મુંબઈ: ફિલ્મ અભિનેત્રી રવીના ટંડનના ભાઈના જૂહુના ઘરમાંથી અંદાજે પચીસ લાખ રૂપિયાના સોના અને ડાયમંડના દાગીના કથિત રીતે ચોરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. અભિનેત્રીની વૃદ્ધ માતાની કૅરટેકર બનીને મહિલાએ પહેલાં પરિવારનો વિશ્ર્વાસ સંપાદન કર્યો હતો અને પછી તિજોરીમાં હાથફેરો કર્યો હતો.જૂહુ પોલીસે ધરપકડ કરેલી માહિલાની ઓળખ રાશિ છાબરિયા (47) તરીકે થઈ હતી. ખારમાં રહેતી રાશિએ રવીના ટંડનની વૃદ્ધ માતા વીણા ટંકનની દેખભાળ કરીને તેમનો વિશ્વાસ કેળવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ચોરીની જાણ ગયા વર્ષના ઑક્ટોબરમાં થઈ હતી. ટંડન પરિવારના સભ્ય દાગીના કાઢવા તિજોરી ખોલવા ગયા ત્યારે તિજોરીનું લૉક તૂટેલું હોવાનું જણાયું હતું. તપાસ કરતાં તિજોરીમાંથી સોનાના અને હીરાના દાગીના તેમ જ બે મોંઘીદાટ કાંડાઘડિયાળ ગુમ હોવાની જાણ થઈ હતી. અંદાજે પચીસ લાખ રૂપિયાની મતા ચોરાઈ હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
એફઆઈઆરમાં જણાવાયું હતું કે આ બાબતે રાજીવ ટંડને રાશિને પૂછતાં શરૂઆતમાં તેણે ચોરીનો ઇનકાર કર્યો હતો. જોકે બાદમાં તેણે ગુનામાં સંડોવણીની કબૂલાત કરી હતી. તે સમયે રાશિએ ચોરેલી બન્ને ઘડિયાળ પાછી આપી હતી, પરંતુ દાગીના તેણે પોતાના સાથી જગદીશને આપ્યા હોવાનો દાવો કર્યો હતો. એ દાગીના પાછા આપવાની ખાતરી તેણે આપી હતી.જોકે દાગીના બાબતે વારંવાર પૂછતાં રાશિ ઉડાઉ જવાબ આપતી હતી. આખરે રાશિએ દાગીના ન આપતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
ફરિયાદમાં રાજીવ ટંડને જણાવ્યું હતું કે 2020થી રાશિ તેમના ઘરે આવ-જા કરતી. પતિ અને વડીલોના નિધન પછી રાશિના ટંડન પરિવાર સાથેના સંબંધ વધુ ગાઢ બન્યા હતા, જેને પગલે તે બેરોકટોક ઘરમાં આવી શકતી.માત્ર પરિવારના સભ્યો અને રાશિને જ ઘરના બીજા માળે જવાની છૂટ હતી અને એ જ માળે કીમતી મતા રાખવામાં આવી હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે દાગીનાની માગણી વારંવાર કરવામાં આવશે તો પોતાના સાથીની મદદથી ડ્રગ્સના કેસમાં સપડાવવાની ધમકી રાશિએ આપી હતી. પોતાનો સાથી પોલીસનો ખબરી હોવાનો દાવો રાશિએ કર્યો હતો. ફરિયાદને આધારે પોલીસે 21 મેના રાશિની ધરપકડ કરી હતી. કોર્ટે તેને 29 મે સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પછી તેને અદાલતી કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. (પીટીઆઈ)