(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્ટ્રેટ ઑફ હોર્મુઝના મુદ્દે ઈરાન અને ઓમાન વચ્ચેની વાટાઘાટોમાં ઉકેલ આવવા બાબતે અનિશ્ચિતતાને કારણે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી બેતરફી વધઘટે અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે સાધારણ પાંચ પૈસાના સુધારા સાથે 95.17ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.22ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 95.28ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.28 અને ઉપરમાં 95.17ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસા વધીને સત્રની ઊંચી 95.17ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામં 14 પૈસાનો ઘટાડો આવ્યો હતો.
પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઓમાન વચ્ચે સ્ટ્રેટ ઑફ હોર્મુઝના મુદ્દે ડીલ થવા બાબતે અનિશ્ચિતતા સપાટી પર આવી હોવાથી ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હોવાથી અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરતાં મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે ડૉલર સામે રૂપિયો 95થી 95.60 આસપાસની રેન્જમાં રહે તેમ જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ 0.02 ટકા ઘટીને 99.90 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે વધ્યા મથાળેથી 0.23 ટકા ઘટીને બેરલદીઠ 82.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 455.59 પૉઈન્ટનો અને 65.35 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 17.86 કરોડની ચોખ્ખી વેચાવાલી રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.