Tue Aug 25 2026

Logo

ખામેનીની હત્યા બાદ ઈરાનની મસ્જિદો પર લહેરાયો 'લાલ ધ્વજ'; જાણો શું છે મતલબ

Tehran   2026-03-01 21:34:00
Author: Savan Zalariya
ખામેનીની હત્યા બાદ ઈરાનની મસ્જિદો પર લહેરાયો 'લાલ ધ્વજ'; જાણો શું છે મતલબ

તેહરાન: ઇઝરાયલ અને યુએસએ લશ્કરી કાર્યવાહી હાથ ધરીને ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની હત્યા કરી છે. ઈરાનમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે, ઈરાન ઉપરાંત દુનિયાભરમાં તેમનાં સમર્થકો શોક વ્યક્ત કરી રહ્યા છે. એવામાં ઈરાનમાં ધાર્મિક રીતે ખુબ જ મહત્વની ગણાતી કોમ શહેરની જામકરન મસ્જિદના ગુંબજ લાલ ફરકાવવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, જામકરન મસ્જિદ પર ફરકાવવામાં આવેલો લાલ ધ્વજ બદલો લેવાના પ્રતિકનો ધ્વજ છે. શિયા પરંપરામાં, લાલ ધ્વજને ન્યાય અને બદલો લેવાની અપીલનું પ્રતિક ગણવામાં આવે છે. કોઈ મહાન શહીદી સમયે આવો લાલ ધ્વજ ફરકાવવામાં આવે છે. આ ધ્વજ દર્શાવે છે કે ખામેનીના સમર્થકોમાં ગુસ્સો છે અને બદલાની ભાવના છે, અને ઈરાન ઇઝરાયેલ અને યુએસના મથકો પર સખત હુમલા કરી શકે છે.

તેહરાનમાં લાખો લોકો ભેગા થયા:

જામકરન મસ્જિદ મસ્જીદમાં એકઠા થયેલા લોકોએ યુએસ અને ઇઝરાયલની નિંદા કરતા નારા લગાવ્યા હતાં. તેહરાન સહિત અન્ય કેટલાક શહેરોની મસ્જીદો પર પણ લાલ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. રાજધાની તેહરાન અને અન્ય ઈરાનના અન્ય મહત્વના શહેરોમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થયા હતાં, અને તેમના સર્વોચ્ચ નેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ઈરાન ખામેનીની હત્યાનો બદલો લેશે:

ખામેનીના મોત બાદ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિઆને એક નિવેદનમાં કહ્યું, “ઈરાનના સશસ્ત્ર દળો આપણા દુશ્મનોના લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કરતા રહેશે, આપણા નેતાની શહાદત વર્ષોના બલિદાનની પરાકાષ્ઠા હતી.”
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે ખામેનીના હત્યારાઓને કડક સજા આપવાની પ્રતિજ્ઞા લીધી. IRGC એ જણાવ્યું કે તે અત્યાર સુધીનું સૌથી પ્રચંડ ઓપરેશન હાથ ધરશે.