Thu Apr 23 2026

Logo

રાજસ્થાન સુપર-હિટ, પણ બૅટ્સમૅન રિયાન સુપર-ફ્લૉપ

2026-04-23 19:04:09
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ બુધવારે અહીં રાજસ્થાન રૉયલ્સ (RR)એ આપેલા 160 રનના સાધારણ લક્ષ્યાંકને પણ યજમાન લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમ મેળવી ન શકી અને 40 રનના મોટા તફાવતથી હારી ગઈ એનો જશ રાજસ્થાનના ઘણા ખેલાડીઓને જાય છે અને રિયાન પરાગ (RIYAN PARAG)ની કૅપ્ટન્સી પણ ઘણે અંશે કારણરૂપ કહેવાય, પરંતુ બૅટ્સમૅન રિયાન પરાગ આ વખતે સતત ફ્લૉપ જઈ રહ્યો છે એની ચિંતા રાજસ્થાનની ટીમને સતાવતી જ હશે.

રાજસ્થાને રવીન્દ્ર જાડેજાના અણનમ 43 રનની મદદથી છ વિકેટે 159 રન કર્યા હતા જેના જવાબમાં લખનઊની ટીમ માત્ર 119 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. રાઇટ-આર્મ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે ત્રણ વિકેટ, લેફ્ટ-આર્મ પેસ બોલર નેન્ડ્રે બર્ગરે બે વિકેટ, રાઇટ-આર્મ પેસ બોલર બ્રિજેશ શર્માએ બે વિકેટ તેમ જ બે સ્પિનર રવીન્દ્ર જાડેજા તથા રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી. લખનઊને 40 રનના માર્જિનથી દૂર રખાવવામાં જોફ્રા આર્ચર (20 રનમાં ત્રણ વિકેટ)નું સૌથી મોટું યોગદાન હતું, પણ ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ બદલ જાડેજાને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

રાજસ્થાનની ટીમ આ વખતે સાતમાંથી પાંચ મૅચ જીતીને 10 પૉઇન્ટ સાથે બીજા નંબર પર આવી ગઈ છે. જોકે એનો કૅપ્ટન રિયાન પરાગ બૅટ્સમૅન તરીકે સદંતર ફ્લૉપ રહ્યો છે. તે આ વખતે 20થી વધુ રન નથી કરી શક્યો.

સંજુ સૅમસન ચેન્નઈની ટીમમાં ગયો ત્યાર બાદ રિયાન પરાગ પર નેતૃત્વની મોટી જવાબદારી નાખવામાં આવી છે અને એ બોજ તળે તે સારી બૅટિંગ નથી કરી શક્યો. તે સાત મૅચમાં 117.39ના સ્ટ્રાઇક-રેટથી કુલ માત્ર 81 રન બનાવી શક્યો છે. રિયાન પરાગના સાત મૅચના સ્કોરઃ 14 અણનમ, 8, 20, 3, 4, 12, 20.