Thu Oct 01 2026

Logo

કુંભ મેળાના બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકીને તે નાણાં દુકાળ રાહત માટે આપોઃ સંજય રાઉત

2026-09-22 18:18:13
Author: Mumbai Samachar Team
કુંભ મેળાના બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકીને તે નાણાં દુકાળ રાહત માટે આપોઃ સંજય રાઉત

મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર સરકારને આગામી નાસિક કુંભ મેળા માટેના 'બિનજરૂરી ખર્ચ'માં કાપ મૂકી તે નાણાં દુષ્કાળ રાહત માટે વાળવાની માગ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મહાવિકાસ આઘાડી (એમવીએ)ના ઘટક પક્ષો સંયુક્ત રીતે આંદોલન કરે તો રાજ્ય સરકાર ખેડૂતોને રાહત આપવાની માગણીઓ સ્વીકારવા મજબૂર થશે. નબળા ચોમાસાને કારણે મહારાષ્ટ્રના ખાસ કરીને મરાઠવાડા અને વિદર્ભના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.

વિપક્ષે સરકાર પાસે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરી રાહતના પગલાં લેવાની માગ કરી છે.બીજી તરફ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ પહેલાં જ ભારપૂર્વક જણાવ્યું હતું કે 'દુષ્કાળ રાહત' માટેના પગલાં પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. એનસીપી(એસપી)ના વડા શરદ પવાર આ મહિનાના અંતમાં દુષ્કાળ જેવી સ્થિતિથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે તેવી શક્યતા છે.

રાઉતે દાવો કર્યો હતો કે સત્તાધારી ભાજપ, શિવસેના અને એનસીપી(એસપી) વચ્ચે દુષ્કાળના મુદ્દે કોઈ સંકલન નથી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેબિનેટમાં આ મુદ્દે યોગ્ય ચર્ચા થઈ રહી નથી અને ખેડૂતોની પીડાનો અવાજ મંત્રાલય સુધી પહોંચી રહ્યો નથી. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક રાહતની જરૂર છે, પરંતુ મુખ્યપ્રધાન આ મુદ્દે મૌન છે.

રાઉતે કહ્યું, 'કુંભ મેળા માટેના માળખાકીય વિકાસના કામો પાછળ 55,000થી 60,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની અત્યારે જરૂર નથી. કુંભ મેળા માટે જેટલો જરૂરી ખર્ચ છે તેટલો કરવામાં આવે અને બાકીના 35,000થી 40,000 કરોડ રૂપિયાને દુષ્કાળગ્રસ્ત લોકો માટે વાળવામાં આવે.' તેમણે વિદર્ભ, મરાઠવાડા, પશ્ચિમ મહારાષ્ટ્ર અને કોંકણને જોડનારા પ્રસ્તાવિત શક્તિપીઠ એક્સપ્રેસવેનું કામ અટકાવવાની પણ માગ કરી હતી. રાઉતે આક્ષેપ કર્યો હતો કે આ માર્ગનું બાંધકામ કોન્ટ્રાક્ટરોને લાભ પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

રાઉતે કહ્યું, 'બિનજરૂરી ખર્ચ અટકાવી ખેડૂતોને રાહત આપવા માટે તે નાણાંનો ઉપયોગ કરવો જોઈએ.' તેમણે કેબિનેટની બેઠકમાં પાણીના ટેન્કરો, પશુઓ માટે ચારા-આશ્રય કેન્દ્રો અને ખાદ્યસામગ્રીના વિતરણ અંગે ચર્ચા કરવાની પણ માગ કરી હતી. રાઉતે વધુમાં કહ્યું, 'જો કેબિનેટમાં દુષ્કાળ અંગે ચર્ચા થવાની હોય તો તેનું જીવંત પ્રસારણ થવું જોઈએ. સરકાર દુષ્કાળની સ્થિતિનો સામનો કેવી રીતે કરી રહી છે તે જનતાને ખબર પડવી જોઈએ.'