Tue Sep 22 2026

Logo

સરકાર યુવાનોથી ગભરાઈ ગઈ છે: સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર

2026-07-20 20:32:28
Author: Mumbai Samachar Team
સરકાર યુવાનોથી ગભરાઈ ગઈ છે: સંજય રાઉતના ભાજપ પર આકરા પ્રહાર

મુંબઈ: પરીક્ષામાં કથિત ગેરરીતિના મુદ્દાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. પ્રદર્શનકારીઓએ સંસદ પર કૂચ કાઢવાની જાહેરાત કર્યા બાદ દિલ્હી વહીવટીતંત્રે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરી ઘણા મેટ્રો સ્ટેશનો બંધ કરી દેવામાં આવ્યા છે. શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના સંસદ સભ્ય સંજય રાઉતે આ ઘટનાક્રમને લઈને કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

સંસદ સભ્ય સંજય રાઉતે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ 'એક્સ' પરથી ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે 'સરકાર યુવાનોથી ડરી ગઈ છે. સંસદ તરફ કૂચ માટે પરવાનગી નકારવામાં આવી. એમનું ચાલ્યું હોત તો જંતર-મંતર પર લાખો લોકો વિરુદ્ધ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોત. પણ એ શક્ય નથી. કૂચનો રસ્તો ઈડી તરફ વાળવો જોઈએ. ઈડી, સુપ્રીમ કોર્ટ જેવી સંસ્થા મોદી અને શાહની ગુલામ બની ગઈ છે.'

આજે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેના નેતૃત્વમાં સંસદ તરફ મોરચો કાઢવામાં આવ્યો. સુરક્ષા કારણોસર, દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને 5 મહત્વપૂર્ણ મેટ્રો સ્ટેશન - જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક, સેન્ટ્રલ સેક્રેટરીએટ અને સેવા તીર્થ - મુસાફરો માટે સંપૂર્ણપણે બંધ કરી દીધા. 

પ્રદર્શનકારીઓને રોકવા માટે સ્થળ પર પાણીના કેનન અને રમખાણો નિયંત્રણ 'વજ્ર' વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. સિવાય સમગ્ર વિસ્તારમાં મોબાઇલ જામર લગાવવામાં આવતા ઇન્ટરનેટ નેટવર્ક ખોરવાઈ ગયું હતું.