Mon Sep 07 2026

Logo

હાઈ કોર્ટના નિર્દેશ બાદ રેસિડન્ટ ડોકટરોએ હડતાળ પાછી ખેંચી

2026-08-06 21:35:07
Author: Mumbai Samachar Team
હાઈ કોર્ટના નિર્દેશ બાદ રેસિડન્ટ ડોકટરોએ હડતાળ પાછી ખેંચી

મુંબઈઃ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ હેઠળ હોમિયોપેથની નોંધણીનો વિરોધ કરી રહેલા રેસિડેન્ટ ડોકટરોએ બોમ્બે હાઈકોર્ટના નિર્દેશ બાદ ગુરુવારે તેમની હડતાળ પાછી ખેંચી લીધી હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ એસોસિએશન ઓફ રેસિડન્ટ ડોકટર્સ (માર્ડ) સાથે જોડાયેલા, રાજ્યની બધી સરકારી હોસ્પિટલો તેમજ કેટલીક પાલિકા સંચાલિત હોસ્પિટલોના રેસિડન્ટ ડોકટરો પાંચમી ઓગસ્ટથી હડતાળ પર હતા.

"સેન્ટ્રલ માર્ડ 2026-27 આથી રાજ્યવ્યાપી ચાલી રહેલા અનિશ્ચિત આંદોલનને પાછું ખેંચવાની જાહેરાત કરે છે, જે યોગ્ય કાનૂની અને નિયમનકારી પદ્ધતિ વિના બીએચએમએસ-સીસીએમપી માળખાના પ્રસ્તાવિત અમલના વિરોધમાં શરૂ કરવામાં આવ્યું હતું," એમ ડોક્ટરોના સંગઠને એક નિવેદનમાં જણાવ્યું હતું.

આ આંદોલન ફક્ત બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશોનું પાલન કરીને પાછું ખેંચવામાં આવ્યું છે, એમ  પણ તેમાં જણાવાયું છે.

"અમારી માંગણીઓનો ઉકેલ આવ્યો નથી, આ હેતુ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અટલ છે, અને સેન્ટ્રલ માર્ડ બંધારણીય, કાનૂની અને લોકશાહી માધ્યમો દ્વારા આ લડાઈ ચાલુ રાખશે. મુખ્ય પ્રધાન સાથે ચર્ચા કર્યા પછી એસોસિએશન યોગ્ય વલણ અપનાવશે અને આગળની કાર્યવાહીની જાહેરાત કરશે," એમ પણ આ નિવેદનમાં જણાવાયું છે.

આજે વહેલી સવારે, હાઈ કોર્ટે રેસિડન્ટ ડોક્ટર્સને તાત્કાલિક તેમની હડતાળ પાછી ખેંચવાનો આદેશ આપ્યો હતો, જેનાથી રાજ્યભરની હોસ્પિટલોમાં દર્દીઓ પર વિરોધ પ્રદર્શનની અસર અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. ત્યાર બાદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે રાજ્ય સરકાર હડતાળ અંગે હાઈ કોર્ટના નિર્દેશોનું પાલન કરશે.

હોમિયોપેથીને એમએમસી હેઠળ નોંધણી કરાવવા અને એલોપેથિક દવાઓ લખવાની મંજૂરી આપવાના સરકારના નિર્ણય સામે માર્ડે બુધવારથી અનિશ્ચિત હડતાળ શરૂ કરી હતી.

(પીટીઆઈ)