નવી દિલ્હી: વધતા જતા સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડીના બનાવોને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંક એ કમર કસી છે. આગામી 1 એપ્રિલથી ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયામાં મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે. હવે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે માત્ર OTP પર નિર્ભર રહેવું પૂરતું નહીં હોય. ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે RBI 'ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન'નો નવો નિયમ લાગુ કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય માણસના નાણાંને હેકર્સ અને સ્કેમર્સથી બચાવવાનો છે.
OTP સાથે બાયોમેટ્રિક્સ પણ હશે ફરજિયાત
નવા નિયમો મુજબ, પેમેન્ટ કરતી વખતે યુઝરે હવે OTP સિવાય પોતાની ઓળખ સાબિત કરવા માટે બાયોમેટ્રિક્સ (જેમ કે ફિંગરપ્રિન્ટ) અથવા ફેસ આઈડીનો ઉપયોગ કરવો પડશે. આ એક વધારાનું સિક્યોરિટી લેયર છે જે સુનિશ્ચિત કરશે કે ટ્રાન્ઝેક્શન ખરેખર ખાતાધારક જ કરી રહ્યો છે. જો તમે તમારા જાણીતા ઉપકરણ (Trusted Device) અને નિયમિત લોકેશન પરથી નાનું પેમેન્ટ કરશો તો પ્રક્રિયા સરળ રહેશે, પરંતુ જો નવા ડિવાઇસ કે અજાણી જગ્યાએથી પેમેન્ટ કરવામાં આવશે તો કડક વેરિફિકેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.
ઓનલાઇન ફ્રોડ અને સિમ સ્વેપિંગ પર લાગશે બ્રેક
ઘણીવાર સ્કેમર્સ લોકોના મોબાઈલ નંબર પર આવતો OTP કોઈને કોઈ રીતે મેળવી લેતા હોય છે, જેના કારણે સિમ સ્વેપિંગ કે ફિશિંગ દ્વારા લોકોના ખાતા ખાલી થઈ જતા હતા. હવે નવા નિયમ બાદ જો કોઈ પાસે તમારો OTP આવી જાય તો પણ તે તમારા બાયોમેટ્રિક ડેટા કે ફેસ લોક વિના પેમેન્ટ કરી શકશે નહીં. આનાથી સિમ ચોરી કે ફોન હેક થવાના કિસ્સામાં પણ બેંક બેલેન્સ સુરક્ષિત રહેશે અને ડિજિટલ ફ્રોડની ઘટનાઓમાં મોટો ઘટાડો આવવાની શક્યતા છે.
બેંકો અને પેમેન્ટ એપ્સની જવાબદારી વધી
આ નવા ફેરફારમાં સૌથી મહત્વની વાત એ છે કે જવાબદારી હવે બેંકો અને પેમેન્ટ એપ્સ પર નાખવામાં આવી છે. જો કોઈ બેંક કે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ આ નવા સુરક્ષા નિયમોનું પાલન નહીં કરે અને તે દરમિયાન ગ્રાહક સાથે છેતરપિંડી થશે, તો તેની પૂરેપૂરી ભરપાઈ કરવાની જવાબદારી તે બેંક કે એપની રહેશે. આ પગલાથી નાણાકીય સંસ્થાઓ પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે પ્રોત્સાહિત થશે અને યુઝર્સને વળતર મેળવવામાં સરળતા રહેશે.