાનો ઊંચો દર તેમની ચોખ્ખી કમાણી ઘટાડે છે. 

ખાસ કરીને મધ્યમ વર્ગના નાના રોકાણકારો માટે કરવેરાની નીતિ માત્ર આવકનો સ્રોત નથી, પરંતુ બચત અને રોકાણ અંગેના નિર્ણયોને પ્રભાવિત કરતું પરિબળ પણ છે. આ નિર્ણયની વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) પર ખૂબ જ નકારાત્મક અસર પડી અને ત્યારથી આ વર્ગે એકધારી વેચવાલી ચાલુ રાખી છે, જેને કારણે શેરબજારમાં સતત જોરદાર ધોવાણ જોવા મળ્યું છે. 

રોકાણકારોના અવાજને મહત્ત્વ

કરવેરા અંગેનો ઉહાપોહ સરકાર સુધી પણ પહોંચ્યો હોવો જોઇએ અને આથી જ, એક ટોચની સમાચાર સંસ્થાની પરિષદમાં નાણાં પ્રધાને જણાવ્યું હતું કે સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારોએ એલટીસીજી અને એસટીટી અંગે પોતાનાં મંતવ્યો રજૂ કર્યા છે. બજેટ અંગેની ચર્ચા દરમિયાન આ મુદ્દાઓનું મૂલ્યાંકન કરવું સ્વસ્થ અને આવકારદાયક પ્રક્રિયા છે.

સરકારનું આ વલણ મહત્ત્વનું છે, કારણ કે કરવેરાની નીતિ ઘડતી વખતે માત્ર સરકારી આવકને જ નહીં, પરંતુ બજારની સ્પર્ધાત્મકતા, રોકાણકારોનો વિશ્ર્વાસ અને લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિને પણ ધ્યાનમાં લેવું આવશ્યક હોય છે. 

એસટીટીમાં ફેરફારની શક્યતા અંગે પણ બજારના સહભાગીઓમાં ચર્ચા ચાલી રહી છે. આ કરવેરો શેર અને અન્ય નિર્ધારિત સિક્યોરિટીઝના વ્યવહારો પર લાગુ પડે છે. તેનો દર અને માળખું ટ્રેડિંગના ખર્ચ તથા બજારની પ્રવૃત્તિઓને અસર કરી શકે છે.

બજારની પ્રતિક્રિયા અને અપેક્ષાઓ

13 ઑક્ટોબર, 2026ના રોજ નાણાં પ્રધાનનાં નિવેદન બાદ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1,100 પોઇન્ટથી મોટો ઉછાળો નોંધાયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ નોંધપાત્ર તેજી જોવા મળી હતી. બજારની આ પ્રતિક્રિયા સૂચવે છે કે રોકાણકારો નીતિગત રાહતની સંભાવનાને કેટલું મહત્ત્વ આપે છે.

પરંતુ બજારની એક દિવસની તેજીને કરવેરામાં ફેરફારની ખાતરી માનવી યોગ્ય નથી. બજાર અનેક પરિબળોથી પ્રભાવિત થાય છે, જેમાં વૈશ્ર્વિક આર્થિક પરિસ્થિતિ, વિદેશી રોકાણનો પ્રવાહ, કંપનીઓનાં પરિણામો અને વ્યાજદરની અપેક્ષાઓનો સમાવેશ થાય છે. આમ છતાં જો કરવેરામાં ઘટાડાની આશા ફળીભૂત થશે તો બજારને મોટો ટેકો મળશે.

સંતુલિત નીતિની જરૂર

વર્ષ 2027ના આગામી અંદાજપત્ર પહેલાં સરકાર પાસે રોકાણકારોની ચિંતાઓનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરવાની તક છે. એલટીસીજીમાં રાહત આપવામાં આવે તો લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન મળી શકે છે. એસટીટી અંગે યોગ્ય સમીક્ષા થાય તો વ્યવહારોના ખર્ચ અને બજારની કાર્યક્ષમતા વચ્ચે સંતુલન સાધી શકાય છે. જોકે, કરવેરામાં ઘટાડો કરતાં પહેલાં સરકારી આવક પર થનારી અસર અને કરવેરાની ન્યાયસંગતતા પણ ધ્યાનમાં લેવી પડશે. 

અંતે, રોકાણકારોને માત્ર રાહતનાં વચનો નહીં, પરંતુ સ્પષ્ટ, સ્થિર અને આગોતરી સમજાય તેવી કરવેરા નીતિની આવશ્યકતા છે. સરકાર હિતધારકોનાં સૂચનોને કેટલું સ્થાન આપે છે તે આગામી બજેટમાં સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ માત્ર એલટીસીજી અને એસટીટીમાં ફેરફારની શક્યતા આશા અને અપેક્ષાનો વિષય છે, સત્તાવાર નિર્ણયનો નહીં.

નાના રોકાણકારો માટે શું મહત્ત્વનું?

એ પણ નોંધવું આવશ્યક છે કે, એલટીસીજી અને એસટીટી અંગેના નિર્ણયોની અસર માત્ર મોટા રોકાણકારો કે સંસ્થાકીય રોકાણકારો પૂરતી મર્યાદિત નથી. આજે મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા પોતાની બચતનું રોકાણ કરે છે.

સામાન્ય રોકાણકારોના શેરબજારમાં રોકાણ કરવા પાછળ અનેક ઉદ્દેશ હોય છે. નિવૃત્તિ માટે ભંડોળ ઊભું કરવું, બાળકોના શિક્ષણ માટે નાણાં બચાવવા અને ભવિષ્યની આર્થિક સુરક્ષા મેળવવા જેવા હેતુઓ માટે તેઓ લાંબા ગાળાનું રોકાણ પસંદ કરે છે. આવી સ્થિતિમાં કરવેરાની નીતિમાં સ્થિરતા અને પારદર્શિતા અત્યંત આવશ્યક બને છે.

સરકારે કરવેરામાં સંભવિત ફેરફારો અંગે નિર્ણય લેતી વખતે નાના રોકાણકારો, બજાર નિષ્ણાતો, બ્રોકરો અને ઉદ્યોગ સંગઠનોનાં સૂચનોને યોગ્ય મહત્ત્વ આપવું જોઈએ. સાથે જ, વારંવાર થતા નીતિગત ફેરફારો ટાળવા જોઈએ, જેથી રોકાણકારો લાંબા ગાળાનું આયોજન વિશ્ર્વાસપૂર્વક કરી શકે. યોગ્ય કરવેરા માળખું રોકાણને પ્રોત્સાહન આપવાની સાથે મૂડીબજારની વિશ્ર્વસનીયતા અને દેશના આર્થિક વિકાસને પણ મજબૂત બનાવી શકે છે.     

બજારની મીટ કરવેરામાં ફેરફારની જાહેરાત પર!

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આગામી બજેટની તૈયારી પહેલાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ (એલટીસીજી) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) અંગે હિતધારકોનાં સૂચનો સાંભળવાની તૈયારી દર્શાવી છે. હાલમાં લિસ્ટેડ ઇક્વિટી શેર અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના પાત્ર લાંબા ગાળાના મૂડીલાભ પર 12.5 ટકા કર લાગુ પડે છે.

નાણાં પ્રધાનના નિવેદન બાદ 13 ઑક્ટોબર, 2026ના રોજ ભારતીય શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી હતી. જોકે, ખાસ નોંધવું રહ્યું કે, કરવેરામાં ફેરફાર અંગે હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. હવે રોકાણકારોની અપેક્ષા છે કે સરકાર બજારની વૃદ્ધિ, નાના રોકાણકારોના હિત અને સરકારી આવક વચ્ચે સંતુલન જાળવતી નીતિ અપનાવશે.